Surat News : સુરત શહેરના નાસીરનગર વિસ્તારમાં થયેલી વિવાદાસ્પદ ડિમોલિશન (Surat Nasirnagar Demolition) કાર્યવાહી હવે માત્ર વહીવટી નહીં પરંતુ કાનૂની અને રાજકીય રીતે પણ મહત્વના તબક્કામાં પહોંચી છે. સુરત મહાનગરપાલિકા (SMC)ના સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિ (Sujal Prajapati)એ પોતાના સસ્પેન્શનને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (SCA No. 20772/2026) દાખલ કરી છે.
આ અરજીમાં તેમણે દાવો કર્યો છે કે તેઓએ ડિમોલિશન સંબંધિત કોઈ પણ કાર્યવાહી પોતાની મરજીથી નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચનાઓના આધારે કરી હતી.
WhatsApp ચેટ્સને બનાવ્યા મુખ્ય પુરાવા
હાઈકોર્ટમાં દાખલ કરાયેલા એફિડેવિટ સાથે સુજલ પ્રજાપતિએ WhatsApp ચેટ્સના સ્ક્રીનશોટ સહિતના ડિજિટલ પુરાવા પણ રજૂ કર્યા છે.

અરજી મુજબ 21 મે, 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી તેમને સંદેશ મળ્યો હતો જેમાં વોર્ડ નં. 7, ચંદ્રશેખર બ્રિજ નજીક સિટી સર્વે વિસ્તારમાં મંજૂર 40 ફૂટ ટીપી રોડ પર થયેલા દબાણને દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. તેના જવાબમાં સુજલ પ્રજાપતિએ “જી સર” લખીને સૂચનાનો સ્વીકાર કર્યો હોવાનું જણાવાયું છે.
આ ચેટ્સ હવે સમગ્ર કેસમાં મહત્વના પુરાવા તરીકે સામે આવ્યા છે.
સસ્પેન્શનને ગણાવ્યું એકતરફી અને પૂર્વગ્રહયુક્ત
પિટિશનમાં સુજલ પ્રજાપતિ (Sujal Prajapati)એ દલીલ કરી છે કે તેમની સામે લેવામાં આવેલી સસ્પેન્શન (Suspension)કાર્યવાહી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
તેમણે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે કે,
- સસ્પેન્શનનો આદેશ રદ કરવામાં આવે.
- અગાઉના હોદ્દા પર પુનઃસ્થાપિત કરવામાં આવે.
- તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદેસર જાહેર કરવામાં આવે.
કમિશનરના આદેશથી જ સ્થળ પર પહોંચ્યાનો દાવો
અરજીમાં સૌથી મહત્વનો દાવો એવો કરવામાં આવ્યો છે કે સુજલ પ્રજાપતિ નાસીરનગર ડિમોલિશન સ્થળે પોતાની રીતે પહોંચ્યા નહોતા.
તેમના જણાવ્યા મુજબ તેઓ મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના બાદ જ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યવાહી દરમિયાન ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કર્યું હતું.

આ દાવાને સમર્થન આપવા માટે તેમણે કોર્ટમાં WhatsApp Chatઉપરાંત અન્ય સત્તાવાર સંચારના દસ્તાવેજો પણ રજૂ કર્યા છે.
તપાસ સમિતિ પર પણ ગંભીર આક્ષેપ
પિટિશનમાં જણાવાયું છે કે 29 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે કોર્ટ સમક્ષ એવો જવાબ આપ્યો હતો કે તેમની તરફથી ડિમોલિશન માટે કોઈ સૂચના આપવામાં આવી નહોતી.
તેના બીજા જ દિવસે એટલે કે 30 જૂને સુજલ પ્રજાપતિને આંતરિક તપાસ સમિતિ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી.
પ્રજાપતિનો આરોપ છે કે તપાસ સમિતિ સમક્ષ તેમણે સમગ્ર હકીકત રજૂ કરવા છતાં તેમના નિવેદનોને અવગણીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તેમણે સમગ્ર કાર્યવાહી પૂર્વનિયોજિત હોવાનું પણ આક્ષેપ કર્યો છે.
ઝોનલ જવાબદારી અંગે પણ ઉઠાવ્યા સવાલ
અરજીમાં વધુમાં જણાવાયું છે કે ડિમોલિશનની વહીવટી જવાબદારી સેન્ટ્રલ ઝોનની હતી.
તેમ છતાં પોતાનો ઝોન ન હોવા છતાં તેમને જવાબદાર ઠેરવી કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું છે.
તેમનો દાવો છે કે વાસ્તવિક નિર્ણય લેનાર અધિકારીઓને બચાવવા માટે તેમને બલિનો બકરો બનાવવામાં આવ્યા છે.
સુજલ પ્રજાપતિના રોલ અંગે સામે આવેલા મુદ્દા
સુરત નાસીરનગર ડિમોલિશન (Surat Nasirnagar Demolition) કેસમાં સુજલ પ્રજાપતિની ભૂમિકાને લઈને અત્યાર સુધી નીચેના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે.
- શ્રીરામ એજન્સીને ત્રણ પોકલેન, બે JCB બ્રેકર અને આશરે 60 કર્મચારીઓ સાથે પહોંચવાની સૂચના આપી હોવાનું કહેવાય છે.
- પોતાનો ઝોન ન હોવા છતાં ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
- સંબંધિત ઝોનના અધિકારીને ઉચ્ચ અધિકારીઓનો મેસેજ બતાવી સાઇડલાઇન કર્યા હોવાના આક્ષેપ છે.
- પોલીસની હાજરીમાં ડિમોલિશન શરૂ કરવાની સૂચના આપી હોવાનું કહેવામાં આવે છે.
- જે વિભાગ તેઓ સંભાળતા હતા, તે વિભાગના અધિકારીઓ તેમની સાથે હાજર નહોતા.
આ મુદ્દાઓની સત્યતા અંગે અંતિમ નિર્ણય ન્યાયિક અને વહીવટી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
હવે આગળ શું?
સુજલ પ્રજાપતિ દ્વારા રજૂ કરાયેલા WhatsApp Chat અને અન્ય દસ્તાવેજો બાદ નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો કાનૂની વળાંક આવ્યો છે.
હવે હાઈકોર્ટ આ દસ્તાવેજો, બંને પક્ષોની દલીલો અને વહીવટી કાર્યવાહીનું મૂલ્યાંકન કરશે. આગામી સુનાવણીઓમાં આ કેસ માત્ર એક અધિકારીના સસ્પેન્શન પૂરતો નહીં રહે પરંતુ નિર્ણય પ્રક્રિયા, જવાબદારી અને વહીવટી પારદર્શિતાના મુદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ અસર કરી શકે છે.
