Surat News : સુરતમાં પાટીદાર શિક્ષિકા નેનુ વાડીયાના ચકચારભર્યા આપઘાતના કેસમાં જ્યુવેનાઈલ કોર્ટે દુષ્પ્રેરણા આપનાર સગીર આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. સગીર સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ હોવાનો ફરિયાદ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાના કારણે કોર્ટે જામીન આપ્યા ન હતા.
આ કેસની વિગત મુજબ કતારગામના નાની વેડ વિસ્તારમાં રહેતી પાટીદાર શિક્ષિકા નેનુ વાવડીયાએ 13 જુલાઈની સાંજે પોતાના ઘરમાં પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. શિક્ષિકાના પિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે જે ક્લાસીસમાં ભણાવતી હતી ત્યાં આવતો સગીર તેને પરેશાન કરતો, સબંધ રાખવા દબાણ કરતો તેમજ 30 હજાર રૂપિયાની ખંડણી માંગતો હતો. આ માનસિક ત્રાસને કારણે પુત્રીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે સગીરને ઝડપી લીધો હતો, જ્યારે તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંનેની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણીઓ ચાલી રહી છે. આરોપી સગીરની જામીન અરજીની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી એપીપી જે.ડી. પટેલ હાજર રહ્યા હતા અને દલીલ કરી હતી.
ફરિયાદ પક્ષ તરફથી દલીલ કરાઈ હતી કે, કિશોર સામે પ્રથમ દ્રષ્ટિએ મજબૂત પુરાવા છે. તેમણે ઉમેર્યું કે કથિત ગુનો બિન-જામીનપાત્ર છે અને બીએનએસ-2023ની કલમ 108 હેઠળ આ ગંભીર ગુનો છે, જેમાં દસ વર્ષ સુધીની કેદ તથા દંડની જોગવાઈ છે. બોર્ડે રજૂ કરાયેલા પુરાવા અને કેસની પરિસ્થિતિને ધ્યાને લઈને સગીરની જામીન અરજી ફગાવી દીધી હતી.
આપઘાતના કેસમાં મૃતક નેનું વાવડીયા અને આરોપી સગીરના મોબાઈલને FSLમાં મોકલવામાં આવ્યા હતા. FSLમાંથી એક મહિના બાદ 3000 પાનાનો રિપોર્ટ સિંગણપોર પોલીસને આપવામાં આવ્યો છે. આઈપીસીએલ રિપોર્ટની અંદર નેનુ દ્વારા આરોપી સગીરને કરવામાં આવેલા મેઈલનો પણ ઉલ્લેખ છે. મોટા પ્રમાણમાં 2024માં નેનુ દ્વારા આરોપી સગીરને મેલ કરવામાં આવ્યા છે. આ મેલમાં અનેક ખુલાસા છે.
સિંગણપોર પોલીસ દ્વારા FSL દ્વારા આપવામાં આવેલા રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટના એનાલિસિસ બાદ ઘણી અન્ય બાબતો પણ બહાર આવી શકે તેમ છે અને આરોપી વિરુદ્ધ અન્ય કલમો પણ ઉમેરો કરવાની શક્યતાઓ છે. હાલ તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓ પણ કઈ બોલવા તૈયાર નથી અને ખૂબ જ ગુપ્ત રીતે આ કેસની આગળની તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે સિંગણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.બી.ગોહિલે જણાવ્યું હતું કે FSL રિપોર્ટ આવ્યા બાદ હાલ તેનું એનાલિસિસ ચાલી રહ્યું છે. રિપોર્ટમાં જે સામે આવ્યું છે તે બાબતે સગીર આરોપીની પૂછપરછ કરવા માટે જુવેનાઈલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે નામંજૂર કરી દીધી છે. રિપોર્ટમાં સામે આવેલા તથ્યો બાબતે પૂછપરછ કર્યા બાદ જ વધુ કાર્યવાહી કરી શકાશે. આ બાબતે આ કેસમાં કોઈપણ પ્રકારની કલમ ઉમેરો અથવા તો કોઈપણ આગળની કાર્યવાહી માટે કોર્ટની પરમિશન લેવી પડશે ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે.
આ પણ વાંચો:મુંદ્રા પોર્ટ કેસઃ સ્પેશ્યલ NIA કોર્ટે સાતેય આરોપીને છોડવા ઇન્કાર કર્યો
આ પણ વાંચો:અદાણીના મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મૂવમેન્ટને હેન્ડલ કરી
આ પણ વાંચો:યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી
