નવરાત્રિ બાદથી જ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. જો કે હવે રાજ્યમાં કમોસમી વરસાદને લઇને આગાહી આપવામાં આવી છે. જેને લઇને એકવાર ફરી જગતનો તાત પોતાના પાકને લઇને ચિંતાતુર બન્યો છે. લક્ષદ્વીપ પાસે સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરથી રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ વચ્ચે શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.
આ પણ વાંચો – ભાવમાં ઘટાડો / દેશમાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ ક્યા રાજ્યમાં મળે છે? તફાવત જાણી ચોંકી જશો
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ દરિયામાં લો-પ્રેશર સક્રિય થતા રાજયમાં કમોસમી વરસાદનું સંકટ વધ્યું છે. સુરત, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ સહિતનાં જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. શનિવારે સવારથી જ રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત છે. લો-પ્રેશરની અસરથી આગામી દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કમોસમી વરસાદની આગાહીનાં પગલે લોકો સચેત થઇ ગયા છે, સૌરાષ્ટ્રનાં જિલ્લાઓ ખાસ જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં કમોસમી વરસાદની આગાહીને લઇને લોકો તાત્કાલિક ધોરણે ખુલ્લામાં પડેલા અનાજને નુકસાન ન થાય તે માટે જરૂરી કામ કરવા લાગ્યા છે. ખેડૂતો પોતાનુ અનાજ પલળી જવાનાં ભયથી ચિંતિત છે. હવામાન વિભાગ અનુસાર આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર તથા ડીસામાં ઠંડી વધી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતનાં તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
આ પણ વાંચો – ચિંતાજનક / દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે, સૌથી વધુ અસરગ્રસ્ત ટોપ-5 રાજ્યોમાં ગુજરાત પણ સામેલ
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીનાં કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે. કેમ કે હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મગફળી ખેંચીને ખેતરમાં પાથરા કરેલા છે. તો કપાસને પણ ઉતારવાનો બાકી છે. જો માવઠું થશે તો મહેનત પર પાણી ફરી વળશે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા હતું. વિભાગે દિવસ દરમિયાન વાદળછાયું આકાશ સાથે વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
