Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના એક ગામમાં 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક સનસનીખેજ વિગતો બહાર આવી છે. પ્રાથમિક તપાસ મુજબ મૃતક યુવક પર એક પરિણીતાનો ન્હાતો વીડિયો બનાવી તેને બ્લેકમેઇલ કરવાનો અને તેના આધારે વારંવાર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનો આરોપ છે. પોલીસે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના કલોલના ગ્રામ્યમાં કોલેજ કરતા વિદ્યાર્થીની હત્યા (Murder)
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક હાર્દિક આરોપી દંપતીના ઘરની નજીક રહેતો હતો. આશરે દોઢથી બે મહિના પહેલાં તેણે મહિલાનો ખાનગી વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ વીડિયો જાહેર કરવાની ધમકી આપી મહિલાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે વીડિયો વાયરલ કરવાની ધમકીના કારણે મહિલા ડરી ગઈ હતી અને તેના પર સતત શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું.
તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે મૃતક યુવક મહિલાને ફોન પર સતત સંપર્ક કરતો હતો અને બ્લેકમેઇલિંગ (Blackmail)નો સિલસિલો ચાલુ રાખ્યો હતો. આખરે મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પતિને કરી હતી. આ વાત સામે આવતા દંપતી વચ્ચે ભારે વિવાદ થયો હતો. ત્યારબાદ બંનેએ યુવક સામે કડક પગલું ભરવાનો નિર્ણય કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પૂર્વ આયોજન સાથે યુવકને ઘરે બોલાવ્યો
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી દંપતીએ અગાઉથી યોજના બનાવી હતી. મહિલા આરોપીએ 11 જુલાઈની સવારે હાર્દિકને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. પતિ કામ પર જતો હોવાનું નાટક કરીને ઘરેથી નીકળી ગયો હતો, જેથી યુવકને કોઈ શંકા ન જાય. હાર્દિક ઘરે પહોંચ્યા બાદ પતિ ગુપ્ત રીતે ફરી ઘરે આવ્યો હતો.
દુપટ્ટા અને કેબલ વડે ગળું દબાવ્યાનો આરોપ
પ્રાથમિક તપાસ મુજબ, યુવક ઘરમાં પહોંચ્યા બાદ મહિલા સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે પતિ અચાનક ઘરમાં પ્રવેશ્યો હતો. તેણે હાર્દિકને જમીન પર પાડી તેની છાતી પર બેસી ગયો, જ્યારે મહિલાએ તેના બંને હાથ મજબૂતીથી પકડી રાખ્યા હતા. ત્યારબાદ દુપટ્ટા વડે ગળું દબાવવામાં આવ્યું હતું. યુવક બેભાન થઈ ગયા બાદ પણ પંખાના કેબલ વડે ફરી ગળું દબાવવામાં આવ્યું હોવાનો આરોપ છે.
મૃતદેહને કોથળામાં ભરીને ફરાર
હત્યા બાદ બંને આરોપીઓએ મૃતદેહ (Dead body)ને પ્લાસ્ટિકના સફેદ કોથળામાં ભરી દીધો હતો. ત્યારબાદ ઘરને તાળું મારી તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોતાના બાળકોને તેમના સગા પાસે મૂકી અન્યત્ર ભાગવાની તૈયારી પણ કરી હતી. જોકે, ઘટનાની જાણ ગામના સરપંચ અને અન્ય લોકો સુધી પહોંચતા સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો હતો.
પરિવારજનોએ શરૂ કરી શોધખોળ
બીજી તરફ મૃતકના પરિવારજનોએ સવારે હાર્દિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ બંધ આવતો હતો. યુવકનું એક્ટિવા ઘર પાસે જ મળ્યું હતું, જ્યારે તેનો કોઈ પત્તો લાગતો ન હતો. પરિવારજનોએ અનેક જગ્યાએ શોધખોળ કરી, પરંતુ સફળતા મળી નહોતી. બાદમાં ગામના એક વ્યક્તિએ મૃતકના પિતાને આરોપીના ઘરે બોલાવ્યા હતા, જ્યાં યુવકનો મૃતદેહ કોથળામાં મળ્યો હોવાનું જાણવા મળ્યું.
પોસ્ટમોર્ટમમાં ગળું દબાવી હત્યાની પુષ્ટિ
મૃતક હાર્દિક માણસા સ્થિત એસ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે સાથે માણસા કોર્ટમાં પોતાના પિતરાઈ ભાઈ સાથે પણ જતો હતો. કલોલ તાલુકા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ યુવકનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
પોલીસને તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે જે મોબાઇલમાં કથિત વીડિયો હતો તે મોબાઇલ આરોપી પતિએ તોડી રસ્તામાં ફેંકી દીધો હોવાની આશંકા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન મોબાઇલ શોધી કાઢવા અને તેમાં રહેલા ડિજિટલ પુરાવા મેળવવાના પ્રયાસો કરશે. પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. આરોપી દંપતીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછના આધારે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: મહેસાણાના ઊંઝામાં ચોંકાવનારી ઘટના: ઉછીના પૈસાની ઉઘરાણીના બહાને મહિલાને બ્લેકમેઇલ કરવાનો આરોપ
આ પણ વાંચો: કલોલના પિયજ કેનાલમાં માતા-પુત્રી અને દોઢ વર્ષની બાળકીના મૃતદેહ મળતા ચકચાર
