gujrat election 2022/ આ જીલ્લાના મતદાન મથકો પર મોબાઇલ નેટવર્ક જ નથી, ચૂંટણીપંચે કરી આ રીતે તૈયારી

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આવતી કાલે શરૂ થશે, મતદાનને લઈ તંત્ર દ્વારા પૂરજોશથી તૈયારી કરવામાં આવી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આવતી કાલે શરૂ થશે. મતદાનને લઈ તંત્ર દ્વારા પૂરજોશથી તૈયારી કરવામાં આવી છે. હવે દરેક જગ્યાએ સ્થિતિ એવી છે કે 4G અને હવે 5G નેટવર્ક સેવા આવી ગઈ છે.   મતદાન દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડેટાની તથા મેસેજની આપલે થાય છે. પરંતુ  એવા પણ મતદાન મથકો છે જ્યાં હજુ સુધી આ ટેક્નોલોજી પહોંચી નથી.  આવા મતદાર મથકો  નર્મદા જિલ્લામાં ઘણા  છે.  જેના માટે મતદાન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આ સંદર્ભે વાત કરતા ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં કુલ 624 મતદાન મથકોમાંથી 17 કેન્દ્રો એવા છે જ્યાં મોબાઈલની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ફોરેસ્ટ વિભાગ વાયરલેસ, વોકી-ટોકીનો ઉપયોગ કરી રહ્યું છે.  ઉપરાંત નર્મદા જિલ્લામાં આ વખતે  જે પણ વાહનમાં મતદાન મથકે જઈ રહ્યા છીએ, જેની અંદર મતદાન કર્મચારીઓ ઈવીએમ મશીન લઈ જશે તેમાં જીપીએસ લગાવવામાં આવ્યા છે. જેના કારણે તેની પણ માહિતી મળતી રહેશે.

વધુમાં તેમણે કહ્યું કે આ વખતે અમે સંપૂર્ણ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવા જઈ રહ્યા છીએ. નોંધનીય છે કે નર્મદા જિલ્લામાં કુલ 30 મતદાન મથકો એવા છે જ્યાં કોઈ પણ પ્રકારનું મોબાઈલ નેટવર્ક નથી.

ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં એક જંગલ વિસ્તાર છે અને આ જંગલ વિસ્તારની અંદર ઘણા એવા ગામો છે, જ્યાં મોબાઈલ નેટવર્ક નથી, જેના કારણે વાયરલેસ સેટ માટે વન વિભાગની અને પોલીસ વિભાગની મદદ લેવામાં આવે છે. જેના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વોકી ટોકી આપવામાં આવે છે  જે લોકો ચૂંટણીમાં મતદાન કરે છે તેમનની માહિતી આપવામાં આવે છે. કોઈ સમસ્યા હોય કે પછી મતદાન બરોબર થાય છે કે કેમ તેની દર કલાકે માહિતી વોકી ટોકી  દ્વારા આપવામાં આવે છે.

એટલુ જ નહીં આ વખતે ચૂંટણીમાં નવા પ્રયત્ન પણ કર્યા છે.  જેમા સંવેદનશીલ મતદાન મથકો જ્યાં વેબ કાસ્ટિંગ કેમેરા લગાવવામાં આવ્યા છે, વિકલાંગ સંચાલિત મતદાન મથક બનાવ્યા, ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા, મહિલા સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા અને ઈવીએમ, મતદાન કર્મચારીઓને લઈ જતા વાહનો પર જીપીએસ ફીટ કરવામાં આવ્યા છે.