Surat News: સુરતના ચોકબજાર વિસ્તારમાં વર્ષોથી ટ્રાફિક અને અવરજવરમાં નડતરરૂપ બનેલા ગેરકાયદે દબાણો (Surat Chok Bazar Demolition) સામે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઝોનની ટીમે એન્ડ્રુઝ લાઈબ્રેરી અને રાજા ઓવારા નજીક જાહેર માર્ગ પર ઉભા કરાયેલા પાકા બાંધકામો, પ્લેટફોર્મ, પાનની કેબિનો અને લારી-ગલ્લાં સહિતના દબાણો (Surat Chok Bazar Demolition) દૂર કર્યા હતા. પાલિકાની કામગીરી બાદ હવે સ્થળને લેવલ કરી નવો ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. રસ્તો પહોળો થવાથી ચોકબજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થવાની સાથે વાહનચાલકો અને સ્થાનિકોને પણ રાહત મળવાની શક્યતા છે.
મેટ્રોની કામગીરી વચ્ચે ટ્રાફિકની સમસ્યા વધી હતી
ચોકબજારથી રાજમાર્ગ તરફના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. તેના કારણે રસ્તાની ઉપલબ્ધ જગ્યા ઘટતાં ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી. એન્ડ્રુઝ લાઈબ્રેરી નજીક પણ વારંવાર વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી. આ સ્થિતિ વચ્ચે જાહેર રસ્તા પરના દબાણો ટ્રાફિક માટે વધુ નડતરરૂપ બનતા હતા. આથી સેન્ટ્રલ ઝોનની ટીમે જેસીબી અને અન્ય મશીનરી સાથે કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન પાકા બાંધકામો, પ્લેટફોર્મ તથા લારી-ગલ્લાં સહિતના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
દબાણો હટાવ્યા બાદ હવે નવો રસ્તો બનશે
પાલિકાની કામગીરી બાદ સ્થળને સમતલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી એક-બે દિવસમાં અહીં ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે તેવી માહિતી આપવામાં આવી છે. નવો અને પહોળો રસ્તો બન્યા બાદ વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે અને ચોકબજાર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
ક્રાઇમ બ્રાન્ચ પાસે પાર્કિંગની સમસ્યા પણ હળવી થશે
આ વિસ્તારમાં નવો રસ્તો બનવાથી નજીક આવેલી ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં આવતા અધિકારીઓ તથા મુલાકાતીઓ માટે પાર્કિંગની સમસ્યા પણ હળવી થવાની શક્યતા છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે ખાણી-પીણીની લારીઓ અને અન્ય દબાણો દૂર કરવાની માગ કરવામાં આવી રહી હતી.
Surat Chok Bazar Demolition: હાઇકોર્ટના આદેશ બાદ કાર્યવાહી
રાજા ઓવારા વિસ્તારમાં જાહેર માર્ગ પર થયેલા કથિત ગેરકાયદે દબાણ (Surat Chok Bazar Demolition)ના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજી બાદ હાઇકોર્ટે દબાણ દૂર કરીને સંબંધિત જગ્યા મહાનગરપાલિકાના કબજામાં લેવા અંગે આદેશ આપ્યો હતો. ત્યારબાદ પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર ડિમોલિશન (Surat Chok Bazar Demolition)ની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કોઈ મોટી અશાંતિ સર્જાયા વગર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
12 વર્ષની કાનૂની લડત બાદ સફળતા મળ્યાનો દાવો
આ મામલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરનાર દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે તેઓ ચોકબજારની હેરિટેજ ધરોહર અને જાહેર જગ્યા બચાવવા માટે છેલ્લા 12 વર્ષથી કાનૂની લડત લડી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, રાજા ઓવારા વિસ્તારમાં દબાણ (Surat Chok Bazar Demolition) કરીને પ્લેટફોર્મ અને દુકાનો ઊભી કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે નર્મદા જયંતીના કાર્યક્રમ દરમિયાન ગાંધીબાગ આવેલા અધિકારીઓ સમક્ષ સ્થળ અંગે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ તંત્ર દ્વારા તાત્કાલિક મશીનરી બોલાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી. તેમણે દાવો કર્યો કે દબાણો (Surat Chok Bazar Demolition) દૂર થતાં ચોકબજારનો આ હેરિટેજ વિસ્તાર ફરી ખુલ્લો થયો છે.
ટ્રાફિક સાથે હેરિટેજ વિસ્તારને પણ ફાયદો થવાની આશા
પાલિકાની આ કામગીરી બાદ હવે ચોકબજાર વિસ્તારમાં માત્ર ટ્રાફિકની સમસ્યા જ નહીં પરંતુ જાહેર જગ્યાના ઉપયોગ અને હેરિટેજ વિસ્તારની જાળવણી અંગે પણ સુધારો થવાની અપેક્ષા છે. હવે દબાણ દૂર કર્યા બાદ રસ્તો તૈયાર થયા પછી વાહનવ્યવહાર કેટલો સરળ બને છે અને પાર્કિંગની સમસ્યામાં કેટલી રાહત મળે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:સુરત ડિમોલિશન કાંડ મુદ્દે ભાજપ ઘેરાયું, પત્રકારોના સવાલો વચ્ચે નેતાઓએ ટાળ્યા સીધા જવાબ
