Ankleshwar News : અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બેવડી આફત બનીને વરસ્યો છે. ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક લણણી સમયે જ વરસાદમાં પલળી જતાં, ખેડૂતોએ બચેલો પાક ખેતરમાંથી કાઢીને રસ્તાઓ પર સૂકવવાની ફરજ પડી હતી.
પરંતુ, આજે (26 ઓક્ટોબર) સવારે ફરી વરસેલા કમોસમી વરસાદે રોડ પર સૂકવેલા આ પાકને પણ પલાળી દેતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે.મળતી માહિતી મુજબ, અંકલેશ્વર-હાંસોટ પંથકમાં કમોસમી વરસાદે ડાંગરની ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.
ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો સોના જેવો પાક જ્યારે લણવાનો સમય આવ્યો, ત્યારે જ માવઠાએ બધી મહેનત પર પાણી ફેરવી દીધું હતું.ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી ખેડૂતો જેમ તેમ કરી પાકને બહાર કાઢી તેને બચાવવા મથી રહ્યા હતા. હાંસોટના કુડાદરા, પરવત તેમજ અંકલેશ્વરના સિસોદ્રા અને પંડવાઈ સહિતના ગામોના ખેડૂતોએ આશરે દોઢ લાખ મણ ડાંગરનો પાક મુખ્ય માર્ગ પર લગભગ 8 કિલોમીટર લાંબા પટ્ટા પર સૂકવવા માટે મૂક્યો હતો.
ખેડૂતોને આશા હતી કે રસ્તા પર પાક સુકાઈ જશે અને નુકસાનીથી બચી શકાશે, પરંતુ આજે સવારે ફરી એકવાર વરસાદી ઝાપટું વરસતાં રોડ પર તપાવવા મૂકેલો લાખો મણ ડાંગરનો પાક પણ પલળી ગયો હતો, જેનાથી ખેડૂતોની રહીસહી આશા પણ ધોવાઈ ગઈ હતી.આ કમોસમી વરસાદની સીધી અસર પાકના ભાવ પર પડી છે., એમ ખેડૂતોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું. ડાંગરનો પ્રતિ મણ ભાવ સતત ચાર વખત વરસેલા વરસાદ પહેલા રૂ. 400 મળતો હતો, જે હવે ઘટીને રૂ. 300ની આસપાસ થઈ ગયો છે. વેપારીઓ પલળેલા પાકનો ઓછો ભાવ આપી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને જંગી આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ અંગે ખેડૂત પ્રકાશસિંહ વશીએ જણાવ્યું હતું કે, હાલમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારસુધી ચાર વખત ડાંગરનો પાક પલળી જતાં ભયંકર નુકસાન થયું છે. સરકારને રજૂઆત છે કે તેઓ સહાયની ચુકવણી કરે.ખેડૂત સમીર વશીએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ડાંગરનો પાક હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ વરસાદ થતાં પલળી ગયો છે. ત્યારે, આશા છે કે સરકાર સહાયની જાહેરાત કરશે.
ગતવર્ષે ઉનાળુ ડાંગર પણ ખેતરમાંથી કાઢી અને રોડ પર સુકવી હતી અને ત્યારે પણ વરસાદ વરસતાં તે પલળી ગઇ હતી.,એમ ખેડૂત ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ત્યારે વેપારીઓએ ઘણા જ ઓછા ભાવ આપ્યા હતા. આ વર્ષે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વારંવારના માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું.
આ વર્ષે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારતાં તેઓ ખોટ ખાઈને પણ પાક વેચવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્ત ખેડૂતો હવે સરકાર આ મામલે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય સહાય જાહેર કરે તેવી માગ કરી રહ્યા છે.પાંચ મહિના પહેલાં પણ અંકલેશ્વર-હાંસોટ પંથકમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી હતી. જેને કારણે ખેડૂતોના અંદાજે એક લાખ મણ ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હતું.
આ પણ વાંચો:વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો
આ પણ વાંચો:પાટીલની જેમ નિમણૂંક બાદ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં જ પહેલો રોડ શો
આ પણ વાંચો:વડોદરાના કોટણા ગામમાં કોઝવે પર બાઇક તણાયુ, દંપતીનો બચાવ, બે પુત્રો હજી પણ ગુમ
