”સર્વ મંગલ માંગલ્યે.. શિવે સર્વાથ સાધિકે..!
શરણ્યે ત્ર્યંબકે ગૌરી..નારાયણિ નમોસ્તુતે !!”
આ સંસારમાં જ્યારે જ્યારે દૈવી સંપત્તિને કષ્ટ પડે છે અને આસુરી તત્વોનો ઉપદ્રવ લક્ષ્મણ રેખા ઓળંગે છે ત્યારે શિવ તત્વ પણ ત્યારે શક્તિને પ્રગટ થવાની પ્રાર્થના કરે છે. અને ત્યારે શક્તિ સ્વરૃપે માતા આ સંસારના અસુરોનો નાશ કરવા માટે પ્રગટ થાય છે. અને ચંડ-મૂંડ- રક્તબીજ જેવા રાક્ષસોનો માતા એકલા હાથે નાશ કરે છે.

આવા રાક્ષસોનો બ્રહ્મા- વિષ્ણુ અને મહેશ પણ નાશ નથી કરી શક્તા ત્યારે માત્ર અને માત્ર માતા શક્તિજ તેનો સત્યનાશ કરી નાખે છે.
આવા નવદૂર્ગાના નવસ્વરૃપોમાં માતાના સાતમા સ્વરૃપ મહાકાળીનું પ્રાગટય કેવી રીતે થયું તેની કથા સાંભળીને આપણે કૃત કૃત્ય થઈએ.
શિવનો દરબાર તો મોટો છે. ત્યાં તો ઋષિઓ,મુનિઓ, દેવો, ગાંધર્વો, બ્રાહ્મણો તથા ભક્તો ગમે તે સમયે ભગવાન ભીડભંજનનાં દર્શન કરવા આવી શકે છે અને પ્રભુના દર્શન માતા ઉમા સાથે કરીને પાવન થઈને સ્વસ્થાને જાય છે.
એક સમયે માતા પાર્વતિને સ્નાન કરવા જવું હતું. પરંતુ આ કૈલાસ ધામમાં તો ચોવીસે કલાક દ્વાર ખુલ્લા જ હોય છે તો માત્ર વિચાર કરે છે હવે મારે કરવું શું ? તેથી માતાએ પોતાના વામ ભાગ માથી શિવે આપેલા વરદાનથી એક પુત્ર ઉત્પન્ન કર્યો. તેનું ગણેશ એવુ નામ ધારણ કર્યું.
અને બાળક ગણેશપુત્રે કહ્યું બોલો માતા મારા માટે શું હુકમ છે. માતા પાર્વતિએ કહ્યું જો બેટા..! મારે સ્નાન કરવા જવું છે તેથી ઘરના દરવાજે તું બેસજે. આ લાકડી તને આપુ છું. તેના દ્વારા તૂં કોઈને ઘરમાં આવવા દેતો નહીં. હું બહાર ન આવું ત્યાં સુધી તું ચોકી કરજે. ભલે માતા.. ! જેવી આપની આજ્ઞાા.

અનાયાસે શિવ સમાધિમાંથી ઉઠીને પોતાના ઘરે આવે છે. ત્યારે પુત્ર ગણેશ લાકડીથી તેમને રોકે છે. શિવ કહે છે તૂં કોણ છે ? ગણેશ કહે છે તું કોણ છે ? હું શિવ છું. આ ઘરનો માલિક છું. મને અંદર જવા દે. ગણપતિ કોઈપણ હિસાબે ઘરમાં જતાં શિવને રોકે છે અને બન્નેનું યુધ્ધ થાય છે.
આ યુધ્ધ ઘણાં સમય સુધી ચાલ્યુ તેત્રીસ કોટી દેવો પણ આ યુધ્ધ થતું હતું આ અવાજ સાંભળીને પાર્વતિજી બહાર આવ્યા તે પહેલા તો શંકરે ગણેશનું મસ્તક ત્રિશુલથી અલગ કરી નાખ્યુ અને ગણપતિ હે..મા.. ! જોરથી ચીસ પાડી ઉઠયા. માતા એ જોયું કે મારો પુત્ર શિવ ના હાથે મરાયો અને આ દેવો ઉભા ઉભા જોવા માટે આવ્યા છે ! શિવ ગણો પણ જોઈ રહ્યા છે. અને માતા પાર્વતિ એ મહા ભયંકર મહાકાળીનું રૃપ ધારણ કર્યું.
ચારે હસ્તકમળમાં ભયંકર આયુધો ધારણ કરેલા છે. અને દેવોને ઋષિઓને શિવગણોને તમાસો જોવા આવેલા સર્વેને આડેધડ મારવા લાગ્યા. ચારેકોર હાહાકાર મચી ગયો. દેવો વિગેરે જીવ બચાવવા ચારે દિશામાં ભાગવા લાગ્યા. મહાકાળી સ્વરૃપે માતાનો ક્રોધ અતિશય છે.

વિશ્વ આખુ ખળભળવા લાગ્યું. પ્રચંડ ઉલ્કાપાત થવા લાગ્યો. ધરતી ડોલવા લાગી. માતા મહાકાળી વિશ્વનો વિનાશ કરી નાખશે તેવી સર્વને બીક લાગવા લાગી. પ્રચંડવેગથી ક્રોધિત માતા જ્યાં શિવ હતા ત્યાં આવી ચડયા. સતીનું ઉગ્ર સ્વરૃપ જોઈને શિવપણ ઢળી પડયા. અને માતાનો પગ શિવની છાતી ઉપર આવતા જ ભાન થયું કે આતો મારા સ્વામી છે તેથી ક્રોધાવેશમાં જીભ બહાર નીકળી ગઈ. અને શિવની ક્ષમા માંગી છે.

બ્રહ્મા અને વિષ્ણુ પણ આ ક્રોધ ને શાંત ન કરાવી શક્યા. તેથી ભગવાન શિવે માતાને સાંત્વના બક્ષી છે. હે સતિ.. ! તમે શાંત થાઓ.
તમારા પુત્રને હું સજીવન કરું છુ. અને ગણપતિ ને સજીવન કરીને સતીને તથા ગણપતિને અનેક વરદાનો આપ્યા છે. આ રીતે માતા પાર્વતિએ મહાકાળીનું સ્વરૃપ ધારણ કરીને પણ વિશ્વની રક્ષા કરી છે.
”સર્વ મંગલ માંગલ્યે.. શિવે સર્વાથ સાધિકે..!
શરણ્યે ત્ર્યંબકે ગૌરી..નારાયણિ નમોસ્તુતે !!”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
