નવી દિલ્હી,
ભારતીય રેલ્વે દ્વારા સમયથી અનિયમિત રીતે ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે એક અભિયાન અંતર્ગત એવા કર્મચારીઓની યાદી તૈયાર કરાવી છે, જે અનિયમિત અને કામમાં બેદરકારી દાખવતા હોય. આ યાદીમાં કુલ વર્કફોર્સમાંથી ૧૩,૦૦૦ કર્મચારીઓ અયોગ્ય રીતે ગેરહાજર રહેતા સામે આવ્યા છે. આ તમામ અનિયમિત કર્મચારીઓને રેલ્વે વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી બાજુ આ નિર્ણયને લઇ રેલવે વિભાગમાં હડકમ્પ મચી જવા પામ્યો છે.
ભારતીય રેલવે વિભાગમાં કુલ ૧૩ લાખ કર્મચારીઓ છે જેમાંથી પ્રથમ તબક્કામાં ૧૩ હજાર એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે જેમના પર અનિયમિત્તાનો આરોપ છે. રેલવે વિભાગે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, લાંબા સમયથી યોગ્ય કારણ વિના ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે નિયમ અંતર્ગત અનુશાસન ભંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને તેઓેને નોકરીમાંથી છુટા કરવામાં આવી શકે છે. તેમજ આગામી સમયમાં અનિયમિત્તા બદલ અન્ય કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે, રેલવે વિભાગ તાજેતરમાં સ્ટાફની તીવ્ર અછતનો સામનો કરી રહ્યુ છે. તેમજ જે કર્મચારી છે તે પણ અનિયમિત્તા આચરતા હોવાનુ સામે આવી રહ્યુ છે, જેના કારણે રેલવેના કામકાજ પર અસર પડી રહી છે. કેટલાક કર્મચારીઓ બિનજરુરી દાદાગીરી કરીને પોતાનુ કામ કરતા નથી. તેમ છતાં તેમને નિયમિત સેલેરી મળે છે. જ્યારે પિયુષ ગોયલે રેલવે મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે સૌથી પહેલા માનવ સંશાધનનો ૧૦૦ ટકા ઉપયોગ કરવા પર ભાર આપ્યો હતો. આ નિર્ણયના ભાગરૂપે તેઓએ અનિયમિત અને કામમાં બેદરકારી દાખવતા કર્મચારીની યાદી તૈયાર કરાવી હતી જેમાં કુલ ૧૩ હજાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
