ભારતીય ક્રિકેટમાં એક સમય એવો હતો કે જો સચિન તેંડુલકર ટીમમાં ન હોય તો જીત મેળવવી મુશ્કેલ હતી. સચિનનાં નામે આજે પણ એવા રેકોર્ડ છે કે જેને તોડવા એટલા આસાન પણ નથી. જેમા 100 સદી સામેલ છે. આ મહાન ખેલાડીને લઇને હવે ચર્ચાઓ તેજ બની છે કે તે જલ્દી ક્રિકેટમાં પરત ફરી શકે છે. જો કે આ વખતે તે મેદાનમાં નહી પણ BCCI માં મોટી જવાબદારી સંભાળી શકે છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / સ્નૂકર અને બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણી કોરોના સંક્રમિત, હોમ આઇસોલેટ
આપને જણાવી દઇએ કે, વિશ્વનાં મહાન બેટ્સમેનોમાંના એક ભારતનાં સચિન તેંડુલકરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં મોટી જવાબદારી મળી શકે છે. તેંડુલકર સાથે સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ ભારતીય ક્રિકેટનાં સૌથી મોટા ચહેરાઓમાં સામેલ છે. હાલમાં, ગાંગુલી BCCI નાં અધ્યક્ષ છે, જ્યારે દ્રવિડને તાજેતરમાં ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય લક્ષ્મણને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નાં વડા બનાવવામાં આવ્યા છે. પરંતુ માત્ર તેંડુલકર જ છે કે જેમને અત્યાર સુધી BCCIમાં કોઈ જવાબદારી મળી નથી. જો કે, BCCI સેક્રેટરી જય શાહે હવે સંકેત આપ્યો છે કે તેંડુલકર પણ બોર્ડમાં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે. એક અહેવાલ મુજબ, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું છે કે, દ્રવિડને મુખ્ય કોચ અને લક્ષ્મણને NCAનાં વડા તરીકે પસંદ કર્યા પછી તેંડુલકરને પણ બોર્ડમાં ભૂમિકા મળી શકે છે. શાહે કહ્યું છે કે તેઓ આ માટે ‘ક્રિકેટનાં ભગવાન’ ગણાતા સચિનને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સચિનને પસંદગી સમિતિમાં ભૂમિકા આપવામાં આવી શકે છે. વળી, સચિન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ અહેવાલો છે કે BCCI સેક્રેટરી ભારતનાં મહાન બેટ્સમેનને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેપ્ટન ગાંગુલીએ 2019માં BCCIનાં 39માં અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પહેલા સીકે ખન્ના BCCI નાં અધ્યક્ષ હતા. તેઓ 2017 થી 2019 સુધી આ પદ પર રહ્યા હતા. જ્યારે આ પહેલા અનુરાગ ઠાકુર આ પોસ્ટ સંભાળતા હતા. ગાંગુલી BCCI નાં અધ્યક્ષ બનનાર બીજા કેપ્ટન છે. તેમના પહેલા વિજયનગરનાં મહારાજ કુમાર પહેલા કેપ્ટન હતા જેમને આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો – ક્રિકેટર / પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝ ક્યાં કારણસર ચણા વેચી રહ્યા છે, જુઓ વીડિયો
સચિને ગાંગુલીનાં BCCI અધ્યક્ષ બનવા પર અભિનંદન આપતાં કહ્યું હતું કે, “જે રીતે તેમણે પોતાની ક્રિકેટ રમી છે, જે રીતે તેમણે દેશની સેવા કરી છે, મને કોઈ શંકા નથી કે તે (BCCI અધ્યક્ષ તરીકે) ક્ષમતા, જુસ્સા સાથે તેમની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટનાં ગોડ કહેવાતા સચિન તેંડુલકર આજે પણ ક્રિકેટનાં ઇતિહાસમાં વિશ્વનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક તરીકે ગણવામાં આવે છે. તે ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ખેલાડી અને સૌથી યુવા વ્યક્તિ છે. તેમને 2008માં પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.
