એક તરફ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યાં બાદ સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાની દહેશતને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ એક અફઘાની આતંકી પણ દહેશત ફેલાવવા દેશમાં ઘૂસ્યો હોવાનાં આઇબીનાં ઇનપુટ વચ્ચે રાજ્યમાં આતંકી હુમલાનાં એલર્ટ અપાયા છે ત્યારે વડોદરામાં એક મોલમાં દહેશત ફેલાવવાની મજાક કરવી બે ટીખળખોર યુવાનોને ભારે પડી છે. વડોદરા પોલીસે આ બન્ને યુવાનોને ઝડપી લઇ જેલનાં સળિયા ગણતાં કરી દીધાં છે.
વડોદરામાં મોડીરાત્રે સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરનારાં બે ટીખળખોર યુવાનો હવે જેલનાં સળિયા ગણી રહ્યાં છે. મોડીરાત્રે વડોદરાનાં વાઘોડિયા રોડ નજીકનાં હાઇવે પર આવેલાં તક્ષ-ગેલેક્ષી મોલમાં બેગ મુકી લોકોમાં ભય ફેલાવવાનું કાવતરું રચી રહેલાં સાગર ઠક્કર અને જીગર બારીયા નામનાં બે યુવકોની આ મસ્તીએ સમગ્ર શહેરને માથે લીધું હતું.

મોલનાં સફાઇ કર્મચારીઓને 50 હજાર રૂ.ની લાલચ આપી એક શંકાસ્પદ બેગ મોલમાં ઘુસાડવાની વાત કરનાર આ બંને શખ્સો બાદમાં મોલનાં કર્મચારીઓની સતર્કતાને પગલે ઝડપાઇ ગયાં હતાં. આખી રાત વડોદરા પોલીસનો જીવ તાળવે ચોંટાડી રાખનાર આ બંને ટપોરીઓને પોલીસે જો કે સીસીટીવીનાં આધારે ઝડપી તો લીધાં પણ તેમની આ મસ્તીએ અનેક લોકોમાં ભય અને દહેશતનો માહોલ પેદા કરી દીધો હતો.
જાહેર જગ્યાએ ગીચ વસ્તીવાળા સ્થળે આ રીતે ટીખળ કરી અનેક લોકોનાં જીવ તાળવે ચોંટાડી ભય અને દહેશતનો માહોલ ફેલાવનાર આ બંને રીક્ષા ચાલકો હવે પોલીસની ગિરફ્તમાં છે. બંને સામે પોલીસે આતંકી હુમલામાં એલર્ટ વચ્ચે લોકોમાં દહેશત ફેલાવી જનતાને મુશ્કેલીમાં મુકવાનો ગુનો નોંધી જેલની પાછળ ધકેલી દીધાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
