સંસદના શિયાળુ સત્રમાં IPC અને CRPCને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. 4 ડિસેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે. આ સત્ર 22મી સુધી ચાલશે. શિયાળુ સત્ર શરૂ થવાના પહેલાના એક દિવસ અગાઉ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકમાં શિયાળુ સત્ર અંગે ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આ વખતે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને 2જી ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
શિયાળુ સત્રમાં ભારતીય ન્યાય સંહિતા સહિત ત્રણ મહત્વપૂર્ણ બિલ પણ રજૂ કરવામાં આવશે. આ બિલ IPC, CrPC અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. આ ત્રણેય બિલોને ગૃહ મામલાની સંસદીય સમિતિએ પહેલા જ મંજૂરી આપી દીધી છે. આ સિવાય મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક માટેનું બિલ પણ સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ બિલ સામે વિરોધ નોંધાવ્યો છે.
હાલમાં દેશમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા સહિત મિઝોરમ એમ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આ તમામ વિધાનસભાની ચૂંટણીના પરિણામો 3જી ડિસેમ્બરના રોજ આવશે. આ પરિણામોનો પડઘો સંસદમાં પણ જોવા મળી શકે છે. 4 ડિસેમ્બરથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ સત્રમાં ભારતીય બંધારણને લગત મહત્વના નિર્ણયો થઈ શકે. સરકાર આ સત્રમાં ઘણા મહત્વના બિલ પાસ કરાવવાનો પણ પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં જો ચૂંટણી પરિણામો તેમના પક્ષમાં આવશે તો તેમને વધુ સત્તા મળશે. અને જો ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે તો સંસદના સમીકરણો પણ બદલાઈ શકે છે.
શિયાળુ સત્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર જોવા મળી શકે. સાથે આ સત્રમાં કેશ ફોર ક્વેરી મામલે મહુઆ મોઇત્રા વિવાદ પર હંગામો થઈ શકે છે. મહુઆ મોઇત્રા પર રોકડ અને ભેટોના બદલામાં સંસદમાં ગૌતમ અદાણી વિશે પ્રશ્નો પૂછવાનો આરોપ હતો . આ આરોપોની એથિક્સ કમિટીએ તપાસ કરી હતી અને રિપોર્ટ તૈયાર કર્યો છે. જેને હવે સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરશે. કેશ ફોર કવેરીમાં મહુઆ મોઈત્રા પરના આરોપો સાબિત થતા સંસદમાંથી હકાલપટ્ટી થઈ શકે છે.
