અમેરિકામાં ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓના હોટલ કે સ્ટોરમાં હુમલાના બનાવો વધી રહ્યા છે. આવા હુમલો કરનારા મોટા ભાગે અશ્વેતો જ હોય છે અને લૂંટના ઇરાદે આવી ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટનામાં ગુજરાતી પટેલ દંપતી પર ફાયરિંગની ઘટના લગભગ એક સપ્તાહ પહેલા બની હતી જેમાં ઇજાગ્રસ્ત પત્નીનું હોસ્પિટલમાં મોત થયું છે જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચી છે. જો કે આ ઘટના લૂંટના ઇરાદે થઇ નથી.
આ હિચકારી ઘટના અમેરિકાના એલ્કટોનના મેરીલેન્ડ ખાતેના મોટેલમાં બની છે. અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયેલ છે અને મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. પતિ દિલીપ અને પત્ની ઉષા 5મી માર્ચને શુક્રવારે પોતાની હોટલ પર હતા ત્યારે હત્યારો હકીમ ઇવાન પોતાના મિત્રોને લઇને મોટલના રૂમમાં રોકાયો હતો.
કોરોના (Coronavirus) મહામારીના કારણે અમેરિકામાં એક રૂમમાં એક જ વ્યક્તિને રહેવાની છૂટ છે. હકીમ ઇવાન પોતાના બંને મિત્રો સાથે રહેવાની જીદ કરી રહ્યો હતો. દિલીપભાઇની પત્ની ઉષાબેને ઇન્ટરકોમ પર વાત કરીને ઇવાનને રિસેપ્શન પર બોલાવ્યો તો તેણે ઉષાબેન સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ હત્યારાએ રિવોલ્વર વડે ઉષાબેનના પેટમાં ગોળી મારી હતી. ગોળી વાગ્યા બાદ ઉષાબેન પતિને ખેંચીને કિચન તરફ લઇ ગયા હતા. દિલીપભાઇના ભરથાણાના મિત્ર મોહનભાઇ છીમકાભાઇ જે હાલ અમેરિકા (America) માં છે તેમણે કહ્યું કે જો ઉષાબેને દિલીપભાઇને રસોડા તરફ ખેંચ્યા ન હોત તો તેમની પણ હત્યા થઇ ચૂકી હોત. જો કે હત્યારો ઇવાન આટલેથી જ ન અટકતા દિલીપભાઇને રુમમાં જઇને ગોળી મારી હતી જે તેમના કમરના ભાગે વાગીને આરપાર નીકળી ગઇ હતી.
ફાયરિંગની ઘટનાની જાણ થતાં સુરતમાં રહેતા દિલીપભાઇના પરિવારજનો અને સંબંધીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દંપતીના પરિવારમાં બે સંતાનો છે જેમાંથી મોટો દીકરો પણ હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે.
