રાજકીય/ નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશને લઈ કેમ વિલંબ કરી રહ્યા છે ?

શું નરેશ પટેલ ગુજરાતમાં કોંગ્રેસની સત્તામાં પાછા ફરવાની 27 વર્ષની રાહનો અંત લાવી શકશે? સામાજિક પ્રવૃત્તિઓના કારણે છેલ્લા બે દાયકામાં પાટીદારોના સૌથી મોટા સામાજિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. પરતું શું તે એક સારા રાજકીય નેતા બની શકશે,.. ?

Top Stories Gujarat Others
Untitled 22 1 નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશને લઈ કેમ વિલંબ કરી રહ્યા છે ?

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ છેલ્લા બે દાયકમાં તેમની સામાજિક પ્રવૃતિઓને કારણે એ મોટા ગજાના પાટીદાર નેતા તરીકે ઊભરી આવ્યા છે. અને આગામી વિધાનસભા ચુંટણીમાં તેઓ એક સશક્ત પાટીદાર નેતા તરીકે કોંગ્રેસ સાથે જોડાય તેવા સંકેતો મળી રહયા છે. જો કે તેમણે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.  છતાય નરેશ પટેલ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચાનું  કેન્દ્ર બન્યા છે.

શુક્રવારે દિલ્હી ગયેલા નરેશ પટેલ ને લઈ આખો દિવસ કોંગ્રેસમાં જોડાવા અને સોનિયા ગાંધી સાથે મુલાકાત ને લઈ અટકળો ચાલી હતી. જો કે દિલ્હીથી પરત આવી તેમણે આ બાબતે મૌન તોડ્યું હતું. અને જણાવ્યુ હતું કે હું સામાજિક પ્રસંગે દિલ્હી ગયો હતો. જો કે તેમણે જણાવ્યુ હતું કે દિલ્હીમાં તેઓ અનેક નેતાઓને મળ્યા હતા.

જેમાં પ્રશાંત કિશોર સાથે પણ તેમણે મુલાકાત કરી હોવાનું જણાવાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ સંભાવના છે, પરંતુ શું નરેશ પટેલ ગુજરાતમાં કોંગ્રેસની સત્તામાં પાછા ફરવાની 27 વર્ષની રાહનો અંત લાવી શકશે? 56 વર્ષીય નરેશ પટેલ તેમની સામાજિક પ્રવૃત્તિઓના કારણે છેલ્લા બે દાયકામાં પાટીદારોના સૌથી મોટા સામાજિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. પરતું શું તે એક સારા રાજકીય નેતા બની શકશે,.. ? નરેશ પટેલ ખોડલધામ મંદિર ટ્રસ્ટના વડા છે જેનું નામ લેઉઆ પટેલોની કુળદેવી ખોડલ માતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

નરેશ પટેલનું રાજકીય મહત્વ 

એક મોટા સામાજિક નેતાની ઓળખ સાથે નરેશ પટેલ એક સફળ બિઝનેસમેન પણ છે. એક પણ ચૂંટણી નહીં લડવા છતાય નરેશ પટેલ રાજકીય રીતે મહત્વની વ્યક્તિ ગણાય છે. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ તેમને આમંત્રણ આપ્યું હતું. તો ભાજપ પણ નરેશ પટેલ હરીફ છાવણીમાં ન જોડાય તે માટે  પ્રયાસ કરી રહી છે. નરેશ પટેલના કહેવા પ્રમાણે, તેઓ તેમની રાજકીય સફરની શરૂઆતને લઈને લોકોમાં એક સર્વે કરી રહ્યા છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, નરેશ પટેલ લાંબા સમયથી આમ આદમી પાર્ટીના સંપર્કમાં નથી અને તેઓ કોંગ્રેસમાં જોડાવાનું લગભગ નક્કી છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તેમને પોતાનો ચહેરો બનાવશે તે પણ નિશ્ચિત છે. આ સમગ્ર સ્ટ્રેટેજી ની સ્ક્રિપ્ટ પ્રશાંત કિશોર દ્વારા લખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલ પ્રશાંત કિશોર કોંગ્રેસના મંચ પર આવે તેની રાહ જોઈ રહ્યા છે અને તેમની ટીમ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે.

શું પીકે ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલે કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ શરૂઆતથી જ શરત મૂકી હતી કે ગુજરાતમાં પ્રચારની કમાન પીકે સંભાળશે. નરેશ પટેલને સામેલ કરવા માટે પહેલી એપ્રિલનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે પીકે પર મંથન કરવા માટે થોડો વધુ સમય લીધો હતો, જેના કારણે એક મહિનાનો વિલંબ થયો હતો. પ્રશાંત કિશોર આગામી દસ દિવસમાં કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. આ સાથે તેમનું મિશન ગુજરાત શરૂ થશે. સામાજિક નેતાની સાથે સાથે નરેશ પટેલ મધ્યમ ઇમેજ ધરાવે છે અને તેમનો પરિવાર ભૂતકાળમાં કોંગ્રેસની નજીક રહ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે નરેશ પટેલને કારણે સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં લગભગ 50-60 પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર તેને મોટો ફાયદો થશે. ગુજરાતની કુલ વસ્તીના લગભગ 13-14% પાટીદારો છે. લગભગ 30 થી 35 બેઠકો પાટીદાર બહુમતી વાળી ગણાય છે. આ ઉપરાંત સમાન સંખ્યામાં બેઠકો પર જીત અને હારમાં પાટીદાર મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. તો સાથે ગુજરાતની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પાટીદારો દ્વારા નિયંત્રિત છે.

ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજની ભૂમિકા

ઓક્ટોબર 2001માં કેશુભાઈ પટેલને બદલીને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પાટીદાર સમાજમાંથી આવેલા આનંદીબેન પટેલને ગુજરાતની કમાન સોંપી હતી, પરંતુ લગભગ એક વર્ષ બાદ શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને કારણે આનંદીબેન પટેલને ખુરશી છોડવી પડી હતી. વિજય રૂપાણી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા, પરંતુ રાજકીય વાતાવરણને જોતા ભાજપ નેતૃત્વએ ગયા વર્ષે ફરી એક વાર પાટીદાર ચહેરાને ભૂપેન્દ્ર પટેલના રૂપમાં મુખ્યમંત્રી તરીકે ગોઠવ દીધા છે. અને એટ્લે જ જો નરેશ પટેલ રાજકારણમાં આવે  છે તો મજબૂત પાટીદાર નેતા તરીકે ઊભરી શકે છે.

આ વખતે કોંગ્રેસની રણનીતિ શું છે?

છેલ્લી ચાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 35% થી 40% વોટ મળ્યા છે. સત્તાની બહાર રહીને પણ કોંગ્રેસને ગુજરાતમાં OBCના એક વર્ગ, મુખ્યત્વે અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતીઓના મતો મળતા રહ્યા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 41% વોટ મળ્યા હતા. આ વખતે કોંગ્રેસની વ્યૂહરચના, તેના પરંપરાગત વોટને એક સાથે રાખીને, પાટીદારોને એકત્ર કરવાની અને 2017ના વોટમાં 7-8% વધારો કરવાની છે અને ગતવિધાનસભા ચુંટણીના પરિણામમાં સુધારો કરી સત્તાધીસ થવાની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે નરેશ પટેલને લઈને આંતરિક સર્વે હાથ ધર્યો છે, જેમાં તે આ સપનું અમુક અંશે સાકાર કરતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ વખતે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના પડકારનો સામનો કરી રહી છે, જેના કારણે તેને સત્તા વિરોધી મત વિભાજીત થવાનો ખતરો છે.

ગુજરાતમાં કોંગ્રેસની સમગ્ર જવાબદારી પીકેની રણનીતિ અને નરેશ પટેલના ચહેરા પર છે. સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે, દરેક સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ 1 મેના રોજ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે. તેની આસપાસનું ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. જો બધુ બરાબર રહ્યું તો 10 થી 20 મેની વચ્ચે નરેશ પટેલ તેમની રાજકીય ઇનિંગ શરૂ કરશે. ત્યાર બાદ તેમની ખરી કસોટી શરૂ થશે.