Gandhinagar News: ગુજરાતમાં મતદાર યાદી (Voter list) નું શુદ્ધીકરણ (Special Intensive Revision – SIR) કાર્યક્રમ હવે રાજકીય પક્ષો, મતદાર નોંધણી અધિકારીઓ (ERO), બુથ લેવલ ઓફિસર્સ (BLO) અને સામાન્ય નાગરીકો વચ્ચેના વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. 19 ડિસેમ્બર 2025ના રોજ SIR પ્રક્રિયા દ્વારા 73.73 લાખથી વધુ બોગસ અને ડુપ્લિકેટ મતદારોના નામો યાદીમાંથી કાઢ્યા પછી જાહેર થયેલા ડ્રાફ્ટમાં હજુ પણ અનેક અસંગતિઓ જોવા મળી રહી છે. આ કારણે ભાજપ, કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષો અને અસરગ્રસ્ત વ્યક્તિઓ દ્વારા વાંધા ફોર્મ નં. 7 ભરીને રજૂ કરવાની પ્રક્રિયા ઝડપી બની છે. અમદાવાદ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં તો ERO, BLO અને બુથ લેવલ એજન્ટ્સ (BLA) સામે ધમકીઓ અને એટ્રોસિટીના આરોપો પણ નોંધાઈ રહ્યા છે.

ગુજરાતમાં મતદાર યાદી (Voter list) ને વધુ વિશ્વસનીય બનાવવા માટે ભારતના મુખ્ય ચૂંટણી આયોગ (ECI) દ્વારા શરૂ કરાયેલી SIR પ્રક્રિયા 19 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ. આ પ્રક્રિયામાં 5.08 કરોડ મતદારોની યાદીમાંથી 73.73 લાખ બોગસ, મૃત અથવા ડુપ્લિકેટ નામો કાઢવામાં આવ્યા હતા, જેના પગલે મતદાર ડ્રાફ્ટ યાદી (Voter list) માં મતદારોની સંખ્યા 4.32 કરોડે ઘટી. આ ઘટાડો 51 દિવસમાં થયો હોવાથી શરૂઆતમાં વાંધા અને અરજીઓની પ્રક્રિયા મંદ રહી, પરંતુ 19 જાન્યુઆરી 2026 સુધીમાં 9.59 લાખ મતદારોના નામોને શંકાસ્પદ ગણીને વાંધા ફોર્મ નં. 7માં રજૂ કરવામાં આવ્યા. આ પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે, જેમાં નવા નામો ઉમેરવા અને રદ્દ થયેલા નામોને પુનઃ સમાવવા માટે 6.54 લાખથી વધુ અરજીઓ પણ નોંધાઈ છે.

મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) તંત્રે તાજેતરમાં જિલ્લાવાર ડેટા જાહેર કર્યો છે, જેમાં ફોર્મ નં. 7 (વાંધા માટે) અને ફોર્મ નં. 6/6A (નવા નામો અથવા પુનઃ નોંધણી માટે)ની વિગતો આપવામાં આવી છે. આ ડેટા અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં જ 4 લાખથી વધુ અરજીઓ આવી છે, જ્યારે વાંધા રજૂ કરવા માટે હજુ એક અઠવાડિયાનો સમય બાકી છે.
મતદાર યાદી (Voter list) SIR પર વિવાદ
અમદાવાદ જિલ્લામાં SIR પ્રક્રિયામાં 14.52 લાખથી વધુ નામો રદ્દ થયા હોવા છતાં, ડ્રાફ્ટમાં હજુ પણ 2.40 લાખ મતદારોને શંકાસ્પદ ગણીને વાંધા રજૂ થયા છે. આ જિલ્લામાં જીવંત અને હાયાત નાગરીકો, જેમના નામો નોંધાયેલા સરનામા પર BLOએ ચકાસણી કરીને SIRમાં યથાવત રાખ્યા હતા, તેમના નામો પણ ડ્રાફ્ટમાંથી કાઢવાના અહેવાલો સામે આવ્યા છે. આ કારણે નાગરીકોમાં ભીતિ વ્યાપી છે કે તેમનું નામ મતદાર યાદી (Voter list) માંથી કાયમી રીતે રદ્દ થઈ જશે, જેના કારણે ERO અને BLO સામે વિરોધ અને તણાવ વધ્યો છે. સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ આવી જ શિકાયતો નોંધાઈ રહી છે, જ્યાં BLOઓને ધમકીઓ મળી રહી છે.

CEO તંત્રના જણાવ્યા અનુસાર, આ વિવાદ વચ્ચે જિલ્લાવાર ફોર્મ નં. 7 અને 6/6Aની માહિતી જાહેર કરવામાં આવી છે. આ ડેટા ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે, જેથી નાગરીકો પોતાની વિગતો ચેક કરી શકે અને જરૂરી અરજીઓ કરી શકે.31 જાન્યુઆરી સુધી વાંધા રજૂ કરી શકાય છે, જેના આધારે EROએ અસરગ્રસ્ત વ્યક્તિઓને નોટિસ કાઢીને પુરાવા માંગ્યા છે.ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં સુનાવણીઓ યોજાશે.

જો કોઈ વ્યક્તિ પોતાની હાયાતી, એક જ સ્થળે નોંધણી અને 2002ના SIRમાં મતદાર હોવાના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેશે, તો તેનું નામ ફાઈનલ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. 7 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર થનારી ફાઈનલ યાદીમાં નામ ન હોવાથી, એપ્રિલ-મે 2026માં યોજાવાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (પાલિકા, પંચાયતો)માં મતાધિકારનો (Voter list) ઉપયોગ કરી શકાશે નહીં. નોંધનીય છે કે, આ ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ECIની ફાઈનલ યાદીને આધારે યોજાય છે. આથી, 31 જાન્યુઆરી સુધીના વાંધા અને 5 ફેબ્રુઆરી સુધીની સુનાવણીઓના આધારે જ ચૂંટણીઓનું મેટ્રિક્સ નક્કી થશે.
આ પણ વાંચો:નવસારીમાં BLOની કામગીરી દરમિયાન શિક્ષકની તબિયત લથડી
આ પણ વાંચો:વધુ એક BLOનું હાર્ટએટેકથી મોત, રાત્રે SIRનું કામ કરતી વખતે આવ્યો હુમલો
આ પણ વાંચો:BLO આત્મહત્યા મુદ્દે જીતુ વાઘાણીની સ્પષ્ટતા, દબાણ ન કરવા કલેક્ટરોને આદેશ
