USA News/ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે એક અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી

યુદ્ધવિરામ(Ceasefire) માં સૌથી મોટો અવરોધ યુક્રેનના પૂર્વીય પ્રદેશો, ખાસ કરીને ડોનબાસ વિસ્તારનો મુદ્દો છે

Top Stories World
Ceasefire

Usa News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામેના હુમલાઓને એક અઠવાડિયા માટે રોકવા માટે સંમત થયા છે.આ વિરામ યુદ્ધવિરામ (Ceasefire) તરફ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે

ટ્રમ્પે આ નિવેદન યુએસ સરકારના શટડાઉન મુદ્દે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આપ્યું હતું. તેમણે ગાઝા યુદ્ધવિરામ સાથે સાથે યુક્રેન યુદ્ધ અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ આપ્યો.

ઠંડીને કારણે લેવાયો નિર્ણય?

ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણયનું મુખ્ય કારણ આ વિસ્તારમાં ભારે ઠંડી છે. ટ્રમ્પે કહ્યું, “ખૂબ જ ઠંડી છે… મેં વ્યક્તિગત રીતે પુતિનને કિવ અને અન્ય શહેરો પર ગોળીબાર ન કરવા કહ્યું. પુતિન રોકવા માટે સંમત થયા. તે ખૂબ સારું હતું.”

ટ્રમ્પના મતે, આ વિરામ યુદ્ધવિરામ (Ceasefire) તરફ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

ટ્રમ્પ કાયમી Ceasefire માટે પ્રયાસશીલ

ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદથી તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ સ્થાપિત કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમના પ્રયાસોના પરિણામે યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાનીમાં અમેરિકા, રશિયા અને યુક્રેન વચ્ચે ત્રિપક્ષીય બેઠકો પણ યોજાઈ ચૂકી છે.

આ બેઠકોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ ટ્રમ્પના ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરે કર્યું હતું.

આગામી રાઉન્ડની મહત્વપૂર્ણ વાટાઘાટો 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાવાની છે.

યુદ્ધવિરામ (Ceasefire)માં સૌથી મોટો અવરોધ શું?

અમેરિકા અને યુક્રેને યુદ્ધવિરામ (Ceasefire)માટે એક “20-મુદ્દાની યોજના” તૈયાર કરી છે, જેના પર રશિયા સાથે ચર્ચા ચાલી રહી છે. જોકે, રશિયાએ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.

અહેવાલો અનુસાર, યુદ્ધવિરામ(Ceasefire) માં સૌથી મોટો અવરોધ યુક્રેનના પૂર્વીય પ્રદેશો, ખાસ કરીને ડોનબાસ વિસ્તારનો મુદ્દો છે.

કહેવાય છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર યુક્રેન પર દબાણ કરી રહ્યું છે કે તે ડોનબાસ ક્ષેત્ર રશિયાને સોંપે, અને તેના બદલામાં સુરક્ષા ગેરંટી આપવામાં આવશે. પરંતુ યુક્રેન સરકારે હજુ સુધી આ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી.

EU એ ભારતને પણ વિનંતી કરી

યુરોપિયન યુનિયને ભારતને પણ રશિયા પર દબાણ લાવવા વિનંતી કરી છે. EUના વિદેશ બાબતો અને સુરક્ષા નીતિના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલ્લાસે ભારત-રશિયા સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત પુતિન પર યુદ્ધ રોકવા માટે અસરકારક દબાણ કરી શકે છે.

આ નિવેદન ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર બાદ આવ્યું છે. જોકે, કરાર પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં રશિયાનું નામ સ્પષ્ટ રીતે લેવામાં આવ્યું નથી.

નિષ્ણાતોનું માનવું

વિશ્વ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો ટ્રમ્પનો આ પ્રયાસ સફળ થાય તો તે યુક્રેન યુદ્ધમાં પહેલીવાર મોટી રાહત આપી શકે છે. જોકે, ડોનબાસ મુદ્દે સહમતિ ન બનતા યુદ્ધવિરામ લાંબો સમય ટકશે કે નહીં તે હજુ અનિશ્ચિત છે.


આ પણ વાંચો : રશિયા ભણવા ગયેલો યુવક યુક્રેન સાથે યુધ્ધમાં ઉતર્યા પછી ગૂમ, પરિવાર ચિંતિત

આ પણ વાંચો : યુક્રેન રશિયા સાથે યુધ્ધ હારી જશે તો ત્રીજુ વિશ્વ યુધ્ધ શરૂ થશે

આ પણ વાંચો : જો યુક્રેન નાતોમાં જોડાશે તો, ત્રીજુ વિશ્વયુધ્ધ માટે દુનિયા તૈયાર રહે, રશિયાની ચેતવણી