Jamnagar Rain News: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક કાર (Car Rescue) પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ જતાં મોટી દુર્ઘટનાની આશંકા ઉભી થઈ હતી. જોકે, સ્થાનિક ગ્રામજનોની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, બામણગામમાંથી પસાર થતા એક નાળા પર વરસાદી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો. તેમ છતાં એક કાર ચાલકે પાણીમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાણીનું વહેણ વધુ તેજ હોવાથી કાર વચ્ચે જ ફસાઈ ગઈ હતી અને પાણીના પ્રવાહમાં તણાઈ જવાનો ભય ઊભો થયો હતો. કાર (Car Rescue)માં સવાર લોકો ગભરાઈ ગયા હતા અને મદદની રાહ જોવા લાગ્યા હતા.
જુઓ Car Rescueનો વિડીયો
ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ટ્રેક્ટર અને મજબૂત દોરડાની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. દોરડું કાર સાથે બાંધીને ટ્રેક્ટરની મદદથી કારને ધીમે ધીમે પૂરના પાણીમાંથી બહાર ખેંચવામાં આવી હતી. સ્થાનિકોના સંયુક્ત પ્રયાસોથી કાર (Car Rescue)માં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાયેલા રસ્તા, કોઝવે અને નાળા પાર કરવાનો પ્રયાસ કેટલો જોખમી બની શકે છે તેનો આ બનાવ જીવંત દાખલો બની રહ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને નદી-નાળા અને કોઝવે પરથી પાણી વહેતું હોય ત્યારે વાહન લઈને પસાર ન થવા, સાવચેતી રાખવા અને માત્ર સુરક્ષિત માર્ગોનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો:રાધનપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર સ્થિતિ: ઘરો અને હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી, લોકો મુશ્કેલીમાં
