અમદાવાદ,
દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે રાજ્યના પોલિસ અધિકારીઓની જવાબદારી પણ વધી છે.દિવાળીના તહેવારો દરમિયાન કોઇ અણછાજતો બનાવ ના બને તે માટે અમદાવાદના પોલિસ કમિશનરે સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.શહેરમાં કાકરિયા તળાવ,લાલ દરવાજા કે હિમાલયા મોલ જેવા શોપીંગ માર્ટ્સ પર પોલિસની બાજ નજર રહેશે.
એક પોલિસ અધિકારીના જણાવ્યા પ્રમાણે દિવાળીના તહેવારોમાં ચોરીઓનું પ્રમાણ વધતું હોય છે,દુકાનોના તાળા તુટવા કે ચેઇન સ્નેચિંગ થવાના બનાવો સામે આવે છે.આવા સમયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે તહેવારોના દિવસોમાં શહેરની સોસાયટીઓ અને દુકાનોમાં જે સીસીટીવી ચાલતા નથી તેને ચાલુ કરાશે.સોસાયટીઓમાં પ્રવેશતા અજાણ્યા લોકો પર પણ નજર રાખવામાં આવશે.જે પરિવારો વેકેશનમાં બહાર ગયા હોય અને તેમનું મકાન બંધ હાલતમાં હોય તો આવા ઘરો પર પણ ખાસ નજર રાખવામાં આવશે.
દિવાળીના તહેવારોમા સામાન્ય રીતે આંગડિયા અને જ્વેલર્સને ટાર્ગેટ રાખીને લુંટ-ચોરીઓ થતી હોય છે.અમદાવાદમાં જ્વેલર્સ અને આંગડિયા પેઢીઓની સલામતી માટે પણ ખાસ પગલાં લેવામાં આવશે.આવી દુકાનો અને શોપની આસપાસ પોલિસની ખાસ નજર રહેશે.
તહેવારોમાં મહિલાની છેડતી થતી હોવાનો કેસો પણ વધતા રહે છે.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે જાહેર સ્થળોએ મહિલા પોલિસને ખાસ તૈનાત કરવામાં આવશે.
