London News : આ વખતે યુકેની ચૂંટણીમાં ભારતીયોની ધાક જોવા મળી છે. ભારતીય મૂળના 26 સાંસદો સંસદમાં ચૂંટાયા છે. કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરી) ભલે ચૂંટણી હારી ગઈ હોય પરંતુ તેના ભારતીય મૂળના નવા ચૂંટાયેલા સાંસદ શિવાની રાજાની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ વખતે તેઓ લેસ્ટર ઈસ્ટ સીટ પરથી ચૂંટણી જીત્યા છે. શિવાનીએ લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને હરાવ્યા હતા. લેસ્ટર ઈસ્ટની સીટ પર લેબર પાર્ટીની મજબૂત પકડ હોવાનું માનવામાં આવતું હતું. આ સીટ 37 વર્ષમાં પ્રથમ વખત ટોરીઓએ કબજે કરી છે. શિવાની રાજાને લેસ્ટર ઈસ્ટમાં 14526 વોટ મળ્યા છે.
તેઓ રાજેશ અગ્રવાલ સામે 4 હજારથી વધુ મતોથી જીત્યા હતા. શિવાની રાજા મૂળ ગુજરાતી છે. તેમના પરિવારના સભ્યો દીવમાં રહેતા હતા. ચૂંટણી દરમિયાન શિવાની બ્રિટનમાં રહેતા ભારતીય ઈમિગ્રન્ટ્સ સાથે સતત જોડાયેલી રહી, જેનાથી તેમને ફાયદો પણ થયો. હાલમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન શિવાનીએ શિવ કથા પણ સાંભળી હતી અને ગરબા પણ રમ્યાં હતા. તેમણે ભારતમાં રહેતા બ્રિટિશ મતદારોને પણ પ્રભાવિત કર્યા અને તેમને ઓનલાઈન મતદાન કરવા અપીલ કરી.
શિવાની રાજાએ ખાસ કરીને દીવ અને ગુજરાતમાં રહેતા બ્રિટનના લોકોનો સંપર્ક સાધ્યો હતો. શિવાનીના માતા-પિતા 70ના દાયકામાં કેન્યાથી લેસ્ટર આવ્યા હતા. તેણીએ ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાંથી તેનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક સાયન્સમાં સ્નાતક થયા. આ પછી તેણે ઘણી કોસ્મેટિક બ્રાન્ડ્સ સાથે પણ કામ કર્યું.આ વખતે ચૂંટણીમાં લેબર પાર્ટીને 412 સીટો મળી છે જ્યારે ટોરીને માત્ર 121 સીટ જ મળી છે. આ પછી ઋષિ સુનકે ટોરી ચીફ અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો: અમેરિકામાં રૂ. 8300 કરોડનું સ્કેમ, બે ભારતીયની સંડોવણી
આ પણ વાંચો: 12 હજાર ફૂટની ઊંચાઈએ બે એન્જિન બંધ થતાં વિમાન તૂટી પડતાં 90નાં મોત
આ પણ વાંચો: ઈરાનના નવા રાષ્ટ્રપતિ બનશે મસૂદ પેઝેશ્કિયન, કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને આપી કારમી હાર