Gujarat News/ LIVE: રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન

જેમાં 36 લાખથી વધુ મતદારો 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

Top Stories Gujarat Breaking News
Image 1 LIVE: રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન

Gujarat News:  રાજ્યમાં 68 નગરપાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટાચૂંટણી માં 55 ટકા મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.  બપોર સુધી મતદાન મથકો ખાલી જોવા મળતાં રાજકીય પક્ષોએ દોડધામ મચાવી મૂકી હતી. રીતસરના લોકોને ગાડીઓમાં બેસાડી-બેસાડીને મતદાન કરવા લઈ જવાયા હતા. રાજકીય પક્ષોએ તેમના વિસ્તારોમાં મતદારોને બૂથ સુધી લાવવા માટે રીતસરની ગાડીઓ દોડાવી હતી. ચૂંટણીનું પરિણામ 18મીએ આવશે.

આ ચૂંટણીમાં પાંચ હજારથી વધારે ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયું છે. હવે 18મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે 2018માં યોજાયેલી 75 નગરપાલિકામાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં કુલ 19,84,730 પુરુષ મતદારો અને 19,01,410 સ્ત્રી મતદારો હતા. આમ કુલ 38.86 લાખ મતદારોએ ભાગ લીધો હતો. 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણપણે બિનહરીફ થયા છે. કુલ 1884 બેઠકો પૈકી 1,677 પર ચૂંટણી યોજાઈ છે. બોટાદ અને વાંકાનેર નપામાં મધ્યસત્ર ચૂંટણી યોજાશે. તેમા કુલ 72માંથી 23 બેઠક બિનહરીફ થઈ છે.

Live

5ઃ00 PM

નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું.

4ઃ20 PM સાણંદમાં મારામારી

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વોર્ડ નંબર છ ન્યૂ એરા હાઇસ્કૂલ બહાર ભાજપ અને કોંગ્રેસના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. આના પગલે જિલ્લા પોલીસ વડા, એલસીબી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. તેના લીધે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકર્તા સાણંદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરને માથા અને છાતીના ભાગે માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

3:40 PM પોલીસની ઉત્તમ કામગીરી

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી પોલીસે ચૂંટણીમાં ફરજની સાથે-સાથે સામાજિક સેવા પણ કરી હતી. પોલીસ જવાન પી.કે. ગોહિલે ચાલી ન શકતા વૃદ્ધાને ઉચકીને મતદાન મથકે પહોંચાડીને મતદાન કરાવ્યું હતું

3:08 PM પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયા
મહેમદાવાદમાં પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં મળતાં ફરિયાદ નોંધાઈ છે. સવેરા મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ફાઇવના મતદાનમથક પર પ્રિસાઇડિંગ ઓફિસર વિરેન્દ્ર સુખા બારેયા નશામાં ધૂત મળી આવ્યા હતા. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

02:30 PM મતદાન

જૂનાગઢ મનપામાં 1વાગ્યા સુધી 24.63 ટકા મતદાન નોંધાયું છે. વિસાવદરમાં 33.40 ટકા મતદાન થયું છે. વંથલીમાં મતદારોની લાંબી કતાર લાગી છે.  વંથલીમાં 1 વાગ્યા સુધી 38.74 ટકા મતદાન, બાંટવામાં1 વાગ્યા સુધી 32.42 ટકા મતદાન, માંગરોળમાં 36.92 ટકા મતદાન, માણાવદરમાં 32.78 ટકા મતદાન નોંધાયું છે.

02:30 PM મતદાન

રાજ્યની 66 નગરપાલિકામાં સરેરાશ 33.09 ટકા મતદાન થયું છે. ગાંધીનગર જીલ્લામાં 41.35 ટકા મતદાન નોંધાયું, વડોદરા જીલ્લામાં 40.51 ટકા મતદાન નોંધાયું, જૂનાગઢ જીલ્લામાં 36.22 ટકા મતદાન નોંધાયું, છોટા ઉદેપુર જીલ્લામાં 35.92 ટકા મતદાન, સાબરકાંઠા જીલ્લામાં 38.77 ટકા મતદાન નોંધાયું, આણંદ જીલ્લામાં 44.41 ટકા મતદાન નોંધાયું છે. જામનગર જીલ્લામાં 35.36 ટકા મતદાન નોંધાયું. બોટાદ જીલ્લામાં 35.97 ટકા મતદાન નોંધાયું,  મોરબી જીલ્લામાં 36.35 ટકા મતદાન નોંધાયું, સુરેન્દ્રનગર જીલ્લામાં 19.98 ટકા મતદાન નોંધાયું, પાટણ જીલ્લામાં 37.23 ટકા મતદાન નોંધાયું, મહેસાણા જીલ્લામાં 37.31 ટકા મતદાન નોંધાયું, દાહોદ જીલ્લામાં 40.39 ટકા મતદાન નોંધાયું, અમરેલી જીલ્લામાં 36.02 ટકા મતદાન નોંધાયું, અમદાવાદ જીલ્લામાં 30.21 ટકા મતદાન નોંધાયું, નવસારી જીલ્લામાં 32.36 ટકા મતદાન નોંધાયું, ભાવનગર જીલ્લામાં 33.53 ટકા મતદાન નોંધાયું, ખેડા જીલ્લામાં 35.95 ટકા મતદાન નોંધાયું, પોરબંદર જીલ્લામાં 32.72 ટકા મતદાન નોંધાયું, રાજકોટ જીલ્લામાં 28.63 ટકા મતદાન નોંધાયું, તાપી જીલ્લામાં 33.67 ટકા મતદાન નોંધાયું, કચ્છ જીલ્લામાં 26.41 ટકા મતદાન નોંધાયું, વલસાડ જીલ્લામાં 30.19 ટકા મતદાન નોંધાયું, પંચમહાલ જીલ્લામાં 31.25 ટકા મતદાન નોંધાયું, ગીર સોમનાથ જીલ્લામાં 31.99 ટકા મતદાન નોંધાયું, મહીસાગર જીલ્લામાં 30.42 ટકા મતદાન નોંધાયું, દ્વારકા જીલ્લામાં 26.58 ટકા મતદાન નોંધાયું છે.

02:00 PM સાણંદ

સાણંદ નગરપાલિકા ચૂંટણી લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 11 વાગ્યા સુધી 18.59 ટકા મતદાન નોંધાયું છે, સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 3માં 24.16ટકા મતદાન, સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 2 માં 18.04 ટકા મતદાન નોંધાયું છે.  સંસ્કાર વિદ્યાલયમાં મતદાન કરવા વરરાજા પહોંચ્યા છે. લગ્ન પહેલા મતદાન કરવાની ફરજ નિભાવી છે. મતદાન આપ્યા બાદ સીધા લગ્ન પ્રસંગે પહોંચ્યા હતા.

01:50 PM અમરેલી

અમરેલીમાં MLA હીરા સોલંકીએ પત્ની સાથે મતદાન કર્યું છે,  જાફરાબાદ શહેરમા ધારાસભ્યે વોર્ડ નંબર 6 માં આવેલ તાલુકા શાળામાં મતદાન કર્યું છે. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

12:59 AM પંચમહાલ

પંચમહાલના મોરવા હડફ, ચોપડા, બુઝર્ગ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સવારથી ક્યાંક નીરસતા તો ક્યાંક ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પેટા ચૂંટણીમાં AAP, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે ટક્કર થશે. પોતાના ઉમેદવારને જીતાડવા મતદારો ઉત્સાહભેર કરી રહ્યા છે મતદાન. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં સરેરાશ 12.3 ટકા મતદાન નોંધાયું છે.

12:51 AM દાહોદ

દાહોદ જીલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝાલોદ નગરપાલિકા મતદાન મથકો પર નીરસતા જોવા મળી છે. ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો સહિત AAP મેદાનમાં ઊભા છે.  સ્થાનિક સમસ્યાઓને લઈ મતદારોમાં જરાય ઉત્સાહ જોવા મળ્યો નથી. ઝાલોદ વોર્ડ-1 માં EVM મશીનમાં ખામી જોવા મળી હતી, અને તત્કાલ બદલવામાં આવ્યું છે. વિકલાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું છે.

ધાનપુરના પીપેરો ખાતે રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે મતદાન કર્યુ છે.  બૂથ મથકે રાજ્યમંત્રી દ્વારા પૂજા કરી બૂથને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે તમામ સીટો જીતવાનો દાવો કર્યો છે.  દેવગઢ બારીયાની પીપલોદ સીટ પહેલાથી જ બિનહરીફ થઈ છે.

12:47 AM ખેડા

ખેડાના ચકલાસી વોર્ડ નં-7માં EVM ખોટકાયાની ફરિયાદ કરાઈ છે. અપક્ષના બટનમાં ખામી આવતા તંત્રને રજૂઆત કરાઈ છે.  વોર્ડ નં-7ના અપક્ષના ઉમેદવારનું બટન દબાતું ન હોવાની રાવ. ચકલાસીના રઘુપુરા વોર્ડ નં-7માં ખામીનો કરાયો અપક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે. અધિકારીઓએ EVMમાં કોઈપણ ખામી ન હોવાનો દાવો કર્યો છે. અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

12:35 AM જૂનાગઢ

જૂનાગઢ મનપામાં 11 વાગ્યા સુધી 13.81 ટકા મતદાન નોંધાયું છે, વિસાવદરમાં 18.59 ટકા મતદાન, વંથલીમાં મતદારોની લાંબી કતાર લાગી છે. સવારે 11 વાગ્યા સુધી 23.82 ટકા મતદાન નોંધાયું છે. બાંટવામાં 11 વાગ્યા સુધી 18.95 ટકા મતદાન થયું છે.

જૂનાગઢમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ મતદાન કર્યું છે. તમામ લોકોને મતદાન કરવા રાજભા ગઢવીની અપીલ છે. મતદાન અધિકાર તો છે સાથે ફરજ પણ છે. જે મત ન આપે તેને મરી ગયેલા કહેવાય તેમ રાજભા ગઢવીએ મતદારોને અપીલ કરી છે તેમજ કહ્યું કે, જૂનાગઢને મજબૂત બનાવવા મતદાન કરવું.

12:35 AM ખેડા

ખેડાના કપડવંજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 26 બેઠકો માટે મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી છે. અલવા તાલુકા પંચાયત બેઠક ઉપર નવવધૂ મતદાન માટે પહોંચી છે.  21 વર્ષીય નવવધૂ ફેરા ફરતા પહેલા મતદાન કરવા પહોંચી છે.

તૃપ્તિબેન ઘનશ્યામભાઈ પટેલ નામની નવવધૂએ કર્યું મતદાન. અલવા તા.પં. બેઠકની ભૂંગડીયા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. જીલ્લાની 5 ન.પા. અને 2 તાલુકા પંચાયત માટે મતદાન કરાઈ રહ્યું છે. કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલાએ મતદાન કર્યું છે.

12:09 AM સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ના 2 નંબરના બૂથમાં મતદાન બંધ કરાયું છે. બૂથમાં રાજકીય પક્ષની સ્લીપ, અંદર પક્ષનો પ્રચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મળતા ચૂંટણી પંચના અધિકારીઓ દોડી આવ્યા છે. DIG ડો. ગિરીશ પંડ્યા બૂથોની મુલાકાતે પહોંચ્યા છે. ટોળા ભેગા ન થવા દેવા DIGએ પોલીસને સૂચના આપી છે. 100 મીટર અંદર ટોળા ભેગા ન કરવા સૂચના આપવામાં આવી છે. મતદાન સ્થળ સુધી પક્ષોની કાપલીઓ પહોંચી જતાં વાતાવરણ ગરમાયું હતુંં.

DYSP સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા છે તેમજ મતદાન દરમ્યાન પક્ષનો પ્રચાર કેટલો યોગ્ય તે સવાલ ઊભો થયો છે. સરેઆમ આચારસંહિતાનો ભંગ કરવામાં આવતા રાજકીય નેતાઓ પણ મતદાન બંધ થતા દોડી આવ્યા છે. પ્રિસાઈડિંગ અધિકારીને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે.

12:09 AM જામનગર

જામનગરમાં 3 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા, જામનગર ગ્રામ્યમાં 14-જામવંથલી બેઠકની પણ પેટા ચૂંટણી છે. ત્રણેય ન.પા. અને પેટા બેઠક સહિત કુલ 73,915 મતદારો મતદાન કરશે. ધ્રોલમાં 85, કાલાવડમાં 67, જામજોધપુરમાં 80 ઉમેદવારો મેદાનમાં ઊભા છે.  જામવંથલીમાં 2 સહિત કુલ જીલ્લામાં કુલ 234 ઉમેદવારો મેદાને છે.

67 સંવેદનશીલ મથકોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજા મતદાન મથકે પહોંચ્યા છે. પોતાના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી છે. અન્ય મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી છે.  દિવ્યેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું છે.

12:00 AM મહેસાણા

ખેરાલુ MLA સરદાર ચૌધરીએ મતદાન કર્યું છે. જિલ્લા પંચાયતની બેઠક મલેકપુરમાં મતદાન કર્યું છે. તેમના વતન ફતેહપુરામાં સરદાર ચૌધરીએ તેમના પત્ની સાથે મતદાન કરી મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ખેરાલુ નગરપાલિકાની 24 બેઠકો માટે મતદાન, ખેરાલુમાં વોર્ડ-1થી 6 માટે મતદાન યોજાયું છે.  પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 1,20,751 નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ખેરાલુ, વડનગર ન.પા. સહિત 26-મલેકપુર(ખે) જીલ્લા પંચયાત બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. ડભોડા, કુડા જુથ, મોલીપુર, કુકરવાડા, જોટાણા બેઠક પર મતદાન છે,  મરતોલી, અગોલ, નાનીકડી તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા છે. કુલ 127 મતદાન મથક અને 68 સ્થળોએ મતદાન છે.

11:55 AM જસદણ

જસદણ નગરપાલિકા ચૂંટણીમાં વરરાજાએ મતદાન કર્યું છે. વોર્ડ નંબર 3 અને 5માં વરરાજાએ મતદાન કર્યું છે. નગરપાલિકાની ચૂંટણી માટે સવારથી મતદારોની લાઈનો લાગી છે. દરેક મતદારોને મતદાન કરવા વરરાજાએ અપીલ કરી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન ચાલી રહ્યું છે.

11:47 AM જૂનાગઢ

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર પરિવાર સાથે મતદાન કર્યું છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા વોર્ડ નં-9ના ઉમેદવાર છે. પાર્થ કોટેચા પ્રથમ વખત જ ચૂંટણી લડી રહ્યા છે, તેમણે પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જૂનાગઢમાં પ્રથમ બે કલાકમાં મતદાનની ટકાવારી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં 4.49 ટકા મતદાન, વંથલી નગરપાલિકામાં 9 ટકા મતદાન, માણાવદર નગરપાલિકા 7.13 ટકા મતદાન, બાંટવા નગરપાલિકામાં 6.12 ટકા મતદાન,  વિસાવદર નગરપાલિકામાં 5.40 ટકા મતદાન, માંગરોળ નગરપાલિકામાં 6.21 ટકા મતદાન, ચોરવાડ નગરપાલિકામાં 11.85 ટકા મતદાન નોંધાયું છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટેધારાસભ્ય સંજય કોરડીયાએ મતદાન કર્યું છે. યમુના વાડી મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું છે. સંજય કોરડીયાએ ભાજપ 56 બેઠકો સાથે વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

11:47 AM ધોરાજી

ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મતદાન કર્યું છે. લલિત વસોયાએ એમના માતા અને પુત્રવધૂ સાથે મતદાન કર્યું છે.

વસોયાએ મતદાન કરી લોકોને પણ મતદાન કરવા  અપીલ કરી છે્. ધોરાજી પાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

11:45 AM આણંદ

આણંદ જિલ્લાની ત્રણ પાલિકાની આજે ચૂંટણી છે, આંકલાવ, ઓડ અને બોરીયાવી પાલિકાની ચૂંટણી, ઉમરેઠ પાલિકા અને ખંભાત તાલુકા પંચાયતની 1 બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. બોરીયાવીમાં 6 વોર્ડની 24 બેઠક પર 59 ઉમેદવાર મેદાને ઊભા છે.  ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ છેડાયો છે.  મતદારો અને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. આંકલાવ પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી છે. પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 78 ઉમેદવારો મેદાનમાં છે,  આંકલાવમાં 20 બુથ ઉપર મતદાન ચાલુ થઈ ગયું છે.  આંકલાવ, ઓડ અને બોરીયાવીમાં ચાલી રહ્યું છે મતદાન. સવારે 7 થી 9 દરમિયાન 8.86 ટકા મતદાન નોંધાયું છે.  બોરીયાવીમાં 7.73 ટકા મતદાન નોંધાયું, જ્યારે ઓડમાં 7.61 ટકા મતદાન નોંધાયું.

11:35 AM ખેડા

ખેડાના મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો છે. વોર્ડ-5ના મતદાન મથક-3માં ઘટના બની છે. પ્રિસાઈડીંગ ઓફિસર વીરેન્દ્રસિંહ બારીયા દારુ પીધેલી હાલતમાં મળી આવતા મતદારોમાં રોષ જોવા મળ્યો છે. નશામાં ચૂર પ્રિસાઇડીંગ ઓફિસર ખેડાની એક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડીંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યા છે.

11:22 AM બોટાદ

બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાન કર્યુ છે, વરરાજાએ પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે બૂથ પર પહોંચી વરરાજાએ મતદાન કર્યુ છે. બોટાદ વોર્ડ નંબર-8માં વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યુ છે. કિસાન મોરચા મહામંત્રી બાબુ જેબલીયાએ મતદાન કર્યું છે.  દરેક લોકોએ ફરજીયાત મતદાન કરવા અપીલ કરી છે.

11:22 AM વડોદરા

વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠક ઉપર કુલ 7,363 જેટલા મતદારો નોંધાયા છે. ભાજપ અને કોંગ્રેસના 2 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે. વહેલી સવારથી અત્યાર સુધીમાં 7.3 ટકાવારી સાથે મતદાન થયું છે.  સાંજે 6 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM સીલ થશે.

11:05 AM અમરેલી

અમરેલીના ચલાલા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. સુપ્રસિદ્ધ દાન મહારાજની જગ્યાના મહંત વલકુબાપુએ મતદાન કર્યુ છે. ચલાલા દાન મહારાજની પવિત્ર જગ્યા એ આસ્થાનું કેન્દ્ર છે. વલકુબાપુએ મતદાન બાદ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. ચલાલા શહેરમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રાજુલા, જાફરાબાદ, લાઠી, ચલાલા નગરપાલિકામાં મતદાન કરવા લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે. રાજુલાની 28 બેઠક, ચલાલાની 24 બેઠક માટે મતદાન શરુ થઈ ગયું છે. લાઠીની 24 બેઠક અને જાફરાબાદની 10 બેઠક માટે મતદાન છે, દામનગર નગરપાલિકાની 2 બેઠક માટે મતદાન છે. સાવરકુંડલા નગરપાલિકા 1 બેઠક માટે મતદાન છે.

11:00 AM ધંધુકા

ધંધુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાનનો આરંભ થઈ ગયો છે. લગ્ન પહેલા વરરાજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અજય જીંજુવાડિયાએ જાન જોડતા પહેલા મતદાન કર્યું છે. શહેરના વિવિધ 29 જેટલા બૂથો પર મતદાન શરુ થઈ ગયું છે.  વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

10:40 AM નવસારી

નવસારીમાં બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન છે, પાલિકાના 9 વોર્ડની 33 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. કુલ 36 બેઠકો પૈકી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.  24 મતદાન મથકોમાં 45 બૂથ ઉપર મતદાન છે,  270 પોલિંગ સ્ટાફ મતદાન કામગીરીમાં ફરજ પર છે, કુલ 93 ઉમેદવારો માટે 42,113 મતદારો મતદાન કરશે. બીલીમોરામાં સોળે શણગાર સાથે દુલ્હન મતદાન કરવા પહોંચી છે, લગ્નના શણગાર અને પીઠી સાથે દુલ્હન મતદાન મથકે પહોંચી છે. લગ્ન પહેલા દુલ્હને મતદાન કરી મતદાતા તરીકે નિભાવી ફરજ છે. વધુમાં વધુ મતદાન કરવા મતદારોને દુલ્હને સંદેશ આપ્યો છે.

10:40 AM સુરત

સુરતમાં SMCના વોર્ડ નંબર 18ની આજે પેટા ચૂંટણી છે, ચૂંટણી માટે તંત્રની તૈયારી વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે. પેટાચૂંટણી માટે 130 EVM મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વોર્ડમાં કુલ એક લાખ પાંચ હજાર મતદારો મતદાન કરશે. 34 મતદાન મથકો અને 43 બુથ પર આજે મતદાન છે. શહેર પોલીસ એલર્ટ મોડમાં, સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવાયો છે. BJPના ઉમેદવાર જીતુ કાછડ, AAP ઉમેદવાર સુરજ આહીર ઊભા છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી, AIMIMનો ઉમેદવાર વચ્ચે જંગ છેડાશે. પેટાચૂંટણી બે અપક્ષોના ઉમેદવારો પણ લડી રહ્યા છે ચૂંટણી. પેટા ચૂંટણીમાં કુલ 1,05,000 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ. 47268 મહિલા તેમજ 58643 પુરુષ મતદારોનો સમાવેશ કરાયો છે. મતદાન માટે આજે 130 EVM મશીનનો ઉપયોગ થશે. 610 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.

10:40 AM અમદાવાદ

આજે અમદાવાદમાં ઘાટલોડિયા વોર્ડમાં પેટાચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 78 મતદાન મથક પર 78948 મતદારો છે. 5 સંવેદનશીલ મથક છે, વોર્ડમાં 5 ઉમેદવારો મેદાનમાં ઊભા છે.

10:37 AM કચ્છ

કચ્છના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ભચાઉ પાલિકાના વોર્ડ નં. 1થી 3 અને વોર્ડ નં. 6 માટે મતદાન,  પાલિકાના વોર્ડ નંબર 4, 5, અને 7ની બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે. ભચાઉ નગરપાલિકામાં વહેલી સવારથી ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 7 બેઠક માટે મતદાન છે. કચ્છની 3 તાલુકા પંચાયત બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. માંડવીની દશરડી, મુન્દ્રાની ભુજપુર બેઠક, ભચાઉની લાકડીયા બેઠક માટે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે.  રાપર નગર પાલિકાની ચૂંટણી સૌથી રસપ્રદ રહેવાની સંભાવના છે.

10:35 AM તાપી

તાપીના સોનગઢ નગરપાલિકા ચૂંટણીને લઇ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મતદાતાઓ વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અહીં કાંટાની ટક્કર જોવા મળી છે. સુવ્યવસ્થા અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની શરૂઆત થઈ ગઈ છે.  8 વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપાની 5 બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે. આજે નગરપાલિકા 23 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

10:30 AM છોટા ઉદેપુર

છોટા ઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે આજે મતદાન છે, લોકશાહીના પાવન પર્વમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદાતાઓની કતારો લાગી છે. નગરજનો પોતાના નગરસેવકને ચૂંટી કાઢવા માટે મક્કમ છે. 22 માસ બાદ નગરપાલિકાને સુકાન સંભાળનાર મળશે. 99 ઉમેદવારોનું ભાવિ આજે EVM મશીનોમાં કેદ થશે. 7 રાજકીય પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ખરા-ખરીનો ખેલ જોવા મળ્યો છે.

10:20 AM જેતપુર

જેતપુર વોર્ડ નં-5 અને વોર્ડ નં-8માં EVM ખોટવાયું છે. જેતપુરના દેસાઈ વાડી વિસ્તારમાં EVMમાં ખામી સર્જાઈ છે. EVM મશીન ખોટવાતા મતદાન કરવા આવેલ મતદારો અટવાયા હતા. દેસાઈ વાડીની ચભાડીયા સ્કૂલમાં પણ EVM ખોટવાયું છે. EVM મશીન ખોટવાતા અહીં પણ મતદારોની લાઇન લાગી છે. પ્રિસાઈડિંગ ઓફિસર તાત્કાલિક સ્કૂલ ખાતે પહોંચ્યા છે.

10:15 AM સાબરકાંઠા

સાબરકાંઠામાં 3 નગરપાલિકાઓમાં આજે મતદાન છે.  મતદાન પૂર્વે રાજકીય પક્ષોના ફ્લેગ બેનર યથાવત જોવા મળ્યા છે. ખેડબ્રહ્મા વોર્ડ નં-2 માં ભાજપ કાર્યાલય પર ઝંડા જોવા મળ્યા છે. ફ્લેગ અને બેનર યથાવત રહેતા આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે.  ચૂંટણી પહેલા બેનર તેમજ ફ્લેગ દૂર કરવાના હોય છે. આચારસંહિતામાં મોટી ચૂક, સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મામલે વિપક્ષો ચૂંટણી પંચને ફરિયાદ કરશે તેવી ચર્ચા થઈ રહી છે. મતદાન પહેલા જ બેનર યથાવત રહેતા મતદારોમાં રોષ જોવા મળ્યો છે.

10:11 AM વલસાડ

વલસાડ જિલ્લામાં પાલિકાના વોર્ડ નં-2 નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડ નં-2 માં ભાજપને વોટ આપતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. બૂથની અંદર મોબાઈલ લઈ જઈ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

પારડી નગરપાલિકાની 28 બેઠકો પૈકી 27 બેઠકો પર મતદાન છે,  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં નીરસતા જોવા મળી છે. પારડી કન્યાશાળા મથક પર મતદારોની રાહ ચૂંટણીનો સ્ટાફ જોઈ રહ્યો છે. વહેલી સવારે ભારે ઠંડીના કારણે મતદારોમાં નિરસતા જોવા મળી છે.

10:07 AM ગીર સોમનાથ

ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકાની 15 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 ઉમેદવારો મેદાને ઊભા છે.  કોંગ્રેસના 15 ઉમેદવારો સામે ભાજપના 15 ઉમેદવારો છે, પાલિકા પૂર્વ પ્રમુખ શિવા સોલંકીએ પ્રથમ મતદાન કર્યું છે. તમામ મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

10:00 AM અમરેલી

અમરેલી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારની ગુલાબી ઠંડીમાં મતદારો મતદાન મથકે પહોંચ્યા છે. ચલાલા નગરપાલિકાની ચૂંટણી માટે સવારથી જ મતદાન માટે લાઈન લાગી છે. ચલાલા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન છે,  નગરપાલિકા કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છેડાયો છે.

09:55 AM ભાવનગર

ભાવનગરના વડવા-બ વોર્ડ નં-3ની એક બેઠક પર પેટા ચૂંટણી છે, લગ્નગ્રંથીથી જોડાય તે પહેલાં દુલ્હને ઉત્સાહભેર મતદાન કર્યું છે. પરિવાર સાથે દુલ્હન પરિતા બાબરીયા મતદાન કરવા પહોંચી હતી. મતદાન એ પવિત્ર ફરજ છે જેને પ્રધાન્ય આપતા દુલ્હને ફરજ બજાવી છે. લગ્ન મંડપમાં પહોંચતા પહેલા નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી છે.

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી 38 બુથ પર મતદાન મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.  મહાનગરપાલિકાની વોર્ડ નંબર-3ની પેટા ચૂંટણી માટે મતદાન છે, ભાજપ, કોંગ્રેસ, AAP સહિતના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છેડાયો છે.

09:42 AM દ્વારકા

દ્વારકાના જામ ખંભાળીયાની સલાયા ન.પા. ની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી ધીમીગતિએ મતદાન થઈ રહ્યું છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 30 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. 4 પક્ષના કુલ 98 ઉમેદવારો વચ્ચે આજે ખરાખરીનો જંગ છેડાશે. ઉમેદવારોને જીતાડવા મતદાતાઓ કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ. સવારના 9 વાગ્યા સુધીમાં 7.10 ટકા મતદાન નોંધાયું છે. સવારે EVM ખોટકાયું હતું, પરિણામે મતદાન ધીમું પડી ગયું હતું. સવારે 11 વાગ્યા સુધીમાં 20,09% મતદાન નોંધાયું છે.

09:37 AM પાટણ

પાટણના ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાની આજે સામાન્ય ચૂંટણી છે, સિદ્ધપુર નગરપાલિકાના 2 વોર્ડની આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, હારીજ, સમી અને સિદ્ધપુર તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓ છે. ત્રણેય નગરપાલિકાઓમાં કુલ 164 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. હારીજ નગરપાલિકાની 24 બેઠકો માટે 57 ઉમેદવારો મેદાને ઊભા છે. ચાણસ્મા નગરપાલિકાની 24 બેઠકો માટે 47 ઉમેદવારોનો જંગ છેડાશે. રાધનપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 60 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર-1 અને 7માં 4 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.

09:20 AM ખેડા

ખેડાની 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયત માટે મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ડાકોર, મહુધા, ચકલાસી, ખેડા અને મહેમદાવાદ નગરપાલિકા, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત માટે સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ધારાસભ્ય રાજેશ ઝાલા તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન કરશે. સવારે 9:30 વાગે ગોગજીપુરા પ્રા. શાળામાં MLA મતદાન કરશે. જિલ્લાના કુલ 547 મતદાન મથકો પર મતદાન શરૂ, થઈ ગયું છે. નગરપાલિકાના કુલ-34 વોર્ડની 136 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાશે. ભાજપ, કોંગ્રેસ, AAP સહિત કુલ 368 ઉમેદવારો મેદાનમાં ઊભા છે. 45 સંવેદનશીલ અને 35 અતિ સંવેદનશીલ મતદાન મથકો, કઠલાલ-કપડવંજ તાલુકા પંચાયત કુલ 50 સીટની સામાન્ય ચૂંટણી, મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 122 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. કઠલાલ-કપડવંજ તાલુકા પંચાયતની કુલ 50 સીટ પર 490 ઉમેદવારો મેદાનમાં ઊભા છે.

09:09 AM વલસાડ 

વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વલસાડ ન.પા. ના કુલ 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. અગાઉથી જ 7 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ છે. બાકી વધેલી 37 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વલસાડના 109 મતદાન મથકો પરથી 98, 467 મતદારો મત આપશે. કુલ 109 મતદાન મથકોમાં 21 મતદાન મથકો સંવેદનશીલ છે. પારડી નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે.  1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ, 27 બેઠક પર ચૂંટણી માટે મતદાન, 27 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી 58 ઉમેદવારો મેદાને છે. શહેરના 32 મથકો પર મતદાન, 12 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. શહેરના કુલ 24,149 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ધરમપુરની તમામ 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ સહિત કુલ 49 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા છે. મતદાન માટે 23 મતદાન મથકો, 5 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે વલસાડ પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો છે. 1 SP, 3 DYSP, 15 PI, 32 PSI અને 750 પોલીસ જવાનો ખડેપગે ઊભા છે.

08:45 AM ભરૂચ

ભરૂચના જંબુસર નગરપાલિકા વોર્ડ નં. 21ની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને AAP ઉમેદવારોનું મતદારો ભાવિ નક્કી કરશે. જંબુસર 4783 મતદારો માટે કુલ 4 બૂથમાં મતદાન શરૂ કરાયું છે. અનિચ્છનીય ઘટનાના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે પણ આજે મતદાન શરૂ, 29 ગામના 42 બુથો પર મતદાન પ્રકિયા શરૂ કરવામાં આવી છે. મતદાન મથકોમાં મતદારોની લાઇન જોવા મળી છે. આછોદ બેઠક પર કુલ 32,498 મતદારો કરશે મતદાન. MLA દેવકિશોર સ્વામીએ નાહિયેર ગામે મતદાન કર્યું છે. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

08:30 AM સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે, લીંબડી અને ધ્રાંગધ્રા પાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારે તમામ મતદાન મથકો ખાલીખમ જોવા મળ્યા છે. મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની 1-1 બેઠક માટે મતદાન થવાનું છે. ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી બેઠક, થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 વોર્ડ માટે 108 ઉમેદવારો મેદાને ઊભા છે.

08:00 AM જૂનાગઢ

જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, આજે વહેલી સવારે 7 વાગ્યે જ મતદારો મતદાન કરવા પહોંચ્યા છે, જૂનાગઢ મનપા અને 6 નગરપાલિકા માટે આજે મતદાન થવાનું છે. મનપાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ જાહેર, આજે મનપાની 52 બેઠકોના ઉમેદવારો માટે મતદાન થશે. મનપાની 52 બેઠકો માટે કુલ 165 ઉમેદવારો મેદાનમાં છે, 6 નગરપાલિકાની 143 બેઠકો માટે 378 ઉમેદવારો મેદાને ઊભા છે. વંથલીની 24 બેઠકો માટે 55 ઉમેદવારો ચૂંટણી લડશે. માણાવદરની 28 બેઠકો માટે 69 ઉમેદવારો મેદાનમાં છે, બાંટવાની 11 બેઠકો માટે 32 ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળશે. વિસાવદરની 24 બેઠકો માટે 71 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે, ચોરવાડની 24 બેઠકો માટે 50 ઉમેદવારો મેદાનમાં છે, માંગરોળની 32 બેઠકો માટે 101 ઉમેદવારો, 52 મનપા અને 6 ન.પા. માટે કુલ 400 EVM ફાળવાયા છે. મનપા માટે 1424 અને ન.પા. માટે 897 કર્મચારીઓ ફરજ પર રહેેશે.

મનપાના 251 અને ન.પા.ના 140 મતદાન મથકો પર આજે મતદાન છે, સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 2 ASP, 4 DySP, 70 PI+PSI, 900થી વધુ પોલીસ જવાનો ખડેપગે ઊભા છે. 700થી વધુ હોમગાર્ડ અને 2 SRP કંપની તૈનાત કરવામાં આવી છે. નેત્રમ શાખા દ્વારા CCTV કેમેરાથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડૂત આંદોલન વચ્ચે પંજાબની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ, કૉંગ્રેસનો જ્વલંત વિજય

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, 7036 ઉમેદવારો મેદાનમાં

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપે જૂનાગઢના ઉમેદવારની યાદી જાહેર કરી