આજે શરદ પૂનમનો પવિત્ર દિવસ છે. આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલે છે. વર્ષના દરેક માસમાં આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલે છે પરંતુ શરદ પૂનમની રાત્રિની દરેક ક્ષણ માણવાલાયક હોય છે.
આ રાત્રિનો ચંદ્રપ્રકાશ મનને પ્રફુલ્લિત તો કરે છે. જો કે આ રાત્રિના મહત્વનું વર્ણન ધાર્મિક ગ્રંથોમાં અને આયુર્વેદમાં પણ જોવા મળે છે. તો આજે તમે પણ જાણી લો આજના દિવસનો શું છે મહિમા.

શરદ પૂનમની રાત્રિએ દરેક ઘરમાં દૂધ પૌવા બને છે અને લોકો છત પર પરિવાર સાથે ભોજન માણે છે. આ ઉપરાંત અનેક જગ્યાઓએ શરદોત્સવ પણ મનાવવામાં આવે છે. આવા ઉત્સવમાં પણ ચાંદનીની ઠંડકમાં પૌવા, સાકર અને દૂધ આરોગવામાં આવે છે.

આ રિવાજ પાછળ સ્વાસ્થ્યલક્ષી કારણ પણ છુપાયેલું છે. આસો સુદ પૂનમથી વર્ષાઋતુની વિદાય શરદઋતુનું આગમન થાય છે. આયુર્વેદ મુજબ આવા સમયે દુધ પૌઆ ખાવાથી શરીરમાંથી પિત્તનો પ્રકોપનો નાશ થાય છે અને ચંદ્રના કિરણો દુધમાં ભળવાથી દમના દર્દીઓને પણ લાભ કરે છે.
