- પક્ષને ઉમેદવારો મળ્યા પણ નિરીક્ષકો અને સ્ટાર પ્રચારકો દૂર ભાગે છે
- આર્થિક કટોકટી પક્ષને ઘેરી છે
- ફંડ પુરતુ મળ્યું નથી
- કેરળ, આસામ સિવાય કોઈ સ્થળ કોંગ્રેસનો પ્રચાર જાનદાર નથી
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
૧૩૮ કરોડની વસતિ ધરાવતા ભારત દેશની સૌથી જૂની પાર્ટી ગણાતી કોંગ્રેસની વર્તમાન હાલત દયાજનક છે. એક જમાનામાં ચૂંટણીમાં જીતવાની જેની આદત હતી તે પક્ષ માટે હમણાં પરાજય સિવાય બીજું કશું ભાગે આવતું નથી. ભલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ૭૦૦ ઉમેદવારોએ ટિકિટ માગી તેનાથી ગુજરાત કોંગ્રેસના આગેવાનો ગૌરવ અનુભવતા હોય પરંતુ દેશના અન્ય પાંચ રાજ્યો કે જ્યાં આસામને બાદ કરતા બાકીના કોઈ સ્થળે કોંગ્રેસ અન્ય પક્ષોના જૂનિયર પાર્ટનર જેવી હાલત ધરાવે છે. આસામમાં પણ ૧૨૬ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ ૭૦ ટકા બેઠકો જ લડે છે પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો પૈકી માત્ર ૯૨ બેઠકો જ કોંગ્રેસ લડે છે. જ્યારે તમિલનાડુમાં તો ડીએમકેના નાનાભાઈ તરીકે તે પક્ષે જેટલી બેઠકો ફાળવી તેટલી લડીને સંતોષ માનવો પડ્યો છે જ્યારે પોંડીચેરીમાં કોંગ્રેસ ચૂંટણી પહેલા સત્તા છોડી દેવી પડી છે અને તેનાજ પક્ષના છ સભ્યો ભાજપની ટિકિટ પર અને ૧૬ પૂર્વ કોંગ્રેસીઓ અલગ પક્ષ બનાવીને ચૂંટણી લડે છે. હવે આ પાંચ રાજ્યોની ધારાસભાઓમાં પણ કોંગ્રેસની તાકાત ઓછી જ છે ભલે પશ્ચિમ બંગાળ કેરળ અને આસામમાં કોંગ્રેસ મુખ્ય વિરોધપક્ષે છે. પોંડીચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લદાયુ (બહુમતી ગુમાવે તે પહેલા) ત્યાં સુધી કોંગ્રેસ સત્તાસ્થાને હતી બસ આટલો જ સંતોષ માનવાનો છે.

પહેલા એક યા બીજા રાજ્યોમાં કોંગ્રેસને ચૂંટણી લડવા માટે ફંડ ઉભુ કરવા કોઈ મહેનત કરવી પડતી નહોતી. ૨૦૧૪ બાદ કોંગ્રેસની એવી ખરાબ હાલત છે કે તેને સભ્યો પાસે ફંડ ઉભુ કરવા હાથ લાંબ કરવો પડે છે. થોડા સમય પહેલા ૨૦૧૯ની સાલમાં કોંગ્રેસે ૧૪૦ કરોડ રૂપિયાનું ફંડ ઉભુ કર્યું હોવાના આંકડા પ્રસિધ્ધ થયા તેમાં સૌથી વધુ ફંડરૂપી ડોનેશન તેના નારાજ મનાતા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપીલ સિબ્બલે રૂપિયા ૧૪૦ કરોડનું આપ્યું હતું. દિલ્હીમાં નવા કોંગ્રેસ ભવનનું કામ ફંડના અભાવે અટકી પડ્યું છે. પહેલા મોતીલાલ વોરા અને ત્યારબાદ અહમદ પટેલના નિધન બાદ કોંગ્રેસ માટે અસરકારક રીતે ફંડ ઉભુ કરી શકે તેવો નેતા રહ્યો નથી.

કોંગ્રેસ પાસે લોકસભામાં ૫૨ રાજ્ય સભામાં ૫૦થી વધુ સભ્યો છે અને જે રાજ્યોમાં તેમની સત્તા છે અને જે રાજ્યોમાં મુખ્ય વિપક્ષ તરીકે છે ત્યાંના ધારાસભ્યો અને આગેવાનો પાસેથી ફંડ ઉઘરાવવું પડે છે. મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસને ફંડના ફાંફા છે. ફંડ રેઈઝર કે ફંડ મેનેજર ગણાતા આગેવાનો કોંગ્રેસ પાસે હાલ છે નહિ. જો કે આ અંગે કોંગ્રેસના કેટલાક આગેવાનો એમ પણ કહે છે કે વર્તમાન સરકારે ઈડી આવકવેરા ખાતાનો દુરૂપયોગ કર્યો અને દરોડાઓ અને ખોટા કેસોનો જે દોર શરૂ કર્યો છે તેના કારણે આગેવાનો આઘા ભાગે છે કોંગ્રેસની વિચારધારામાં માનતા અને તમામ પક્ષોને ફંડ અપાવનાર સમૃધ્ધ ઉદ્યોગપતિઓ કોંગ્રેસને ફંડ આપતા અચકાય છે. તે પણ એક હકિકત છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી.

હવે તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી વખતે પક્ષના નિરીક્ષકો તરીકે કામ કરવા કેટલાક આગેવાનોએ સામેથી ના પાડી દીધી હતી. કારણ કે નિરીક્ષકોને પક્ષના ઉમેદવારો માટે ફંડ ઉભુ કરવાની અને ફાળવણી માટેની જવાબદારી છેલ્લા થોડા સમયથી સોંપવામાં આવે છે. આના કારણે નિરીક્ષકો તરીકે આગેવાનો દૂર ભાગે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કેરળની અને છત્તીસગઢ ના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ આસામ વિધાનસભાની ચૂંટણીમાં જવાબદારી સંભાળે છે તે ગાંધી પરિવારના આ વિશ્વાસુ નેતાઓ છે અને બન્ને રાજ્યોમાં કોંગ્રેસની સત્તા છે માટે આ જવાબદારી વહન કરે છે આ ચૂંટણી તો એપ્રિલના અંતમાં પૂર્ણ થશે પરંતુ ૨૦૨૨ના પ્રારંભ કાળમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ ગોવા અને મણિપુરની ચૂંટણી આવી રહી છે. આમાં પંજાબ સિવાય બાકીના કોઈ રાજ્યમાં કોંગ્રેસની સત્તા નથી. આ માટે અત્યારથી જ નિરીક્ષકો શોધવા માટે કોંગ્રેસને કવાયત કરવી પડે તેવી હાલત છે અને અશોક ગેહલોત અને ભૂપેશ બધેલ સિવાય બીજા ક્યા આગેવાન જે તે રાજ્યોમાં પ્રચારની જવાબદારી સંભાળે છે તે જોવાનું રહે છે.

જે પાંચ રાજ્યોની ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે અને તેમાં અસરકારક વક્તા ગણાતા જી-૨૩ના ઘણા આગેવાનોની બાદબાકી કરી જે યાદી જાહેર કરી છે તેમાં અપવાદરૂપ નેતાઓને બાદ કરતા બાકીના કોઈ નેતા પ્રચારમાં ઉતર્યા જ નથી તે પણ હકિકત છે. કારણ ગમે તે હોય પણ આ વખતે એક યા બીજા રાજ્યોમાં કોંગ્રેસને પ્રચાર માટે સ્થાનિક સ્ટાર પ્રચારકોથી ચલાવી લેવું પડ્યું છે. શ્રીમતી સોનિયા ગાંધી (કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષ) દ્વારા ભાગ્યે જ એકાદ રાજ્યમાં રેલી સંબોધવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રીયંકા ગાંધીએ તમિલનાડુ કેરળ પોંડીચેરી અને આસામમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો છે જાે કે ગાંધી પરિવાર અને તેના સ્ટાર પ્રચારકોએ વધુ જોર આસામ અને કેરળ પર આપ્યું છે તમિલનાડુમાં રાહુલ ગાંધીએ વધુ રેલીઓ કરી છે.

જ્યારે મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમુલ કોંગ્રેસ એટલે કે ટીએમસીને પછાડવા માટે ભાજપે પોતાની તમામ તાકાત કામે લગાડી છે અને ૨૨ કેન્દ્રીય પ્રધાનો અને ૧૦૦ સાંસદોનો કાફલો કામે લગાડ્યો છે તે રાજ્યમાં એપ્રિલ માસના પ્રારંભ સુધી ગાંધી પરિવારના એકપણ સભ્ય કોંગ્રેસના પ્રચારમાં ગયા નથી ૨૦૧૬ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. ડાબેરીઓ સાથે ગઠબંધન કરી ડાબેરીઓ કરતાં વધુ બેઠકો પણ મેળવી હતી. આ વખતે પણ ડાબેરીઓ કોંગ્રેસ અને ત્યાંના નવરચિત શાસકપક્ષે ગઠબંધન કર્યું છે તેમાં ડાબેરીઓ ૧૬૨ અને કોંગ્રેસ ૯૨ બેઠકો પર ચૂંટણી લડે છે. જો કે કોંગ્રેસ જે બેઠક લડે છે તે બેઠક પર ચોથા તબક્કા બાદ મતદાન છે તેથી કોંગ્રેસના મોવડીઓ પ્રચારમાં આવ્યા નથી.
તેવો દાવો પશ્ચિમ બંગાળ કોંગ્રેસના મુખ્ય પ્રચારક અને લોકસભાના કોંગ્રેસના નેતા સુધીર રંજન ચૌધરી કરે છે હવે કેટલાક કોંગ્રેસી નેતાઓ એમ પણ કહે છે કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને (મમતા દીદીના પક્ષને) મળનારા મતો અકબંધ રહે અને વિપક્ષી મતોમાં ગાબડુ ન પડે તે માટે કોંગ્રેસે પોતે લડે છે તે ૯૨ પૈકીની સૌથી વધુ બેઠકો પર જ કોંગ્રેસની તાકાત કામે લગાડી છે. ટુંકમાં કોંગ્રેસ આ રીતે આડકતરી રીતે ટીએમસીને મદદ કરી રહી છે તેવું પણ ઘણા નિરીક્ષકો કહે છે. જો કે સ્થાનિક નેતાઓને ટીએમસીની ટીકા કરવાની અને પ્રહારો કરવાની છુટ અપાઈ છે. તેવું કહેવાય છે ટૂંકમાં આ વખતે પ્રચારમાં કોંગ્રેસે આસામ અને કેરળ એ બે જ રાજ્યો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
