- પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો અમેરિકાનો દાવો
- બંને દેશોએ ઝડપતી ડિસએન્ગેજમેન્ટ કર્યુ તે અંગે અમેરિકાએ સંતોષ વ્યક્ત કર્યો
- ભારતીય ચોકી પર કબ્જો કરવાનો ચીનનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો
ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સૈનિકો તે પ્રયાસ નિષ્ફળ કર્યો, પરંતુ વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક બની ગઈ. હવે આ સમગ્ર વિવાદ પર અમેરિકાએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ આ મુદ્દે ભારતનું સમર્થન કર્યુ છે. તેની સાથે તેણે જણાવ્યું છે કે અમે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ
અમેરિકાએ ખુશી વ્યક્ત કરી છે કે બંને દેશોની સેનાઓ સમયસર હટી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં રાખી. અમે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અમે ભારત અને ચીન બંનેને વાટાઘાટો માટે પ્રોત્સાહિત કરીએ છીએ, સરહદોને લઈને જે પણ વિવાદ છે, તેને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. આ પહેલા ચીને પણ 9 ડિસેમ્બરની ઘટના પર પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. ચીને આક્રમક બનવાને બદલે માત્ર એટલું જ કહ્યું કે ભારતીય સરહદ પર સ્થિતિ ‘સ્થિર’ છે.
9 ડિસેમ્બરની ઘટનાની વાત કરીએ તો ચીની સૈનિકો ભારતીય ચોકીને હટાવવા માટે તવાંગ આવ્યા હતા. જ્યારે ભારતીય સૈનિકોએ તે જોયું તો તેઓએ તરત જ ચાર્જ સંભાળ્યો અને અથડામણ કરી. ભારતીય સૈનિકોને આક્રમક થતા જોઈને ચીની સૈનિકો પાછળ હટી ગયા. આ હિંસક ઘટનામાં 6 ભારતીય સૈનિકો ઘાયલ થયા છે.
ચીન તરફથી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ તેના મોટી સંખ્યામાં સૈનિકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતને પહેલાથી જ ખબર હતી કે ચીન તવાંગ તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાં ભારતીય પોસ્ટ પર કબજો કરી શકે છે. આ કારણે ચીનની મોટી સેનાની સામે ભારત તરફથી પણ મોટી સંખ્યામાં સૈનિકો ત્યાં તૈનાત હતા. પરિણામ એ આવ્યું કે ચીની સૈનિકોને સ્થળ પરથી ભગાડી દેવાયા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સૈનિકોની બહાદુરીના કારણે જ ચીની સૈનિકોને પાછળ હટાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે 09 ડિસેમ્બર 2022ના રોજ પીએલએ સૈનિકોએ અરુણાચલના તવાંગ સેક્ટરમાં યાંગત્સેમાં એલએસી પર અતિક્રમણ કરીને એકપક્ષીય રીતે સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો.
