Chhota Udepur News : રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પ્રેમ અને બંધનનો પવિત્ર પ્રસંગ. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રહેતા એક બહેન, પ્રેમીલાબેન જયસ્વાલ, છેલ્લા 48 વર્ષથી એક અનોખી પરંપરા જાળવી રહી છે — તે પોતાના સગા ભાઈઓને રાખડી બાંધતાં પહેલા પોતાના માનેલા મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધી તેમની રક્ષા અને પ્રગતિ માટે દુઆઓ કરે છે.
મૂળ વડોદરા જિલ્લાના અમાદર ગામની રહેવાસી પ્રેમીલાબેન હસમુખભાઈ જયસ્વાલ, છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી પરિવાર સાથે બોડેલીમાં સ્થાયી છે. તેમનું પિયર બોડેલી નજીકના જાબુઘોડા ખાતે છે. દર વર્ષે તેઓ ત્યાં પોતાના ભાઈઓને રાખડી બાંધવા જાય છે, પણ પહેલો ધાગો હંમેશા મુસ્લિમ દિવાન પરિવારના ભાઈઓને જ બાંધે છે.આ પરંપરાને તેમના પતિ હસમુખભાઈ અને પરિવારનો પણ પૂરતો સહકાર મળ્યો છે, જ્યારે સગા ભાઈઓએ પણ દિવાન પરિવાર સાથે સ્નેહ અને સુમેળના સંબંધોને વર્ષોથી જાળવી રાખ્યા છે.

પ્રેમીલાબેનના 6 સગા ભાઈઓ છે — નગીનભાઈ, મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, વિજયભાઈ, દિનેશભાઈ અને ભાસ્કરભાઈ. તેમની જેમ જ મુસ્લિમ દિવાન પરિવારના પણ 6 ભાઈઓ છે — યાકુબશા, કાલુશા, જમનશા, યુસુફશા, શબ્બીરશા અને જાકીરશા.સમય દરમિયાન બંને પરિવારમાંથી બે-બે ભાઈઓનું અવસાન થયું હોવા છતાં હાલ ચાર હિંદુ અને ચાર મુસ્લિમ ભાઈઓ સાથે પ્રેમીલાબેન રક્ષાબંધન ઉજવે છે

પ્રેમીલાબેન મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે ત્યારે ભાઈઓ પણ આ બહેનને નાની મોટી ભેટ આપી પોતાનો ફર્જ નિભાવે છે અને બહેનના સુખ દુઃખના પ્રસંગોમાં કાયમ માટે હાજર રહેતા હોય આ પરિવારો માનવતા મહેકાવી રહ્યા છેઆ વર્ષે પણ અલીપુરા ચંદ્રજયોતિ સોસાયટીમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. પ્રેમીલાબેનના પુત્ર સંદીપે યાદ કરતાં જણાવ્યું કે મારા અને મારી બહેનના લગ્ન સમયે અમારા મુસ્લિમ મામાઓએ પણ મોસાળુ લાવી આપ્યું હતું. ખુશીના પ્રસંગથી લઈને દુખની ઘડી સુધી બંને પરિવારો હંમેશા સાથે રહ્યા છે.

અવસાન પામેલા મુસ્લિમ ભાઈઓને યાદ કરતાં તેમની ભાભીઓની આંખો ભીની થઈ ગઈ હતી. પરંતુ સાથે સાથે ગૌરવની લાગણી પણ હતી કે 48 વર્ષથી ચાલતી આ પરંપરા આજે પણ અખંડિત છે.રક્ષાબંધનના પવિત્ર તહેવારે, બોડેલીના આ બંને હિંદુ મુસ્લિમ પરિવારો એ ફરી એકવાર સાબિત કર્યું કે સ્નેહ અને ભાઈચારો જાત-ધર્મથી ઉપર હોય છે.
આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ
આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા
