વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ બાદ વન ડે તથા ટી-20 ફોરમેટમાં કપ્તાની છોડી દેશે, આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોહલીની જગ્યાએ રોહિત શર્મા સુકાન સંભાળશે. કોહલી પોતાની બેટિંગ લાઈન પર ધ્યાન આપવા માટે એક જ ફોરમેટમાં કપ્તાની કરશે. આ તમામ રિપોર્ટને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ નકારી દીધા હતા અને તેમણે કહ્યું હતું કે, આ માત્ર અફવા છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી અને કોઈ જ તથ્યતા રહેલી નથી. ટીમ માટે હમણાં ટી-20 વર્લ્ડકપ મહત્વનો છે અને ટીમ તેના પર ફોકસ કરી રહી છે. સ્પ્લીટ કેપ્ટન્સી પર કોઈ જ ચર્ચા કરવામાં આવી રહી નથી.
બીસીસીઆઈના સચિવ જય શાહે પણ જણાવ્યું છે કે, જો ટીમ સારું પ્રદર્શન કરી જ રહી છે તો કપ્તાનીમાં બદલાવની કોઈ જ જરૂર નથી. જય શાહના નિવેદન પર બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધુમલે પણ સહમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે, લીમીટેડ ક્રિકેટ ઓવરની મેચમાં વિરાટની જગ્યાએ રોહિતને કપ્તાની આપવાના સમાચાર બિલકુલ બોગસ છે. અમે તે વાતને સારી રીતે સમજીએ છીએ કે, આવો પ્રસ્તાવ ભારતીય ટીમના હિતમાં નથી અને ત્યારે કે જયારે સમગ્ર ટીમ ટી-20 મેચ રમવા માટે ઉત્સાહિત છે અને જીતવા માટે મહેનત પણ કરી રહી છે.
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટ મેચના સફળ કેપ્ટન છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, 38 મેચોમાં ભારતે જીત હાંસલ કરી છે. વનડે અને ટી-20 ફોરમેટમાં તેમની સામે સવાલો ઉઠી રહ્યા છે. કોહલીના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયા હજુ સુધી એકપણ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી. ભારત આ પહેલા 2019 માં પણ વન ડે વિશ્વ કપ અને 2017 માં આઈસીસી ચેમ્પિયનશીપ ટ્રોફી હારી ચુક્યું છે. ભારત છેલ્લે વર્ષ 2013માં ટ્રોફી જીત્યું હતું.
આ વર્ષે કોહલીના પૂરતા પ્રયત્નો હશે કે તેમની કેપ્ટનશીપ હેઠળ યુએઈ અને ઓમાન ખાતે રમાનારી આઈસીસી ટ્રોફી જીતે અને પોતાના નામે કરે.
