સુરેન્દ્રનગર/ સુરસાગર ડેરીના ચેરમેનના ભત્રીજા પર હુમલો કરનારા આરોપીનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક આવેલા પાંદડી ગામે સુરસાગર ડેરીના ચેરમેન બાબા ભરવાડના ભત્રીજા ઉપર જીવલેણ હુમલો થયો હતો

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક આવેલા પાંદડી ગામે સુરસાગર ડેરીના ચેરમેન બાબા ભરવાડના ભત્રીજા ઉપર જીવલેણ હુમલો થયો હતો. જે હુમલાના આરોપી પૈકી એક ફરાર આરોપીનો ફાયરીંગ કરતો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈ ચકચાર મચી છે. ફરાર આરોપી લાલા જોગરાણાએ એક પ્રસંગમાં ફાયરિંગ કર્યુ હતું.

આ બનાવની વિગત મુજબ થોડા સમય અગાઉ લીંબડી તાલુકાના પાંદડી ગામે સુરસાગર ડેરીના ચેરમેન બાબા ભરવાડના ભત્રીજા ઉપર 12 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે ફરીયાદ પણ નોંધાઇ હતી. આ ઘટના તા. 5 જાન્યુઆરીના રોજ બની હતી. આ ગુનામાં ફરાર આરોપી લાલા જોગરાણા એક પ્રસંગરમાં ફાયરીંગ કરી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

પોલીસની પકડમાં ન આવતો આ આરોપી લાલા જોગરાણા એક પ્રસંગમાં ખુલ્લેઆમ ફાયરીંગ કરી રહ્યો છે. પોલીસ જેને શોધી રહી છે, તે આરોપી પ્રસંગમાં જઇ આ રીતે ફાયરીંગ કરતો હોવાનો વીડિયો સામે આવતા જ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે. જોકે, પોલીસ સુત્રોના જણાવ્યાં મુજબ, આ વીડિયો ક્યાંનો છે અને કયા સમયનો છે ? તાજેતરનો જ છે કે પછી જુનો છે ? તે અંગે કોઇ પૃષ્ટિ થઇ શકી નથી, જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ ફાયરીંગ વીડિયોની અને ફાયરીંગ કરનારા શખ્સોની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવા સુચના આપવામાં આવી છે.

ફાયરીંગના આ વાયરલ વીડિયોમાં કોઇ પ્રસંગ હોય તેવું દ્રશ્યમાં જોવા મળે છે, વીડિયોમાં ફાયરીંગ થતું હોય તેની બાજુમાં જ બાળકો પણ જોવા મળે છે. જો ફાયરીંગ કરનારાથી કોઇ ચુક થઇ હોત તો અનેક લોકોના જીવનું જોખમ હતું.

એક બંદુકમાં ગોળીઓ ભરે છે, બીજો ફાયરીંગ કરે છે તેવુ વીડિયોમાં જોવા મળે છે. એક યુવક પિસ્તોલ જેવા હથિયારથી હવામાં ફાયરીંગ કરી રહ્યો છે તેવા સંજોગોમાં અન્ય એક યુવક કે જે ફાયરીંગ કરનાર યુવકની બાજુમાં ઉભો રહી અને મજલોડ બંદુકમાં ગોળીઓ ભરી રહ્યો છે. તાજેતરના જ પ્રસંગનો વીડિયો હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એસ.ઓ.જી., સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસ ટુકડીઓ દ્વારા અવાર નવાર ગેરકાયદેસર હથિયારો સાથે ઇસમોને ઝડપી પાડવામાં આવતા હોય છે. ત્યારે સોશ્યલ મીડિયા ઉપર 42 દિવસમાં બીજો વીડિયો વાયરલ થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ફાયરીંગના કારણે બે લોકોના જીવ પણ હોમાયા છે. તેવા સંજોગોમાં જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક હોવાની શંકા હાલમાં સ્પષ્ટ થઇ રહી છે. ત્યારે આ મામલે આગળના દિવસોમાં આવું નેટવર્ક પોલીસ ઝડપી પાડે અને ગેરકાયદેસર હથિયાર રાખનારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેમજ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી બને તેવી લોકો આશા રાખી રહ્યા છે.