રાજ્યસભા દ્વારા પસાર કરાયેલ બંધારણ સુધારણા (126 માં) બિલમાં જોગવાઈ કરેલ સંસદનાં એંગ્લો ઇન્ડિયનોનો ક્વોટા રદ્દ કરવામાં આવ્યો છે. છેલ્લા 70 વર્ષથી એંગ્લો ઇન્ડિયનનાં ક્વોટા હેઠળ સંસદની 2 બેઠકો પરનું અનામત રાજ્યસભામાં બિલ પર મતદાનની ચર્ચા બાદ ગુરુવારે સમાપ્ત થઈ ગયું છે.
આ બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોનાં દસ વર્ષનાં આરક્ષણને વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યસભામાં બિલ પસાર થયા પછી, એસસી-એસટી સમુદાયોનાં અનામતને 25 જાન્યુઆરી, 2030 સુધી લંબાવી દેવામાં આવેલ છે. અનામત હાલમાં 25 જાન્યુઆરી, 2020 નાં રોજ સમાપ્ત થાય છે.
નોંધપાત્ર વાત એ છે કે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં બંધારણ સુધારણા (126 મું) બિલ રજૂ કર્યું હતું. રવિશંકર પ્રસાદે કહ્યું કે, 2011 ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 296 એંગ્લો ઈન્ડિયન છે. જો કે ટીએમસીનાં સાંસદ ડેરેક ઓ બ્રાયને તેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં એંગ્લો ઈન્ડિયન સમુદાયનાં 3 થી 3.5 લાખ લોકો છે. આ પહેલા લોકસભામાં પણ કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને બીજેડીનાં સાંસદોએ બિલનાં પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મંત્રીનાં આંકડા એકદમ અતિશયોક્તિ છે.
ટીએમસીનાં સાંસદ ડેરેક ઓ બ્રાયન, જે પોતે એક એંગ્લો ઇન્ડિયન સાંસદ છે, તેમણે કહ્યું કે, એંગ્લો ઇન્ડિયન હંમેશા ફોરવર્ડ સમુદાય રહ્યો છે. હું અહીં એક એંગ્લો ઈન્ડિયન તરીકે પોતાની વાતને રાખી રહ્યો છુ. આ એક નાનો સમુદાય છે, પરંતુ ખૂબ અસરકારક છે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 72 વર્ષોમાં, અહી ફક્ત એક એંગ્લો ઈન્ડિયનની પસંદગી કરવામાં આવી હતી અને તેમને અહીં મોકલવામાં આવ્યા હતા, આ ફક્ત મમતા બેનર્જીએ જ કર્યું હતુ.
તેમણે જણાવ્યુ હતુ કે, એંગ્લો ઇન્ડિયન્સ આર્મી, રેલ્વે જેવી સંસ્થાઓમાં કામ કરે છે. એંગ્લો ઈન્ડિયન સમુદાયને સંસદમાં જે અનામત આપવામાં આવી છે તેને કલમ 334 માં સમાવિષ્ટ કરવામા આવેલ છે. આર્ટિકલ 334 જણાવે છે કે એંગ્લો ઇન્ડિયનને અપાયેલ અનામત 40 વર્ષ પછી સમાપ્ત થશે. બંધારણની કલમને 1949 માં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસદ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિને મળીને બને છે. દેશમાં લોકસભા માટે વધુમાં વધુ 552 સભ્યો (530 રાજ્યો + 20 કેન્દ્રશાસિત પ્રદેશો + 2 એંગ્લો ઇન્ડિયન) હોઈ શકે છે, પરંતુ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ફક્ત 543 સભ્યો જ લોકસભામાં ચૂંટાય છે.
એગ્લો ઈન્ડિયન કોને કહે છે
બંધારણની કલમ 366 (2) હેઠળ, એંગ્લો ઈન્ડિયનને એવી વ્યક્તિ માનવામાં આવે છે કે જે ભારતમાં રહે છે અને જેના પિતા અથવા પુરુષ પૂર્વજ યુરોપિયન વંશનાં હોય. આ શબ્દ મુખ્યત્વે બ્રિટિશ લોકો માટે વપરાય છે જે ભારતમાં કામ કરે છે અને ભારતીય મૂળનાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
