Breaking News: સુરત સિવિલ કોર્ટ (Surat Civil Court) પરિસરમાં એક આરોપીનું અચાનક મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોર્ટમાં રજૂઆત દરમિયાન આરોપી નરેશ માધુભાઈ પરમાર અચાનક ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટના બાદ મૃતકના પરિવારજનોએ પોલીસ કસ્ટડી દરમિયાન મારપીટ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ પોલીસે આ તમામ આક્ષેપોને ફગાવી યોગ્ય તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ હકીકત સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે.
Surat Civil Courtમાં રજૂઆત દરમિયાન તબિયત બગડી
પોલીસના જણાવ્યા અનુસાર, કામરેજ વાવ વિસ્તારના રહેવાસી નરેશ માધુભાઈ પરમાર વર્ષ 2025માં નોંધાયેલા ચેઇન સ્નેચિંગના કેસમાં વોન્ટેડ હતો. કતારગામ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેને સુરત સિવિલ કોર્ટ (Surat Civil Court) માં રજૂ કરવામાં આવ્યો હતો. રજૂઆત દરમિયાન તેની તબિયત લથડતાં કોર્ટના આદેશથી તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારનો કસ્ટોડિયલ મારપીટનો આરોપ
મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે પોલીસ કસ્ટડી દરમિયાન નરેશ પરમાર સાથે મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેની તબિયત ગંભીર બની અને કોર્ટ (Surat Civil Court) માં રજૂઆત દરમિયાન તેનું મોત થયું.નરેશ પરમાર ચાર બાળકોના પિતા હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમના અચાનક અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
પોલીસે આક્ષેપોને નકાર્યા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે નરેશ પરમારને અગાઉ પ્રોહિબિશનના કેસમાં પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચેઇન સ્નેચિંગના કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે પરિવાર દ્વારા કરવામાં આવેલા ત્રણ દિવસથી ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવાના અને મારપીટના આક્ષેપોને નકારી કાઢ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, કોર્ટ (Surat Civil Court) માં મૃતકના ભાભીએ પણ નરેશને હૃદય સંબંધિત તકલીફ હોવાની માહિતી રજૂ કરી હતી.
વીડિયોગ્રાફી સાથે થશે પોસ્ટમોર્ટમ
પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે પેનલ ડોક્ટરોની હાજરીમાં વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે અને ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ બાદ જ થશે હકીકત સ્પષ્ટ
હાલ આ ઘટનાને લઈને પરિવાર અને પોલીસના દાવા અલગ-અલગ છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ અને અન્ય પુરાવાઓના આધારે જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો:કોર્ટના આદેશ બાદ ભાજપના બે કાઉન્સિલરો સામે FIR, બોગસ દસ્તાવેજોના આધારે ચૂંટણી લડ્યાનો આરોપ
આ પણ વાંચો:સુરતમાં ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ એટેક
