મંજૂરી/ ફિલિપાઇન્સ ભારત પાસેથી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ખરીદશે,પ્રસ્તાવને મંજૂરી આપી

ફિલિપાઈન્સે ભારત સાથે વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની ખરીદીને મંજૂરી આપી દીધી છે

Top Stories India

દક્ષિણ ચીન સાગરમાં પોતાની દાદાગીરી અને અવડચંડાઇ કરનાર ચીનને મોટો ઝટકો લાગ્યો છે. ચીનના આક્રમક વલણનો સામનો કરી રહેલા ફિલિપાઈન્સે ભારત સાથે વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ફિલિપાઈન્સના નેશનલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્રહ્મોસના અધિકારીઓને આ માહિતી મોકલવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઈલ માટે આ પહેલો વિદેશી ઓર્ડર છે. આ સોદો USD 374.9 મિલિયનનો છે.

આ ડીલમાં સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાના સહયોગી ફિલિપાઈન્સે ચીન સામે તેની સૈન્ય તૈયારી માટે ભારત-રશિયા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલી બ્રહ્મોસ મિસાઈલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ અવાજ કરતા ત્રણ ગણી ગતિ એટલે કે 4321 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મારવામાં સક્ષમ છે.

ફિલિપાઈન્સને આંખો દેખાડી રહેલા ચીનને આ ડીલથી મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સના અધિકારક્ષેત્રને લઈને ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં ફિલિપાઈન્સ તેના દરિયાકાંઠાના વિસ્તારોમાં બ્રહ્મોસ મિસાઈલ તૈનાત કરી શકે છે.

સૂત્રોનું કહેવું છે કે DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) અને બ્રહ્મોસ એરોસ્પેસ આ મિસાઈલને મિત્ર દેશોમાં નિકાસ કરવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. ડીઆરડીઓએ પણ તાજેતરમાં યુએસ સાથે મેડ ઈન ઈન્ડિયા રડાર માટે સોદો કર્યો હતો. ભારતને અન્ય મિત્ર દેશો પાસેથી મિસાઈલ સિસ્ટમ માટે ઓર્ડર મળવાની પણ અપેક્ષા છે કારણ કે તે અન્ય કેટલાક દેશો સાથે પણ વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે. મિસાઈલની ક્ષમતામાં વધારો થયો છે અને તે ઘણી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ચીનનો અન્ય એક પાડોશી દેશ વિયેતનામ પણ ભારત પાસેથી આ મિસાઈલ સિસ્ટમ ખરીદી શકે છે.