Ahmedabad News : ગત 11 નવેમ્બરના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતાં બે લોકોનાં મોત થયાં હતાં. PMJAY યોજના હેઠળ પૈસા ખંખેરવાના આ ખેલમાં ઓપરેશન કરનારા ડો.પ્રશાંત વઝીરાણી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે. તેના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર્સની પૂછપરછ, ડોક્યુમેન્ટ્સની ચકાસણી સાથે ડો.વઝીરાણીએ જ્યાં જ્યાં એન્જિયોપ્લાસ્ટી કરી હોય એવી અમદાવાદની ટોપ અડધી ડઝન હોસ્પિટલની પણ તપાસ હાથ ધરાશે.
આ હોસ્પિટલ્સમાં કેવી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી થઇ, પેમેન્ટ મોડ શું હતો?, કયા ખાતામાંથી પૈસા કાપ્યા, આ હોસ્પિટલ્સ ડો.વઝીરાણીને કેશમાં પેમેન્ટ કરતી હતી કે કેમ એ સહિતની બાબતોની તપાસ કરાશે.ક્રાઇમ બ્રાન્ચે કાલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સામે રિમાન્ડ અરજીમાં કહ્યું હતું કે આરોપી ખ્યાતિ હોસ્પિટલ ઉપરાંત સાલ હોસ્પિટલ, સંજીવની, અર્થમ (પોલિટેક્નિક), હેલ્થ-વન હોસ્પિટલ (શીલજ), આર્ના (પાલડી), જીવરાજ મહેતા હોસ્પિટલ (વાસણા), ભાગ્યોદય હોસ્પિટલ(કડી) હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટી કરવા જતો હતો.
આજસુધી કેટલી એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટી કરેલી છે?
આ સારવાર પેટે દર્દીદીઠ રૂપિયા 15000 કે તેથી વધારે જે-તે હોસ્પિટલ પાસેથી ફી પેટે લીધા હોય તો એ કયાં કયાં બેંક એકાઉન્ટમાંથી મેળવી?આ નાણાંના કોઇ રોકડ વ્યવહાર કરવામાં આવ્યા છે કે કેમ?
અલગ અલગ ફ્રી કેમ્પ યોજી પી.એમ.જે.એ.વાય હેઠળ દર્દીઓની સારવાર કરી નાણાં પડાવતા હોય એમાં આવી યોજનાની સાથે સંકળાયેલા અન્ય સરકારી કર્મચારીઓની સંડોવણી છે કે કેમ?
આ બાબતો તપાસને મદદરૂપ થાય એવી હકીકત જણાવતા ન હોવાથી રિમાન્ડ પરના આરોપીને આ મુદ્દાઓની તપાસ કરવા વધુ રિમાન્ડની જરૂરિયાત છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ખ્યાતિકાંડને સુવ્યવસ્થિત રીતે આચરવામાં આવેલી આર્થિક છેતરપિંડી ગણાવી છે. રિમાન્ડ અરજીમાં જણાવ્યુ છે કે અમારી તપાસ દરમિયાન સિસ્ટેમેટિક ફ્રોડ તથા ઈકોનોમિક ફ્રોડને લગતા ગુનો હોવાનું હાલ સુધી જણાઈ આવ્યું છે, જેથી આરોપીએ અલગ-અલગ રોલ ભજવેલા છે. આ સિવાય કાવતરાં પાછળ અન્ય કોણ કોણ છે?.એ અંગે પૂછપરછ કરવાની જરૂર છે.આ પહેલાં જ્યારે વસ્ત્રાપુર પોલીસ પાસે તાપસ હતી ત્યારે પણ તેમને રિમાન્ડમાં ઉપરોક્ત હોસ્પિટલ્સનાં નામ સાથે કહ્યું હતું કે સાલ, સંજીવની, અર્થમ , જીવરાજ, ભાગ્યોદય હોસ્પિટલમાં વઝીરાણીએ કરેલાં ઓપરેશન્સ વિશે તપાસ કરવાની જરૂર છે.આ સિવાય ડઝનેક રિમાન્ડના મુદ્દા આ પ્રમાણે છે
ખ્યાતિ હોસ્પિટલની ઝડતી દરમિયાન કેથલેબ વિભાગમાં રાખેલા સર્વર/કોમ્પ્યુટરમાંથી એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટીની તપાસણીનો ડેટા કમિટીના ડોક્ટરની સૂચના મુજબ હાર્ડડિસ્કમાં કબજે કરવામાં આવ્યો છે. એ ડેટામાં દર્દીઓની બીમારી કેવા પ્રકારની છે. તે કમિટીના મેડિકલ ઓફિસરની રૂબરૂમાં હાલના આરોપીને સાથે રાખી પૂછપરછ કરવી આવશ્યક છે.
આરોપી પ્રશાંત વઝીરાણીએ હોસ્પિટલની સારવાર ફાઈલમાં એન્જિયોગ્રાફી ચાર્ટ પર જે પ્રકારની સંભાવનાઓ બતાવવામાં આવી છે એનો કઈ રીતે તર્ક લગાવ્યો છે. એ અંગે મેડિકલ ઓફિસર ટીમની સાથે પૂછપરછ કરવી જરૂરી છે.
હોસ્પિટલમાંથી સર્ચ દરમિયાન મળી આવેલી સારવારની ફાઈલોમાં હાલના આરોપી પ્રશાંત વઝીરાણી દ્વારા તેમના હોદ્દા અને રજિસ્ટ્રેશન અંગેનો સ્ટેમ્પ લગાવેલો છે.એ સ્ટેમ્પ હોસ્પિટલ સર્ચ દરમિયાન મળ્યો નથી, જેથી આ સ્ટેમ્પ ક્યાં બનાવ્યો છે અને ક્યાં સંતાડ્યો છે એ અંગે તપાસ કરવાની જરૂર છે.
હોસ્પિટલની ફાઈલોમાં મળી આવેલા કેટલાક દર્દીઓની એન્જિયોગ્રાફી ચાર્ટમાં હાથે લખેલું લખાણ છે. એ લખાણ હાલના આરોપી પ્રશાંત વઝીરાણી દ્વારા લખેલું હોવાની પણ કબૂલાત કરી છે, જેથી આ અંગે તેમના કુદરતી લખાણના હસ્તાક્ષરનાં સેમ્પલ મેળવવા માટે આરોપીની હાજરીની જરૂર છે.અમુક દર્દીઓની ફાઈલમાંથી એન્જિયોગ્રાફી ચાર્ટ મિસિંગ છે, જે અસલ એન્જિયોગ્રાફી ચાર્ટ ક્યાં અને કોની પાસે છે એ અંગે હાલના આરોપીને સાથે રાખી સઘન તપાસ કરવી જરૂરી છે.આરોપીને સાથે રાખી સીસાજ એક્યુમેન્ટસ અંગે આરોપીને સાથે રાખી તેની પ્રાઈવેટ હોસ્પિટલ તથા તેના રહેણાક ઘરે તેમજ અન્ય ઠેકાણાં પર તપાસ કરવી જરૂરી છે.
આરોપીનાં બેંક ખાતાંની માહિતી મેળવવામાં આવી છે, જે ખાતામાં થયેલી લેવડદેવડના વ્યવહાર બાબતે આરોપીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવે તો એ અંગે સત્ય હકીકત બહાર આવે એમ છે. જે એકાઉન્ટ્સની વિગતો સીએને સાથે રાખી તપાસવાની હોવાથી આરોપીની હાજરી અનિવાર્ય છે.
હોસ્પિટલમાં મળી આવેલા મૃતક નાગરભાઈ સેનમા તથા મહેશભાઈ બારોટની ફાઈલોમાં કોરોનરી એન્જિયોપ્લાસ્ટી તથા કોરોનરી એન્જિયોગ્રાફી રિપોર્ટ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના લેટરપેડ ઉપર બનાવેલ રાખેલ છે. જે રીપોર્ટ કોમ્પ્યુટરમાં તૈયાર કરેલ છે. જે રીપોર્ટ બનાવટી હોવાનું પ્રાથમીક દૂષ્ટીએ જણાય છે,જે રીપોર્ટ કયા કોમ્પ્યુટરમા અને કયા પ્રીન્ટરમાં પ્રીન્ટ કાઢેલ છે. જે તેને સાથે રાખી સઘન પુછપરછ કરવી જરૂરી ના માટે આરોપીની હાજરીની જરૂર છે.આ કામે આરોપીના મોબાઇલ ફોન-2 કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ આરોપીના મોબાઇલની કોલ ડિટેઇલ્સ તથા વોટ્સએપ ડેટા ચેટ અંગે તેને સાથે રાખી પૂછપરછ કરવામાં આવે તો મહત્વનો પૂરાવો મળી શકે તેમ છે.
હાલના આરોપી દ્વારા મૃતક તથા અન્યો દર્દીઓને પણ સ્ટેન્ટ નાંખી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી છે. જે સ્ટેન્ટ તેઓ ક્યાંથી મેળવતા હતાં અને તે સ્ટેન્ટ કોણ પ્રોવાઈડ કરતું હતું તે જાણવા તેની હાજરીની જરૂરીયાત છે.
અમારી તપાસ દરમ્યાન હાલના આરોપી ડો. પ્રશાંત વઝીરાણીએ ખ્યાતિ હોસ્પિટલમાં બધા દર્દીઓની એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનો કરેલા છે. આ ઓપરેશનો કરવા માટે ખ્યાતિ હોસ્પિટલમાંથી કોના કહેવાથી ત્યાં આવતા હતા. તે અંગે તેઓની વિગતે પુછપરછ કરવા આરોપીની હાજરીની જરૂર છે.
તપાસ દરમ્યાન મળી આવેલ એન્જિયોગ્રાફી ચાર્ટ અને કોરોનરી રિપોર્ટ બનાવટી બનાવેલ છે.તે કોના કહેવાથી બનાવેલ છે તેની પુછપરછ કરવાની જરૂર છે.અમુક દર્દીઓની ફાઈલોમાં સારવાર પહેલા લીધેલા તેમના સંમતિપત્ર મળી આવેલ છે. જેમાં દર્દીની અથવા તેના સગાઓની સહી છે. જે સંમતિપત્ર ઉપર ડોક્ટરના નામના ખાનામાં સહી કે નામ લખેલું નથી. તો આ સમંતિપત્ર કોણે લખાવેલું છે અને કોણે તૈયાર કર્યું છે તે અંગે તપાસ કરવાની જરૂર છે.
અમારી તપાસ દરમ્યાન સિસ્ટેમેટીક ફ્રોડ તથા ઈકોનોમિક ફ્રોડને લગતો ગુનો હોવાનુ હાલ સુધી જણાઈ આવેલ છે. જેથી આ ઓરોપી અન્યોએ અલગ-અલગ રોલ ભજવેલ છે. જેથી આ સિવાય કાવતરા પાછળ અન્ય કોણ કોણ આરોપીઓ છે. તે અંગે પૂછપરછ કરવાની જરૂર છે.ખ્યાતિ હોસ્પિટલકાંડમાં પોલીસ એક્શન મોડમાં છે અને દરેક એંગલથી ઊલટતપાસ કરી રહી છે.
આ તપાસ દરમિયાન ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે ડો. પ્રશાંત વઝીરાણીએ એ દિવસે 11 નવેમ્બરે એક જ દિવસમાં 19 દર્દીને ટ્રીટમેન્ટ આપી હતી. તેમાંથી તમામ 19ની એન્જિયોગ્રાફી કરી હતી અને ટાર્ગેટ મુજબ 7લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવાનું નક્કી કર્યું હતું. ડો. વઝીરાણીએ 10 જ કલાકમાં એકલા હાથે આ ઓપરેશનો કર્યાં હતાં, એ પણ PMJAY યોજનાનું ઈન્સેન્ટિવ મેળવવા! જે રીતે ડો. વઝીરાણીએ ‘મેરેથોન’ ઓપરેશન કર્યાં એ તેમણે માત્ર ને માત્ર PMJAY યોજનામાં ડોક્ટરોને મળતું ઈન્સેન્ટિવ લેવા જ કર્યા. નવાઈની વાત એ છે કે એ જ દિવસમાં આટલાં ઓપરેશન અને એન્જિયોગ્રાફીમાંથી ડો. વઝીરાણીને 1 લાખ 20 હજાર 200 રૂપિયાનું ઈન્સેન્ટિવ મળવાનું હતું.ડો.પ્રશાંત વઝીરાણી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે. ડો. વઝીરાણીનું પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર રત્નાંજલી સ્ક્વેરમાં ક્લિનિક છે. અહીં તેમનાં પત્ની ડો. પ્રીતિ વઝીરાણી પીડિયાટ્રિશિયન છે.
કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં 10 વર્ષનો અનુભવ ધરાવતા ડો. પ્રશાંત વઝીરાણીએ કાર્ડિયોલોજીમાં સુપર સ્પેશિયાલિટી DNB કાર્ડિયોલોજી હૈદરાબાદની CARE હોસ્પિટલમાંથી પૂર્ણ કર્યું છે. કાર્ડિયોલોજીમાં ઈન્ડિયન બેસીસ મુજબ ઊંચો રેન્ક મેળવવા બદલ ડો. પ્રશાંત વઝીરાણીને ડો. એચ.એસ.વજીર નેશનલ ગોલ્ડ મેડલ મળ્યો છે. ડો. પ્રશાંતે કાર્ડિયોલોજીની તમામ કેટેગરીમાં ટ્રેનિંગ લીધી છે, જેમાં કોરોનરી એન્જિયોગ્રાફી, જટિલ એન્જિયોપ્લાસ્ટી, પેરિફેરલ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી, પ્રાઈમરી PCI, IABP ઈન્સર્ટન, TPI, પર્મેનન્ટ પેસમેકર PPI, ટ્રાન્સથોરેસિસ ઈકોકાર્ડિયોગ્રાફી TTE, ટ્રાન્સકેથેટર બલૂન વાલ્વુલોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડો. પ્રશાંતે જાપાનના ટોકિયોથી જટિલ PCI અને CTOની ટ્રેનિગ લીધી છે.
આ પણ વાંચોઃએપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ
આ પણ વાંચોઃસ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ
આ પણ વાંચોઃઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.
