Gujarat News: અમદાવાદમાં ફ્લાઇટ 171 ટેક ઓફ થયા પછી તરત ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં આંખી ઉડીને વળગે તેવી વાત એવી હતી કે ફક્ત અમદાવાદ જ નહીં આખા દેશમાં ક્યાંય પણ કોઈપણ પ્રકારનો પ્લેન ક્રેશ પ્રોટોકોલ જ નથી.
આ પ્રકારના પ્રોટોકોલના અભાવે પરિસ્થિતિ એવી આવે છે કે જ્યારે પણ પ્લેન તૂટી પડે ત્યારે સ્થાનિકો મદદ માટે દોડી જતાં હોય છે તેના પછી તેઓ એમ્બ્યુલન્સને બોલાવે છે અને પોલીસને બોલાવે છે, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાય છે, પરંતુ સ્થાનિકોને દુર્ઘટનાના વ્યાપની ખબર ન હોવાથી માંડ એક કે બે એમ્બ્યુલન્સ આવી હોય છે. એક કે બે ફાયર બ્રિગેડવાળા આવ્યા હોય છે. આ સંજોગોમાં પ્લેનમાં સંભવતઃ મુસાફરોની બચાવની સંભાવના એકદમ ઓછી થઈ જાય છે.

પ્લેન તૂટી પડે પછી એક-એક સેકન્ડ કિંમતી હોય છે. આ સમયે જો પ્લેન ક્રેશ પ્રોટોકોલ અમલી બનાવવામાં આવે તો ઘણાના જીવ બચાવી શકાય છે. તેની સાથે લોકોના જીવ બચાવવા ઉતરેલા સ્થાનિકોની મદદ કરી શકાય છે. ઘણા લોકોનું કહેવું છે કે અમદાવાદમાં પણ પ્લેન ક્રેશ પછી પણ અમુક લોકો જીવતા રહ્યા હતા. જો તેઓને સમયસર મદદ પૂરી પાડી શકાઈ હોત તો તે કદાચ જીવી શકયા હોત.
આ બાબતને ધ્યાનમા રાખીને જો પ્લેન ક્રેશ પ્રોટોકોલનું આખા દેશમાં અમલી બનાવવામાં આવે તો ભવિષ્યમાં પણ ન કરે ને નારાયણ આવી કોઈ દુર્ઘટના સર્જાય તો વિમાની મુસાફરોના અને તે ક્રેશ થયું હોય તે સ્થળની આજુબાજુના લોકોને પણ બચાવી શકાય. અમદાવાદમાં પ્લેન ક્રેશની બનેલી દુર્ઘટના ફક્ત અમદાવાદ જ નહીં આખા દેશમાં કોઈપણ સ્થળ માટે પ્લેન ક્રેશની દુર્ઘટના માટેનો બોધપાઠ છે, જો તેમાથી શીખવામાં નહીં આવે તો અમૂલ્ય માનવજીવનને બચાવવાના છૂટાછવાયા પ્રયાસોથી જોઈએ તેવા પરિણામ નહીં મળે.
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા
