Ahmedabad News/ કાંકરિયા કાર્નિવલમાં માનવ મહેરામણ: 1 લાખથી વધુ લોકો ભેગા થતાં તમામ ગેટ બંધ

કાંકરિયા કાર્નિવલ (kankaria carnival)–2025ના ત્રીજા દિવસે શનિવારે રેકોર્ડબ્રેક ભીડ ઉમટી પડી હતી

Ahmedabad Gujarat
કોલકો

Ahmedabad News : અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ (kankaria carnival)–2025ના ત્રીજા દિવસે શનિવારે રેકોર્ડબ્રેક ભીડ ઉમટી પડી હતી. રાત્રે 9.15 વાગ્યાની આસપાસ કાંકરિયા પરિસરમાં 80 હજારથી 1 લાખથી વધુ લોકો એકત્ર થતા સુરક્ષા અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી તાત્કાલિક તમામ સાત એન્ટ્રી ગેટ બંધ કરવામાં આવ્યા હતા. હાલ કોઈપણ નાગરિકને પ્રવેશ આપવામાં આવતો નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાકંરિયા કાર્નિવલ (kankaria carnival)નું આયોજન કરવામાં આવ્યું છે. વીકએન્ડ અને આવતીકાલે રજા હોવાના કારણે શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે કાંકરિયા પહોંચ્યા હતા. પરિણામે પરિસરમાં અચાનક ભીડ વધી જતાં, કોઈપણ પ્રકારની ભાગદોડ કે દુર્ઘટના ન બને તે માટે અગાઉથી તૈયાર કરાયેલી ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી.

લાઈવ મોનિટરિંગથી લેવાયો ઝડપી નિર્ણય
કાંકરિયાના તમામ સાત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાની મદદથી કેટલા લોકો પ્રવેશ્યા અને કેટલા લોકો બહાર નીકળ્યા તેની રિયલ-ટાઈમ ગણતરી થાય છે. લાઈવ ડેટા આધારે ભીડ 80 હજારથી 1 લાખની આસપાસ પહોંચતા જ ગેટ બંધ કરવાની સૂચના આપવામાં આવે છે. શનિવારે રાત્રે ભીડ વધતાં આ જ પ્રક્રિયા અનુસાર તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હતા.

ગેટ બંધ થતાં કાંકરિયા બહાર પણ મોટી સંખ્યામાં લોકો લાઈનમાં ઊભા જોવા મળ્યા. જોકે, સુરક્ષાને પ્રાથમિકતા આપીને પરિસરમાંથી મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા બાદ જ ફરી પ્રવેશ શરૂ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપૂર ત્રીજો દિવસ
કાંકરિયા કાર્નિવલ (kankaria carnival)ના ત્રીજા દિવસે પુષ્પકુંજ ગેટ નંબર–1 ખાતે ગુજરાતી લોકપ્રિય ગાયક પાર્થ ઓઝાએ પોતાના સુરીલા ગીતોથી હાજર જનતાને ઝૂમાવી દીધી હતી. દર વર્ષે જેમ, આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ (kankaria carnival) અમદાવાદીઓ માટે વિશેષ આકર્ષણ બન્યું છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પ્રથમ વખત અદ્યતન ટેકનોલોજી આધારિત ક્રાઉડ મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી આનંદોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

ચોથા દિવસે આરોગ્ય, સંસ્કૃતિ અને મનોરંજનનો સંગમ
કાંકરિયા કાર્નિવલ (kankaria carnival)–2025ના ચોથા દિવસે આરોગ્ય, સંસ્કૃતિ અને મનોરંજનને સમર્પિત વિવિધ કાર્યક્રમો યોજાશે. દિવસની શરૂઆત ‘ઓમ થર્ડ આઈ યોગા સ્ટુડિયો’ દ્વારા આયોજિત યોગા અને મેડિટેશનથી થશે. ત્યારબાદ કલ્પના પાનીકર અને તેમની ટીમ દ્વારા આકર્ષક પિરામિડ શો તથા ઉર્જાભર્યું ઝુંબા સેશન યોજાશે.

બપોરે 3 થી 4 દરમિયાન નીલ પટેલ દ્વારા કરાટે અને સેલ્ફ ડિફેન્સનું પ્રદર્શન થશે, જ્યારે બાળકો માટે સિંગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધાઓ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં પ્રિયંકા અને તેમના ગ્રુપ દ્વારા પરંપરાગત તલવાર રાસ રજૂ કરવામાં આવશે. સાંજે દીવાન બલ્લુભાઈ સ્કૂલના રંગારંગ ડાન્સ પર્ફોર્મન્સ બાદ લોકપ્રિય લોકગાયિકા ગીતાબેન રબારીના સૂરો સાથે ચોથા દિવસનું ભવ્ય સમાપન થશે.

કાંકરિયા કાર્નિવલ (kankaria carnival) પર CCTV અને ડ્રોનથી કડક નજર

CCTV અને ડ્રોનથી કડક નજર
કાંકરિયાના સાત ગેટ સહિત કુલ 34 સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ તમામનું લાઈવ ફીડ કાંકરિયા ખાતેના પોલીસ કંટ્રોલ રૂમ તેમજ પાલડી કમાન્ડ કંટ્રોલ સેન્ટર સુધી પહોંચે છે. ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ રાખવામાં આવી રહી છે. એસ્ટેટ વિભાગની ટીમ દરેક ગેટ પર તૈનાત છે, જેથી જરૂર પડે ત્યારે તાત્કાલિક નિર્ણય લઈ શકાય.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, ટેકનોલોજીના સહારે ભીડ નિયંત્રણથી કાર્નિવલ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને આનંદદાયક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે શનિવારે લેવામાં આવેલા ઝડપી નિર્ણયથી સ્પષ્ટ થાય છે.