Landslide ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં જમીન ધસી જવાની પ્રક્રિયા ચાલુ છે. ઘરોમાં તિરાડો પડી ગઈ છે. જમીન ફાટવા લાગી છે અને રસ્તાઓ ધસી ગયા છે. આડેધડ બાંધકામ, પાણી લીકેજ અને માટીનું ધોવાણ લોકો માટે આફત બની ગયું છે. શુક્રવારે ભૂસ્ખલનને કારણે ભગવતી મંદિર ધરાશાયી થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સિંહધર વોર્ડમાં આ પહેલો કેસ છે. અત્યાર સુધી માત્ર દિવાલોમાં તિરાડો જ આવતી હતી, પરંતુ હવે મંદિર ધરાશાયી થતાં લોકોમાં ગભરાટનો માહોલ છે. સાથે જ દિવસે દિવસે ઘરોમાં તિરાડો વધી રહી છે. અત્યાર સુધીમાં 603 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. અનેક મકાનો ધરાશાયી થવાના આરે છે. જેના કારણે શુક્રવારે પણ વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારમાંથી વધુ 6 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જે બાદ અત્યાર સુધીમાં 44 પરિવારોને અહીંથી શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓના મકાનો સાવ જર્જરીત હાલતમાં બની ગયા છે. દિવાલોમાં મોટી તિરાડો દેખાઈ છે અને ફ્લોર સુધી ધસી ગઈ છે. સ્થિતિને જોતા મુખ્યમંત્રી પુષ્કર ધામીએ શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સીએમએ કહ્યું કે સલામત સ્થળે તાત્કાલિક એક મોટું કામચલાઉ પુનર્વસન કેન્દ્ર બનાવવું જોઈએ. જોશીમઠમાં સેક્ટર અને ઝોનલ મુજબનું આયોજન કરવું જોઈએ. ડેન્જર ઝોન તાત્કાલિક ખાલી કરાવવો જોઈએ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સક્રિય કરવો જોઈએ. જે બાદ અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે.
દિવાલોના કારણે લોકો ભયમાં જીવવા મજબૂર છે. જે લોકો પોતાના ઘરમાં રહે છે તેઓ આખી રાત સૂઈ શકતા નથી. જેમના મકાનોમાં તિરાડો પડી ગઈ છે અથવા જમીનનો અમુક ભાગ ડૂબી ગયો છે, તેઓ ઘર છોડીને ભાગી ગયા છે. પ્રશાસનની ટીમ પણ સતત લોકોને આવા ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. સૌથી વધુ કહેર મારવાડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અહીં ઘણી જગ્યાએ જમીનની અંદરથી ગંદા પાણીનો સતત લિકેજ વધી રહ્યો છે. હાઈડ્રોપાવર પ્રોજેક્ટ કોલોનીની દીવાલો ફાડીને પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જેપી કંપનીની કોલોનીમાં આવા અનેક મકાનો છે જ્યાં તિરાડો પડી ગઈ છે. અહીં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
