આસો સુદ એકમ ગુરુવાર તા. 07-10-2021થી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેની નવરાત્રિની શુભ શરૂઆત થશે, આ વખતે આ ઉત્સવ 8 દિવસનો રહેશે અને 14 ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે. આ નોરતાંને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવાં જોઈએ. નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે એ વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક આવે છે. ગુરુવાર અને શુક્રવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોય તો માતા ડોલીમાં બેસીને આવે છે.
ધાન્યની કરવામાં આવે છે વાવણી

આ તહેવારની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટ સ્થાપના કરવામાં આવે છે. ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખી મૂકે છે. નવા વર્ષે બીજા નવા જવારા મૂકીને પછી જ જૂના જવારા વિસર્જિત કરે છે. નવરાત્રિના પહેલા દિવસે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. આ સ્થાપન માટે લાલ રંગનાં કપડાંનો પ્રયોગ કરો. માતાજીની સ્થાપના વખતે કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવામાં આવે છે. માતાજીના સ્થાપનમાં અખંડ દીપક પ્રજ્વલિત કરો. એના માટે ઘીનો દીવો પ્રગટાવો અને ધ્યાન રાખો કે અંતિમ દિવસ સુધી એ દીવો બુઝાય નહીં. ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે.
સૌપ્રથમ જમીનને શુદ્ધ કરવા માટે ગૌમૂત્ર અને ગંગાજળ છાટવું. ત્યાર પછી બાજોઠ ઉપર લાલ રેશમી વસ્ત્ર બિછાવી તાંબાનો ગરબો, માટીનો ગરબો, માતાજીની મૂર્તિ અથવા છબિની સ્થાપના કરવી, ત્યાર પછી એને શુદ્ધ જળથી સ્નાન કરાવી ચંદન અથવા કંકુનો ચાંદલો કરી ગરબાને સાથિયો કરી, ફૂલનો હાર ચઢાવવો. ઘીનો દીવો અને અગરબત્તીનો અથવા ગૂગળનો ધૂપ કરવો. માતાજીને નૈવેદ્ય સ્વરૂપે સાકર મિશ્રિત દૂધ અને ફળ ધરવાં. ચંડીપાઠનું વાંચન કરવું. આ ઉપરાંત માતાજીની સ્તુતિ, મંત્ર બોલવા. માતાજીની આરતી કરવી અને પછી પ્રસાદ સૌને વહેંચવો.
તિથિનો ક્ષય હોવાથી એક નોરતું ઓછું

ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે નવ નોરતાંની જગ્યાએ આઠ નોરતાં છે. ચોથ તિથિનો ક્ષય હોવાથી એક નોરતું ઓછું છે. આસો સુદ ત્રીજ તા. 09-10-2021 સવારે 07.50 સુધી રહેશે, પછી ચોથ શરૂ થાય છે. ચોથ તિથિ તા. 10-10-2021ની વહેલી સવારે: 04.58 સુધી છે. ઉદયકાળમાં ચોથ તિથિ ન રહેવાથી તિથિનો ક્ષય છે. “વિકૃતિના નાશ માટેની શક્તિ અમને પ્રાપ્ત થાઓ,” એવી પ્રાર્થના કરી રાસ-ગરબા કરવા.
પ્રથમ દિવસનું સ્વરૂપે મા દુર્ગાનું ઓરથમ સ્વરૂપ “શૈલપુત્રી” તરીકે ઓળખાય છે. નવ સ્વરૂપમાં પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી તેઓ “ શૈલપુત્રી” તરીકે ઓળખાય છે. પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને ‘મૂલાધાર ચક્ર’ માં સ્થિર કરે છે. સાધનાનો આરંભ અહીંથી થાય છે. માતા પાર્વતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કર્યું અને પછી પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ ધારણ કર્યો અને એટલે એનું નામ ‘શૈલપુત્રી’ તરીકે ખ્યાત થયું. તેમનું વાહન વૃષભ(બળદ) છે. દેવાધિદેવ ભગવાન શિવ તેમના પતિ છે.
