સુરેન્દ્રનગર શહેરમા ૮૦ ફુટ રોડ પર અલ્ટ્રા વિઝન સ્કુલ પાસે જાહેર રસ્તા પર ભુંડ પકડવાનું કામ કરતી બે ગેંગ વચ્ચે મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. આ મામાલે સુરેન્દ્રનગર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં આતંક મચાવનાર પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે એક આરોપી હજી પણ પોલીસ પકડથી દુર છે.
સુરેન્દ્રનગર શહેરમાં સોમવારે બપોરના સમયે ભુંડ પકડવાનું કામ કરતા અમુક શખ્સો ભુંડ પકડી વેગનઆર કારમાં જઇ રહ્યાં હતા તે દરમિયાન ૮૦ ફુટ રોડપર પીકઅપ ગાડી લઇ ધસી આવેલા અન્ય પાંચ શખ્સોએ વેગનઆર કાર સાથે પીકઅપ વાન અથડાવી વેગનઆર કારમાં સવાર શખ્સોને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો અને પીકઅપમાં આવેલા શખ્સો ખુલ્લી તલવાર સાથે જાહેર રસ્તા પર આતંક મચાવતા લોકોમાં ભય સાથે ફફડાટની લાગણી ફેલાઇ હતી. પીકઅપ વાન બે થી ત્રણ વાર વેગનઆર કાર સાથે અથડાવી કારનો કચ્ચરઘાણ બોલાવી દેવામાં આવ્યો હતો તેમજ કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી.
ધોળા દિવસ શહેરના હાર્દસમા રસ્તા પર ફિલ્મી સ્ટાઇલના દ્રશ્યો સર્જાયા હતા અને હુમલાખોરો ગણતરીની મિનિટમાં હુમલો કરી નાસી છુટ્યા હતા. ત્યારે હુમલાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં હતા. ગુનેગારોને જાણે પોલીસનો કોઇ ડર જ ન હોય અને કાયદાનુ કોઇ અસ્તિત્વ જ ન હોય તેમ પાંચ શખ્સો જાહેરમાં આતંક મચાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ઇજાગ્રસ્તોની ફરીયાદના આધારે પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા બન્ને ગેંગ દ્વારા અગાઉ ભુંડ પકડી તેનું ખસીકરણ કરવાનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો પરંતુ હાલ બન્નેમાંથી એક પણ ગેંગ પાસે કોન્ટ્રાક્ટ ન હોવા છતાં ગેરકાયદેસર ભુંડ પકડતા હતા જે બાબતે માથાકુટ થતાં જ આ હુમલાનો બનાવ બન્યો હોવાની વિગતો બહાર આવી છે. જાહેરમાં આતંક મચાવનાર પાંચેય શખ્સોને પોલીસ ટીમ દ્વારા ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતાં અને કાયદાનું ભાન કરાવી લોકોમાં આવા લુખ્ખાતત્વોનો ડર દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીના નામ
૧-તિરથસીંગ રાજુસીંગ ટાંક
૨-હીરાસીંગ ઇશ્વરસીંગ ટાંક
૩-અવતારસીંગ ઇશ્વરસીંગ ટાંક
૪-બહાદુસીંગ ઇશ્વરસીંગ ટાંક
૫-શેરસીંગ ઇશ્વરસીંગ ટાંક
ફરાર આરોપી
૧-રાજુસીંગ ઇશ્વરસીંગ ટાંક
આ પણ વાંચો : ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલને ગોધરા રત્ન એવોર્ડથી કરાયા સન્માનિત
