Ahmedabad News : અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. મોટી વાત તો એ છે કે સગીર દીકરી ગર્ભવતી થતા તેણે બાળકીને જન્મ આપ્યો હતો જેને પગલે આ સમગ્ર મામલો સામે આવ્યો છે
દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની 14 વર્ષની દીકરીને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. જેથી તેની સાથે આ દુષ્કૃત્ય કોણે કર્યું તે અંગે માતાએ પૂછતા સગીરાએ જે હકીકત જણાવી તે સાંભળી માતાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારનાર અન્ય કોઈ નહિ પરંતુ તેના પિતા જ હતા. અંગે મહિલાએ હિંમત કરી અને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. સગીરાએ તેની માતાને હકીકત જણાવી હતી કે તેના પિતાએ છેલ્લા એક વર્ષથી અવારનવાર માતાની ગેરહાજરીમાં તેમજ મોડી રાત્રે સગીરાને શરીરે અડપલા કરી મોઢું દબાવી કપડાં કઢાવી ધાક ધમકીઓ આપતો હતો. તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને જેના કારણે તેને આ ગર્ભ રહી ગયો હતો. પિતા ડરાવી ધમકાવી તેની સાથે આ પ્રકારનું કર્યું કરતા હોવાથી સગીરા પોતે ડઘાઈ ગઈ હતી.
જેના કારણે તે માતાને નરાધમ પિતાની અસલિયત બતાવી શકતી ન હતી. પરંતુ અંતે સગીરાને ગર્ભ રહ્યો અને તેણે બાળકીને જન્મ આપતા નરાધમ પિતાની કરતૂત સામે આવી ગઈ છે.
આ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તેને સંતાનમાં 6 બાળકો છે, જેમાં 3 દીકરીઓમાં સૌથી મોટી દીકરી સાથે તેણે આ કૃત્ય આચર્યું હતું. ઝડપાયેલા આરોપીને DNA રિપોર્ટની તજવીજ હાથ ધરી પોલીસે આરોપી સામેના પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.
