Rajkot News: સરકારના આટલા કડક કાયદા અને નિયમો છતાં પણ મહિલા સામેની હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. રાજકોટમાં મહિલાને આવો જ એક માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં યુવતીને માર મારતા વાઇરલ થયેલા વિડીયોએ ફક્ત રાજકોટમાં જ નહીં આખા ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. ગુજરાતમાં કહેવાય છે કે અડધી રાત્રે સ્ત્રી કે યુવતી બહાર સલામત રીતે ફરી શકે છે. તેનાથી વિપરીત અહીં તો યુવતીને ધોળા દહાડે માર મારવામાં આવી રહ્યો છે.
વાસ્તવમાં આ ઘટના જૂની છે. આ ઘટનામાં યુવતીને માર મારનાર બીજું કોઈ નહીં તેનો જ બિઝનેસ પાર્ટનર છે. રાજકોટની ધ સ્પાયર-ટુ બિલ્ડિંગના આ આંચકાજનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જુન 2025માં યુવતીને તેના જ બિઝનેસ પાર્ટનર મૌલિક નાદપરાએ ઓફિસમાં ઢોર માર માર્યો હતો. તેનું કારણ એ હતું કે યુવતીએ ધંધા માટે 60 લાખ રૂપિયાની લોન લીધી હતી અને મૌલિકે વ્યાજ સાથે રૂપિયા પરત માંગ્યા હતા. તેના જવાબમાં યુવતીએ તેને ધંધામાં ધ્યાન આપ તેમ કહેતા મૌલિક ગુસ્સે થયો હતો.
મૌલિકે ગુસ્સામાં આવીને પહેલાં તો તેની આ બિઝનેસ પાર્ટનર યુવતીને ગાળો દીધી હતી, પછી આટલું ઓછું પડતું હોય તેમ વાળ પકડીને ઢસડી હતી અને તેના પછી તેના પર લાફા અને લાતોનો વરસાદ વરસાવ્યો હતો. તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મૌલિકને ગુસ્સામાં તે ખબર પણ ન રહી કે તે જે કરી રહ્યો છે તેની આખી ઘટના ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે. તે જાણે ગુસ્સામાં આ વાત જ ભૂલી ગયો.
જો કે ઘટના વાઇરલ થવાના પગલે યુવતીએ છેવટે છેક ડિસેમ્બરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીના નસીબ એટલા સારા હતા કે આટલું થયા પછી તે જીવતી રહી હતી. તેણે પોલીસ ફરિયાદ નોંધાવવા પાછળ કારણ આપ્યું હતું કે ડરના માર્યા તેણે ફરિયાદ નોંધાવી ન હતી, તેના પછી હવે હિંમત એકઠી કરીને તેણે ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે આ જ રીતે થોડા સમય પહેલાં એક સ્પાના માલિકે તેની જ મહિલા પાર્ટનરને રસ્તા પર ફટકારી હતી. તેને ધમકી આપી હતી અને તેનો વિડીયો પણ વાઇરલ થયો હતો. તેનો પોલીસ કેસ પણ થયો હતો, જો કે આ કેસમાં છેલ્લલે સમાચાર મળ્યા તે મુજબ બંને વચ્ સમાધાન થઈ ગયું હતું. હવે જોઈએ આ કિસ્સામાં શું થાય છે.
આ પણ વાંચો: રાજકોટમાં મહિલા બની રણચંડી, રસ્તા વચ્ચે યુવકને માર્યા મુક્કા
આ પણ વાંચો: રાજકોટમાં ત્યક્તા પર દુષ્કર્મઃ ભૂતપૂર્વ એસઓજી જવાન પર આરોપ
આ પણ વાંચો: રાજકોટમાં મહિલાનો પગ લપસતા માલસામાનની લિફ્ટની ગ્રિલમાં ફસાતા મોત
