Bhuj News : ભૂજમાં બોરવેલમાં ફસાયેલા એક યુવકનો મૃતદેહ અંતે નવ કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. મૂળ ઝારખંડના આ યુવકને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ભૂજમાં આ બનાવ ગઈ કાલે સાંજે બન્યો હતો.
રૂસ્તમ શેખ નામનો ઝારખંડનો આ યુવક ભુજમાં કુકમા ખાતે આશાપુરા ટેકરી પાસે ગોપાલભાઈની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. બીજીતરફ કૌટુંબિક ઝઘડાથી કંટાળીને તેણે અહીંના એક બોરવેલમાં પડતું મુક્યું હતું. અંદાજે એક ફૂટ પહોળાઈના આ બોરવેલમાં 150 ફૂટના ઉંડાણમાં આ યુવક ફસાઈ ગયો હતો. આ બનાવ અંગે જાણ થતા ફાયરબ્રિગેડ તથા વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. બાદમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગત સાંજથી વહેલી સવાર સુધી યુવકને સલામત રીતે બહાર કાઢવા માટે સતત કામગીરી ચાલી હોવાનું ભુજ ફાયર વિભાગના ફાયરમેન કમલેશ મતિયાએ જણાવ્યું હતું. અંદાજે નવ કલાક સુધી બચાવ કામહીરી ચાલી હતી. જેમાં આર્મીના જવાનો, સ્થાનિક બોરવેલ બનાવતા યુવકો અને ફાયર ટીમના 15 સભ્યો જોડાયા હતા. બોરવેલની અંદર પાઇપલાઈન મારફતે સતત ઓક્સિજન પૂરો પાડીને ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. તે સિવાય સ્થિતી પર નજર રાખવા માટે કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી.
કેવી રીતે યુવકને બોરવેલ માંથી બહાર કઢાયો?
યુવકને સલામત બહાર કાઢવામાં રાત સુધી સફળતા મળી ન હતી. બાદમાં દેશી પધ્ધતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગરગડી મારફતે લોખંડના હુક સાથે દોરડુ બાંધીને બોરવેલમાં ઉતારવામાં આવ્યું હતું. બાદમાં યુવકના કપડામાં હૂક ભરાવીને તેને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક 108 મારફતે યુવકને ભુજની જે.કે.જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ
યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો., એમ પધ્ધર પોલીસે જણાવ્યું હતું. હાલ તેના પોસ્ટમોર્ટમ સહિતની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ બનાવે જાન્યુઆરીમાં એટલેકે 11 મહિના પહેલા ‘કચ્છની ઈન્દિરા’ સાથે બનેલી ઘટનાની યાદ અપાવી હતી. જેમાં 6 અને 7 જાન્યુઆરી 2025ના રોજ 540 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી 18 વર્ષની યુવતીનું 32 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. જોકે, અંતે તેનો મૃતદેહ જ બહાર આવ્યો હતો.

