@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
પાટડી તાલુકાનાં 4000 ની વસ્તી ધરાવતા પાનવા ગામે ગ્રામ પંચાયતના બોરની મોટર 10 દિવસ અગાઉ બળી જતાં ગામમાં આકરા ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થયો છે. જે અંગેનો વિસ્તૃત અહેવાલ 4 જૂનનાં મંતવ્ય વેબમાં છપાયો હતો. પાનવા ગામનાં સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગને સાથે રાખી યુદ્ધનાં ધોરણે મોટર ચાલુ કરી પાણી અપાતા ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.
પાટડી તાલુકાનાં છેવાડે આવેલા પાનવા ગામની વસ્તી અંદાજે 4000 લોકોની છે. પાનવા ગ્રામ પંચાયતનાં બોરમાં 10 દિવસ અગાઉ પેનલ બોર્ડમાં ખામી થવાની સાથે બોરની મોટર બળી જવાના લીધે પાનવા ગામમાં પીવાનાં પાણીની સમસ્યા અતિ વિકટ બનવા પામી હતી. પાનવા ગામની મહિલાઓને 45 ડીગ્રી તાપમાનમાં ભર બપોરે માથે બેડા ઉંચકી પીવાનાં પાણીની એક એક બુંદ માટે વલખા મારવા પડી રહ્યાં હતા. ગામની મહિલાઓ ગામનાં છેવાડે આવેલા કૂવે પાણી ભરવા મજબૂર બની હતી.
જે અંગેનો તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ મંતવ્ય વેબમાં 4 જૂનમાં છપાયો હતો. બીજી બાજુ પાનવા ગામનાં મહિલા સરપંચ રંજનબેન રસિકભાઇ પાનવેચાએ પાણી પુરવઠા વિભાગને સાથે રાખી પંચાયતનાં બોરની મોટર રીપેરીંગ કરી યુદ્ધનાં ધોરણે પાનવા ગામે બોરનું પાણી ચાલુ કરાતા આકરા ઉનાળામાં પીવાનાં પાણી માટે વલખા મારતા પાનવાનાં ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

