Ahmedabad News/ શિક્ષકોનો TET ફરજિયાતના નિર્ણય સામે વિરોધ, રાજ્યવ્યાપી આંદોલન

અમદાવાદ (Ahmedabad)સહિત અનેક જિલ્લાઓમાં શિક્ષકો (Teachers) કલેક્ટર કચેરીઓ બહાર ધરણાં કરી સરકાર અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરશે.

Top Stories Ahmedabad Gujarat
ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો (Teachers) પણ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન માટે મેદાનમાં ઉતર્યા છે.

Ahmedabad News : ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો (Teachers) પણ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન માટે મેદાનમાં ઉતર્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ શિક્ષકો માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) ફરજિયાત કરવાના નિર્ણય સામે વિવિધ શિક્ષક સંઘોએ વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 33 જિલ્લાઓમાં 17 જૂનથી 20 જૂન સુધી ધરણાં, પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાશે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ (Ahmedabad)સહિત અનેક જિલ્લાઓમાં શિક્ષકો (Teachers) કલેક્ટર કચેરીઓ બહાર ધરણાં કરી સરકાર અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરશે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેમણે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. જો તેઓ પરીક્ષા પાસ નહીં કરે તો નોકરી છોડવી અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડી શકે છે. જોકે, પાંચ વર્ષ કે તેનાથી ઓછી સેવા બાકી હોય તેવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે.

આ નિર્ણયથી ખાસ કરીને વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકો (Teachers) માં ભારે અસંતોષ ફેલાયો છે. શિક્ષક સંઘોના જણાવ્યા અનુસાર તે સમયે ભરતી નિયમોમાં TET પરીક્ષાની કોઈ જોગવાઈ નહોતી અને તમામ ભરતી સરકારના નિયમો મુજબ કરવામાં આવી હતી. તેથી 25 વર્ષથી વધુ સમયથી સેવા આપતા શિક્ષકોને હવે TET પાસ કરવાની ફરજ પાડવી અન્યાયપૂર્ણ હોવાનું તેઓ માને છે.

શિક્ષક સંઘોના દાવા મુજબ રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા શિક્ષકો આ નિર્ણયથી સીધી અસર હેઠળ આવી શકે છે. આથી તેઓ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માંગ કરી રહ્યા છે.

આંદોલન દરમિયાન માત્ર TET મુદ્દો જ નહીં પરંતુ અન્ય મહત્વપૂર્ણ માંગણીઓ પણ ઉઠાવવામાં આવશે. જેમાં 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, ધોરણ 6થી 8ના શિક્ષકોને અલગ ગ્રેડ પે આપવો તેમજ HTAT આચાર્યોને આપવામાં આવતા વધારાના શાળાકીય ચાર્જ સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, વર્ષ 1997-98થી સરકાર દ્વારા નિયમસર ભરતી થયેલા શિક્ષકોને હવે નવી શરતો હેઠળ TET પાસ કરવાની ફરજ પાડવી યોગ્ય નથી. આ મુદ્દે રાજ્યભરના શિક્ષકો એકજૂટ થઈ વિરોધ પ્રદર્શન કરશે અને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરશે.

શિક્ષક સંઘોનું માનવું છે કે લાંબા સમયથી સેવા આપતા અને અનુભવ ધરાવતા શિક્ષકો (Teachers) માટે નવી પરીક્ષા ફરજિયાત બનાવવાને બદલે તેમને વિશેષ રાહત આપવી જોઈએ. હવે આગામી દિવસોમાં રાજ્યભરમાં યોજાનારા આંદોલન પર સરકાર શું વલણ અપનાવે છે તે મહત્વપૂર્ણ બનશે


આ પણ વાંચો : કચ્છમાં લથડિયા ખાતા શિક્ષણને ચલાવવા માટે 4100 વિદ્યાસહાયકોની ભરતી લાભકારક ઠરશે કે કેમ?

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા તરફ આંદોલનકારી વ્યાયામ વીરોની કૂંચ, પહોંચતા પહેલા અટક કરાઈ

આ પણ વાંચો : પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ PT શિક્ષકોની ટીંગાટોળી, કાયમી ભરતીની માગ સાથે વિરોધ કરતા વિધાનસભા પહોંચે એ પહેલા જ અટકાયત