traffic/ વિકસતા ગુજરાતની વિકરાળ સમસ્યા ‘ટ્રાફિક’

ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં શહેરીકરણ 50 ટકાને વટાવી ગયું છે. આજે ગુજરાતની સાત કરોડની વસ્તીમાંથી અડધી વસ્તી એટલે કે 3.5 કરોડ લોકોથી પણ વધુ લોકો રાજ્યના વિવિધ શહેરોમાં વસે છે.

Mantavya Vishesh Trending

ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં શહેરીકરણ 50 ટકાને વટાવી ગયું છે. આજે ગુજરાતની સાત કરોડની વસ્તીમાંથી અડધી વસ્તી એટલે કે 3.5 કરોડ લોકોથી પણ વધુ લોકો રાજ્યના વિવિધ શહેરોમાં વસે છે. ગુજરાતની વિકાસની આ હરણફાળ ચાલુ છે તો વધતા જતાં શહેરીકરણે અનેક તકો પૂરી પાડવાની સાથે-સાથે ગુજરાતને કેટલીક સમસ્યાઓ પણ આપી છે. આવી જ એક સમસ્યા છે ટ્રાફિક. હા, વિકસતા ગુજરાતની સૌથી વિકરાળ સમસ્યા હોય તો તે ટ્રાફિક છે. ગુજરાતી આજે તેના જીવનની રોજિંદી ગતિવિધિમાં સૌથી વધુ પરેશાન હોય તો તે ટ્રાફિકથી છે.

દરેક ગુજરાતી આજે વાત કરતો હોય તો તેની વાતચીતમાં તો ટ્રાફિક શબ્દ ખાસ આવશે, યાર આજે તો ટ્રાફિક બહુ છે. યાર આજે તો ટ્રાફિકમાં દમ નીકળી ગયો. હું ટ્રાફિકમાં ફસાઈ ગયો છું અથવા તો ફસાઈ ગઈ છું. ગુજરાતી આજે ઓફિસે મોડો આવે તો પણ આ એક બહાનું કોમન છે ટ્રાફિક બહુ નડ્યો, પ્રસંગમાં પણ મોડો જાય તો કહેશે કે ટ્રાફિક બહુ છે, મિત્રને ત્યાં જવામાં મોડું થયું તો પણ ટ્રાફિકનું બહાનું, લગ્નની જાન પણ મોડી આવે તો એમ જ કહેશે કે ટ્રાફિક બહુ હતો. તેથી આજે સ્થિતિ એવી છે કે ગુજરાતી ગમે તે વાતની ચર્ચા કરે પણ ટ્રાફિકની વાત તો તેમા આવેને આવે જ.

રાજ્યમાં શહેરીકરણના લીધે શહેરોમાં દ્વિચક્રી વાહનોનો ગંજ ખડકાયો છે. ગુજરાતમાં એક કરોડ કરતાં પણ વધારે ટુ-વ્હીલર છે. દર સાત ગુજરાતીએ એક ગુજરાતી પાસે ટુ-વ્હીલર છે. આમ ગુજરાતમાં ટુ-વ્હીલરોની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે તેનો સીધો બોજો રાજ્યના અને તેમા પણ ખાસ કરીને શહેરોના રસ્તા પર આવ્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં લગભગ 60થી 70 લાખ ટુ-વ્હીલરો દોડે છે. તેમા પણ ગુજરાતના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણાનો રાજ્યના કુલ ટુ-વ્હીલરોનો અડધા જેટલો હિસ્સો છે.

જો કે બાકીના શહેરો પણ પાછળ નથી. પણ તે નાના શહેરો છે. તેથી આ પાંચેય શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનીને ઊભી છે. સરકાર રાજ્યના દરેક નવા વિસ્તારોમાં રોડ બનાવતા બનાવતા થાકી ગઈ પણ ટ્રાફિકની સમસ્યાનો અંત જ આવતો નથી. ટ્રાફિકની સમસ્યા લગભગ હવે દરેક ગુજરાતીની દૈનિક દિનચર્યાનો હિસ્સો બની ગઈ છે. તેના લીધે આજે ગુજરાતના શહેરોની સ્થિતિ એવી છે કે જ્યાં પહેલા પંદર મિનિટથી અડધો કલાકમાં પહોંચાતુ હતુ હવે તે જ સ્થળે પહોંચવામાં લગભગ કલાક જાય છે. આજે સામાન્ય ગુજરાતી રોજના એકથી બે કલાક તો કદાચ ટ્રાફિકમાં જ બગાડતો હશે.

પણ શું કોઈએ ગુજરાતમાં ટ્રાફિકની આ સમસ્ય વકરવાના કારણો પર નજર કરી છે ખરી. જ્યારે કોઈ શહેરનો વૈજ્ઞાનિક રીતે વિકાસ થવાના લીધે બેફામ રીતે અને મનફાવે તેમ વિકાસ થાય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ સર્જાવવાની છે. ગુજરાતના ગાંધીનગર સિવાયના કોઈપણ શહેરનો કે શહેરના કોઈપણ વોર્ડનો વિકાસ ક્યાંય વૈજ્ઞાનિક રીતે કે યોગ્ય ડિઝાઇનથી થયો નથી, હવે જો કોઈ શહેર આયોજનબદ્ધ રીતે બન્યું જ ન હોય તો પછી તે શહેર શહેર ન બનતા ટ્રાફિકની અવ્યવસ્થા સર્જતો મધપૂડો જ બનવાનો.

હવે જો કોઈપણ શહેરનો વિકાસ કરવામાં આવે ત્યારે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના ખિસ્સાના બદલે સામાન્ય માનવીની સમસ્યા કે તકલીફોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક અભિગમથી કરવામાં આવે તો આ સમસ્યા આવે જ નહી, પરંતુ આવું થતું નથી તે પણ હકીકત છે. બધુ જ આડેધડ થાય છે. આજે જો અમદાવાદમાં દહેગામથી સરખેજ સુધીનો 60 કિ.મી.નો છ લેનનો રોડ એકપણ ટ્રાફિક સિગ્નલ વગર ડિઝાઇન થઈ શકતો હોય અને અમુક અપવાદોને બાદ કરતાં આ રસ્તા પર હજારો વાહનો સરળતાથી વહી શકતા હોય તો પછી શહેરના બીજા રસ્તાઓ આ રીતે કેમ ન બની શકે, દહેગામથી સરખેજ સુધીના છ લેનના રસ્તાએ બતાવી દીધું છે કે યોગ્ય ઇરાદા સાથે વિકાસ કરવામાં આવે તો જનસુખાકારીમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી શકાય છે. તેના માટે ઠેર-ઠેર ઉઘરાણા જેવા ટ્રાફિક સિગ્નલો નાખવાની જરૂર નથી.

હા, રાજ્યમાં ટ્રાફિક સિગ્નલો રાજ્યમાં ટ્રાફિકના સંચાલન માટે નહીં પણ જાણે દંડ ઉઘરાવવા માટે હોય તેવી સ્થિતિ છે. આ સિગ્નલોનો અવરોધ એટલો છે કે દરેક ગુજરાતી ઘરેથી નીકળે ત્યારે તેને રસ્તામાં કેટલા સિગ્નલો નડશે તે પણ પહેલેથી જ ગણી લેવુ પડે છે. ગુજરાતના પાંચ શહેરોમાં તો ગુજરાતીએ રોજના પાંચથી આઠ સિગ્નલોનો સામનો કરવાનો આવે છે. જ્યારે નોકરી માટે લાંબુ અંતર કાપતા ઘણા લોકો તો રોજના 15થી 20 સિગ્નલોનો સામનો પણ કરે છે. તેમા પણ શહેરના એક છેડેથી બીજા છેડે નોકરીએ જનારા લોકોની સ્થિતિ ઘણી કફોડી છે.

આ સંજોગોમાં દરેક ગુજરાતીને તે સવાલ થવો સ્વાભાવિક છે કે આ રસ્તો આ રીતે કેમ ડિઝાઇન કરાયો, રસ્તા પર આટલા બધા સિગ્નલો શું કામ છે, શા માટે દર ચાર રસ્તા હોય ત્યાં ઓવરબ્રિજ બનતા નથી અને જ્યાં ઓવરબ્રિજ એટલે કે ફ્લાયઓવર બને છે ત્યાં પણ નીચેનો ટ્રાફિક ઓછો કરવા માટે અંડરબ્રિજ પણ શા માટે બનાવવામાં આવતા નથી. હવે સિગ્નલ રાખવા ન પડે તે માટે ફ્લાયઓવર બનાવાય છે તો પછી ફ્લાયઓવરની નીચે અંડરબ્રિજ કેમ બનાવાતા નથી. હવે જો દરેક ચાર રસ્તા પર ફ્લાયઓવર બનાવાય અને તેની સાથે-સાથે અંડરબ્રિજ બનાવાય તો પછી ત્યાં સિગ્નલની જરૂર જ ન પડે તથા ટ્રાફિક સુગમતાથી વહેતો રહે.

રાજ્ય સરકારે મોડે-મોડે પણ આ વાતની સુધ લીધી છે ખરી, તેથી જ અમદાવાદમાં એસપી રિંગ રોડ પરના બધા જ ચાર રસ્તા પર ફ્લાયઓવર અને અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે ભવિષ્યમાં બનનારા રિંગરોડ પર પણ આ જ પ્રકારની ફોર્મ્યુલાને અનુસરવામાં આવશે તેમ માનવામાં આવે છે. આ સિવાય આગામી સમયમાં રાજ્યના બીજા શહેરોમાં પણ ટ્રાફિક સિગ્નલવિહિન ટ્રાફિક બનાવવા માટે આ જ પ્રકારની ફોર્મ્યુલાનો અમલ થઈ શકે છે. આમ શહેરોએ ટ્રાફિક સિગ્નલની ચુંગાલમાંથી છૂટવું હોય તો તેમાં બને તેટલા સિગ્નલો ઓછા રાખવા જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રયાગરાજ ફ્લાઇટના આસમાનને આંબી જતા ભાડા પર સરકારની કાર્યવાહી, એરલાઇન્સને વાજબી ભાડા જાળવવા જણાવ્યું

આ પણ વાંચો: અહીં ખૂલી ધૂપ તો, અહીં પારો હજુ પણ માઈનસમાં છે, જાણો IMDનું હવામાન અપડેટ

આ પણ વાંચો: શું ભારત અમેરિકાથી આયાત થતા મોંઘા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે? બજેટમાં જાહેરાત થઈ શકે છે