કોરોના કેસોમાં વધારાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાત્રીના કરર્ફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. અમદાવાદમાં આવતીકાલથી એટલે કે શુક્રવારથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યુ રહેશે. અગાઉ આ સમય રાતે 10 વાગ્યાનો હતો જેમાં એક કલાકનો ઘટાડો કરાયો છે. આ ઉપરાંત અમદાવાદના તમામ થિયેટરો અને મોલ શનિ-રવિમાં બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલો કોરોના દિન પ્રતિદિન આગળ જ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1276 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,82,449 પર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૩ લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 889 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યામ 2,72,332 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5684 છે. જો કે હાલમાં રાજ્યમાં રસીકરણ ચાલુ છે.
જો ચાર મહાનગરોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 298 કેસ, સુરતમાં 324 કેસ, વડોદરામાં 111 જ્યારે રાજકોટમાં કોરોનાના કુલ 98 કેસો નોંધાયા છે.

