Surat News : સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત વીડિયો અને નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ (Kirti Patel)ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે સોશિયલ મીડિયા મારફતે બદનક્ષી, ધમકી અને અપમાનજનક સામગ્રી પ્રસારિત કરવાના આરોપસર ગુનો નોંધાયો છે.
ફરિયાદ ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે નોંધાવી છે. ફરિયાદ મુજબ, બંને આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા.
પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલનો હોબાળો

ફરિયાદ નોંધાયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ (Kirti Patel)પુણા પોલીસ સ્ટેશન બહાર ઉગ્ર ભાષામાં બોલતી અને ખુલ્લેઆમ પડકાર ફેંકતી જોવા મળી હતી. તેણે પોતાના વિરુદ્ધના કેસોને ખોટા ગણાવી ફરિયાદી રાજુ ભમ્મરને સામે આવવાની ચીમકી આપી હતી. સાથે જ પોતાના પર થયેલી બદનક્ષી બદલ કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
ફરિયાદમાં શું છે આરોપ?

ફરિયાદ મુજબ રાજુ ભમ્મર અગાઉ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા (Naina Baraiya)સાથે આશરે 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. સંબંધ સમાપ્ત થયા બાદ નયના બારૈયાની ઉશ્કેરણીથી કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર રાજુ ભમ્મર અને તેમના પરિવાર વિરુદ્ધ ખોટા અને બદનક્ષીકારક વીડિયો તથા રીલ્સ પોસ્ટ કરવાનો કાવતરું રચ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીનો આક્ષેપ છે કે 5 જૂન, 2026ના રોજ કીર્તિ પટેલે (Kirti Patel)વ્હોટ્સએપ કોલ કરીને રાજુ ભમ્મર તથા તેમના પરિવાર અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ધમકીભરી ((Threat))ભાષાનો ઉપયોગ કર્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને રીલ્સથી બદનક્ષીનો આરોપ
ફરિયાદ અનુસાર, કીર્તિ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અનેક વીડિયો અને રીલ્સ પોસ્ટ કરીને રાજુ ભમ્મરની પત્ની, પરિવાર અને અંગત જીવન અંગે ગંભીર અને અપમાનજનક આક્ષેપો કર્યા હતા. આ વીડિયો જાહેર પ્લેટફોર્મ પર વાયરલ થતાં પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સાથે જ આરોપ છે કે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા (Naina Baraiya)એ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને સમગ્ર ઘટનામાં સહભાગી બની હતી.
કઈ કલમો હેઠળ નોંધાયો ગુનો?
પુણા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની સંબંધિત કલમો તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. મોરીને સોંપવામાં આવી છે.
પોલીસ હવે સોશિયલ મીડિયા પોસ્ટ, વીડિયો, કોલ રેકોર્ડ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદો અને ગુનાઓને લઈને ચર્ચામાં રહી ચૂકી છે.
