મહારાષ્ટ્રમાં એન્ટિલિયા કેસનો ચકરાવો વ્યાપક થતો જાય છે. મુંબઈ પોલીસ પર આ પ્રકરણના છાંટા ઉડ્યાં છે. મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવી દેવાયેલાં પરમવીર સિંહ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. જેના કારણે હવે મહારાષ્ટ્ર સરકાર પર રાજકીય સંકટ પણ ઘેરાઈ રહ્યું છે.
- પરમવીરસિંહે પોતાની બદલી વિરુદ્ધ કરી અરજી
- સમગ્ર પ્રકરણની CBI તપાસની કરી માગ
- ગૃહમંત્રીના ઘરના CCTV ચકાસવા પણ માગ
મહારાષ્ટ્રમાં પહેલાં એન્ટિલિયા વિસ્ફોટક કેસ બાદમાં મનસુખ હિરેન હત્યા કેસ અને તે પછી સચીન વાઝેની NIAએ કરેલી ધરપકડને લીધે પહેલેથી જ મુંબઈ પોલીસ અને ગૃહમંત્રી અનિલ દેશમુખ દબાણમાં છે. તેવામાં હવે મુંબઈ પોલીસ કમિશનર પદેથી હાંકી કઢાયેલાં પરમવીરસિંહ પણ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી વધારી શકે છે. પરમવીરસિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. પરમવીર સિંહે સૌથી પહેલાં તો પોતાની બદલી વિરુદ્ધ અરજી કરી છે. બીજુ તેમણે સમગ્ર પ્રકરણની CBI તપાસની માગ કરી છે. જેમાં સૌથી ખાસ મુદ્દો છે તેમણે પોતે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર જે આરોપ લગાવ્યાં છે તેની તપાસ કરવાની. મહારાષ્ટ્રના ગૃહમંત્રી સચિન વાઝે પાસેથી દરમહિને 100 કરોડ માગતા હોવાનું તેમણે લેખિતમાં કહ્યું છે. આટલું ઓછું હોય તેમ તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરના CCTV ફૂટેજ ચકાસવાની પણ માગ કરી છે.
સંસદમાં પણ ઉઠ્યો મહારાષ્ટ્રનો મુદ્દો
ભાજપના સાંસદોએ સદનમાં કરી માગ
ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની માગ
ગૃહમંત્રી અનિલ દેશમુખે આરોપો ફગાવ્યાં
પાર્ટી પણ કરી રહી છે દેશમુખનું સમર્થન
મહારાષ્ટ્રનો મુદ્દો હવે છેક દિલ્હી સુધી પણ પહોંચી ગયો છે. સદનમાં આ મુદ્દાના પડઘા પડ્યાં. ભાજપના સાંસદોએ તો અનિલ દેશમુખના રાજીનામાની માગ પણ કરી છે. જો કે સૌથી મહત્વનો ટ્વીસ્ટ એ છે કે અનિલ દેશમુખે તમામ આરોપો ફગાવી દીધાં બાદ મહારાષ્ટ્ર સરકારનું સંગઠન અને ખુદ પાર્ટી પણ અનિલ દેશમુખનું સમર્થન કરી રહ્યાં છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અનિલ દેશમુખના રાજીનામાનો કોઈ મુદ્દો આવતો જ નથી. તેવામાં સવાલ એ છે કે આ આખે આખો ઘટનાક્રમ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને કેટલો ભારે પડશે?
