Ahmedabad News : અમદાવાદમાં આવતીકાલે ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી રથયાત્રાનો શુભારંભ થશે. 147 મી રથયાત્રા માટે તડામાડ તૈયારી ખરવામાં આવી છે.દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જગન્નાથના મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રીએ પરંપરા નિભાવી હતી.રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળે નહી તે માટે જડબેલસાક પોલીસ બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે. જેમાં પોલીસ ઉપરાંત અન્ય જિલ્લાની પોલીસ અને અર્ધ લશ્કરી દળો તથા વિવિધ એજન્સીઓ પણ બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે.
ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર ૧૪૭મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી.પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગઇ છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે.આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું.
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે અને આ વખતે વરસાદ સારો થાય અને વરસાદ સારો થવાથી સૌ ખેડૂતો આનંદમાં રહે તે માટે ભગવાનન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે એમ પણ મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતનો સંકલ્પ વિકસિત ગુજરાત થકી આગળ વધશે એવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખ પટેલ, દિનેશ મકવાણા, અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
