@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ મનપામાં રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત તૈયાર કરી દેવામાં આવ્યો છે. શહેરમાં 17 ડીસીપી, 40 એસીપી, 134 પીઆઇ સહિત 392 પીએસઆઇ તેનાત કરાયા છે તેમજ 6200 જેટલા પોલીસ કર્મીઓ અને 5500 થી વધુ હોમગાર્ડનાં જવાનો ચૂંટણી બંદોબસ્તમાં જોડાશે. સાથે જ ચૂંટણીને લઈને SRP 15 કંપનીનાં તેમજ BSF-RAF ની એક કંપની ખડેપગે રહેશે. કોઈ પણ અનિચ્છનીય ધટના બને તો તેના માટે 48 ક્વીક રીસ્પોન્સ ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે.

શહેરનાં 16 EVM સ્ટ્રોંગરૂમ અને 16 રિસીવિંગ અને ડિસ્પેચિગ EVM સેન્ટર પર પોલીસ રહેશે. આમ કુલ 5226 બુથ પર પોલીસ બંદોબસ્ત રહેશે.અતિ સંવેદનશીલ વિસ્તારમાં કુલ 177 બુથ અને સંવેદનશીલ બુથ 1799માં ચુસ્ત બંદોબસ્ત રહેશે. અમદાવાદ શહેરમાં શહેરનાં 7 ઝોનનાં ડીસીપી સહિત કુલ 11 અને સ્ટેટ પોલીસ દ્વારા વધુ ફાળવવામાં આવેલા 6 ડીસીપી કક્ષાનાં અધિકારીઓ સતત મતદાન મથકો પર બાજનજર રાખશે અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થાય તે પ્રકારનું બંદોબસ્ત દિવસભર રહેશે.

અમદાવાદ પોલીસે તમામ શહેરીજનોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સાથે મતદાન કરવાની અપીલ કરી છે.મતદાન બૂથ પર માસ્ક ફરજીયાત તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાય તે મુજબનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
