કુવૈત,
દુનિયાભરમાં બાળકો માટે જીવલેણ સાબિત થયેલ ઓનલાઈન ગેમ બ્લુ વ્હેલ ફરી એકવાર સક્રિય થઈ છે. આ વખતે આ બ્લુ વ્હેલ ગેમે સાઉદી અરબમાં બે લોકોનો જીવ લીધો છે. સાઉદીમાં ખતરનાક બ્લુ વ્હેલ ગેમ ના કારણે બે બાળકોના આપઘાત બાદ ત્યાંની સરકારે 47 ગેમ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ અંગેની જાણ સાઉદી અરબના ઓડિયો-વીડિયો કમિશનરે આપી છે.

કમિશન મુજબ બ્લુ વ્હેલ ગેમના કારણે બે બાળકોએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ પ્રકારની સુસાઈડ માટે ઉશ્કેરનારી ગેમો પર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. બ્લુવ્હેલ ગેમ પર પહેલા ભારત, બાંગ્લાદેશ, સાઉદી અરેબીયા સહિત અનેક દેશોમાં પ્રતિબંધ મુકાયો હતો. સાઉદી અરબના ઓડિયો-વીડિયો કમિશન મુજબ બ્લુવ્હેલ ગેમમાં મળનારા ટાસ્ક ને પુરો કરવા 12 વર્ષના છોકરા અને 13 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી હતી.

આ ગેમ રમનારા ખેલાડીઓને ખૂદને નુકશાન પહોંચાડવાના ટાસ્ક આપવામાં આવે છે અને છેલ્લા ટાસ્કમાં ખેલાડીને સુસાઈડ કરવાનુ કહેવામાં આવે છે. સાઉદી માં ડેડપુલ, ક્લેશ ઓફ ટાઈટન, ડેવીન થર્ડ, ડ્રેગન એઈડ, ગોડ ઓફ વોરની ત્રણ સીરીઝ, ગ્રાન્ડ થેફ્ટ ઓટો, માફિયા-2, લાઈફ ઈઝ સ્ટ્રેઈન્જ, હેવી રેઈન સહિત 47 ગેમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, 12 વર્ષના બાળકના સુસાઈડના સમાચાર થોડા દિવસ અગાઉ સામે આવ્યા હતા. ત્યારબાદ ફરી સાઉદીની અલ અરેબીયા વેબસાઈટે બાળકના મોતના સમાચાર ચલાવ્યા હતા. જેમાં બ્લુ વ્હેલ ગેમને મોતનુ કારણ ગણાવાયુ હતું.
