@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ અનેક શહેરો અને ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોરોના સંક્રમણ કેસો વધતા શહેરો અને ગામડાઓ વધારે સતર્ક બન્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. તેને લઈ ગોધરા શહેરમાં પણ તંત્રની યોજાયેલી બેઠકમાં ત્રણ દિવસ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.
પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ધારાસભ્ય સી.કે.રાઉલ ગોધરા જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને ગોધરા બી.આર.જી.એફ.ભવન ખાતે યોજાયેલ વેપારી એસોસિએશનની મિંટીગમા જરૂરી ચર્ચા વિચારણાઓ બાદ ગોધરા શહેરમાં ૩ દિવસ માટે સ્વૈચ્છિક બજાર બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કોરોનાના કેસ વધતા લોકો હવે વધુ જાગૃત થયા છે. ગોધરા શહેરમાં કોરોનાને લઈ શુક્રવાર થી રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે જ્યારે ૨૬ એપ્રિલ થી ૫ મેં સુધી સવારે ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવામાં આવશે અને ગોધરા શહેરમાં સ્વૈચ્છિક બજારો બંધ રાખવાના નિર્ણયને પણ વેપારી એસોસિએશને આવકાર્યો હતો.
