અમેરિકાએ ભારતની ઇરાનથી ક્રૂડ આયાત પર લગાવેલો પ્રતિબંધ ચાબહાર બંદર પરિયોજના પર લાગું નહી પડે જે ભારત માટે રાહતના સમાચાર છે. સોમવારે અમેરિકાએ ભારત અને ચીન સહિતના 8 દેશો પર ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગે ઇરાન પરના પ્રતિબંધો ચાબહાર બંદર પરિયોજના પર લાગુ નહીં થાય તેવી જાણકારી આપી હતી. આ પોર્ટને ભારત અને ઇરાને સંયુક્ત રીતે નિર્માણ કર્યું છે.
ઓમાનની ખીણમાં નિર્મિત થનારા આ પોર્ટમાં ભારતની ભૂમિકાને અમેરિકા માન્યતા આપી રહ્યું છે તે અહીંયા સ્પષ્ટ થાય છે. બીજી તરફ અમેરિકાનું આ પ્રતિબંધોથી ઇરાન પ્રત્યેનું અક્કડ વલણ સ્પષ્ટ થાય છે અને છૂટ આપવામાં પણ અમેરિકા સખ્તાઇ કરી રહ્યું છે.
ચાબહાર પોર્ટના વિકાસને દિશા મળે તે ઉદ્દેશ સાથે આ પ્રતિબંધોમાં ભારતને છૂટ અપાઇ છે. એ સાથે જ રેલવે નિર્માણ મારફતે સામાન અફઘાનિસ્તાન પહોંચી શકે તે પણ મહત્વપૂર્ણ ઉદ્દેશ છે.
ભારત દ્વારા ઇરાનના ચાબહાર બંદરનું નિર્માણકાર્ય ભારતનું પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને મ્હાત આપવાનું લક્ષ્ય તરીકે જોઇ શકાય છે. તેનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને તગડો ઝટકો લાગવા ઉપરાંત પાકિસ્તાને તેના ઉત્પાદોના વેચાણ માટેનું મોટું બજાર પણ ગુમાવ્યું છે.
