ગુજરાતના પ્રવાસે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે દેવનગર ખાતે નિર્માણ પામનાર મીની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત સહિત અનેક વિકાસકાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ગૃહયોજના હેઠળ નિર્માણ પામેલા ૪૬૫ આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા ૧૫૭૩ આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. આવાસોના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમણૂંક પામેલ ૧૦૨ સહાયક ફાયરમેનને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.

કેદ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાને અર્પણ કરતા જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ ખેલ મહાકુંભની યાત્રા આજે દેશમાં ખેલો ઇન્ડિયા થકી આગળ વધી છે. જેના દ્વારા અનેક ખેલાડીઓ તેમના શરીર અને મનને મજબૂત કરી રહ્યા છે. જીતવાનું ઝનૂન અને હારમાં નિરાશ નહિ થવાના સંસ્કાર પણ ખેલકૂદથી મળી રહ્યા છે.

અમિત શાહે ઉમેર્યું કે, અમદાવાદમાં અનેક રમત સંકુલ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાની વ્યવસ્થા થઈ છે જેના પગલે ખેલાડીઓ પાંચ કિલોમીટરની અંદર આ સુવિધાનો લાભ લઈ પોતાની પ્રતિભાને ઉજાગર કરી રહ્યા છે. તેમણે જગ્યાના સદઉપયોગ માટે અમદાવાદ શહેરને અભિનંદન આપતા જણાવ્યું કે શહેરમાં ઓવરબ્રિજની નીચે નાના ખેલ સંકુલો, પુસ્તકાલય, ઓપન જિમ, યોગ સંકુલો બનાવી અનેક શહેરોને અમદાવાદ પ્રેરણા આપી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ ઉભી થઈ છે. કોમનવેલ્થ 2030ની યજમાની અમદાવાદને મળી છે, સાથે 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને 13 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે 2036 ઓલમ્પિક માટે અમદાવાદ તૈયાર થઈ રહ્યું છે.

1500કરોડથી વધુ વિકાસના કામો માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત સરકારનો આભાર માનતા અમિત શાહે કહ્યું કે આ કામો વિકાસના બજેટમાં ઉમેરાવાના છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે.

નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે, દેશને મહાન બનાવવના સંકલ્પ સાથે સરકાર કામ કરી રહી છે ત્યારે નેતા અને નિતી વગરનાઓને દેશની જનતા કોઇ પણ ખૂણામાં સ્થાન આપી નથી રહી જે સરકાર પ્રત્યે જનતાની વિશ્વસનીયતા બતાવે છે.

અયોધ્યા રામ મંદિર અંગે જણાવ્યું કે 2019 ભૂમિપૂજન, 2024 પ્રાણ પ્રતિષ્ઠા અને 2025 ધ્વજ લહેરાવવાનું ગૌરવપૂર્ણ કાર્ય દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં થયું છે. સીતા માતાના જન્મસ્થળે ભૂમિપૂજન કરીને આ યાત્રાને આગળ ધપાવવામાં આવી રહી છે. દેશમાં સુરક્ષા, અર્થતંત્ર, માળખાકીય સુવિધાઓ, સિંચાઇ, અનાજ ઉત્પાદન, એમએસપી ખરીદી જેવા અનેક ક્ષેત્રે ભારતની પ્રતિષ્ઠા વિશ્વમાં વધી રહી છે.

ગુજરાતના વિકાસ માઇલસ્ટોન વિશે અમિત શાહે જણાવ્યું કે રિન્યુએબલ એનર્જી, ધોલેરા ગ્રીનફિલ્ડ સિટી, સુરત-ચેન્નઈ હાઈવે, ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન, નમો રેપિડ રેલ—આ બધું ગુજરાતના ઝડપી વિકાસના પુરાવા છે. ગાંધીનગરને હરિયાળો લોકસભા બનાવવા તેમણે 05 થી 50 વૃક્ષો વાવવાની અપીલ કરી. સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ દેશસેવા કરતા જવાનોના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમિત શાહે ગાંધીનગર લોકસભામાં સતત વિકાસ કાર્યોની ભેટ આપી છે. પાછલા વર્ષોમાં ₹૨૨૫૫૧ કરોડના વિકાસ કામો થયા છે. આવાસ, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રસ્તા, પાણી જેવી સુવિધાઓમાં વધારો થયો છે. શહેરી વિકાસમાં ઇઝ ઓફ લિવિંગ માટે લેક ડેવલપમેન્ટ, બગીચા, લાઈબ્રેરી, રમત ગમત સંકુલ ઉભા થયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 13 લાખથી વધુ આવાસો બન્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમિત શાહે હંમેશા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. ૨૮ લાખ વૃક્ષારોપણ, તળાવોના પુનઃનિર્માણ, ઓક્સિજન પાર્કઆ બધું પર્યાવરણને અનુરૂપ ઇકોસિસ્ટમ ઉભું કરી રહ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળવાથી અમદાવાદમાં વિકાસ ગતિ વધશે અને શહેર દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે. મેયર પ્રતિભાબેન જૈને કાર્યક્રમમાં સૌનું સ્વાગત કર્યું અને અમદાવાદને ક્લિનૅસ્ટ સિટીનું માન તથા કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે આભાર વ્યક્ત કર્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થલતેજ ખાતે 881 EWS આવાસો–તુલસી રેસિડન્સીનું નામાભિધાન તથા લોકાર્પણ કર્યું. સાઉથ બોપલમાં ઈલેક્ટોથર્મ ગાર્ડન, સરખેજ સરોવર, વસ્ત્રાપુર તળાવ, મેમનનગર ઓપન પાર્ટી પ્લોટ, નટના છાપરા ખાતે ૩૫૦ આવાસો, ગોતા ખાતે મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ—આ બધું લોકાર્પણ/ખાતમુહૂર્ત હેઠળ આવ્યું. આ પ્રસંગે અનેક મંત્રીગણ, સંસદસદસ્યો, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: અમિત શાહના હસ્તે આગથળા ખાતે “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ”નું ભવ્ય લોકાર્પણ કરાયું
આ પણ વાંચો: ગુજરાતમાં અર્થ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શરૂઆત
આ પણ વાંચો: અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવશે
